Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાજનીતિ / ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લઇને ભાજપમાં જોડાશેઃ પૂર્વ મંત્રીનો દાવો

ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લઇને ભાજપમાં જોડાશેઃ પૂર્વ મંત્રીનો દાવો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર બાદ ભાજપની નજર મહેન્દ્રસિંહ ધોની પર છે. ભાજપ ધોનીને પાર્ટીમાં સામેલ કરવાની કવાયત હાથ ધરી રહ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સંજય પાસવાને દાવો કર્યો છે કે મહેન્દ્રસિંહ ધોની ટુંક સમયમાં ક્રિકેટમાંથી સન્યાસ લઇને ભાજપના સભ્ય બનશે. તેમણે કહ્યું કે આ મામલે તેમને ધોની સાથે અનેક વખત મુલાકાત અને વાતચીત થઇ ચૂકી છે.

સંજય પાસવાને એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટ દ્વારા દેશની સેવા કરી લીધી છે. હવે તેઓ ક્રિકેટમાંથી સન્યાસ લઇને સમાજ અને દેશ માટે રાજનીતિમાં આવવા માગે છે. 

પાસવાને દાવો કર્યો છે કે ધોની સાથે ભાજપમાં જોડવા મામલે અનેક વખત મુલાકાત અને વાતચીત થઇ ચૂકી છે. તેઓ ધોનીના સતત સંપર્કમાં છે, તેમને આશા છે કે ટૂંક સમયમાં જ તેઓ આ દિશામાં નિર્ણય લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપે જનસંપર્ક દ્વારા દેશની મહત્વપૂર્ણ હસ્તિઓ સાથે મુલાકાત કરી હતી, આ અભિયાનને પાર્ટીએ સંપર્ક ફૉર સમર્થન નામ આપ્યું હતું. આ અભિયાન હેઠળ ભાજપ અધ્યક્ષ અમિત શાહે મહેન્દ્ર સિંહ ધોની સાથે મુલાકાત કરી તેમને મોદી સરકારને ઉપલબ્ધિઓ અને પોતાની પાર્ટીના વિચારોથી અવગત કર્યા હતા.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ