Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / પં.બંગાળમાં ઘમાસાણ : હવે BJPના નેતાઓને મકાનમાં ઘેરીને રાખ્યાનો આક્ષેપ

પં.બંગાળમાં ઘમાસાણ : હવે BJPના નેતાઓને મકાનમાં ઘેરીને રાખ્યાનો આક્ષેપ

પશ્ચિમ બંગાળમાં હિંસા અટકવાનું નામ લેતી નથી. કોલકાતા નજીક આવેલા દમદમ લોકસભા ક્ષેત્રના નાગરબજાર વિસ્તારમાં ગઈ કાલે મોડી રાતે ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રૉય અને દમદમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સમિક ભટ્ટાચાર્યની ગાડી ઉપર અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો અને ગાડીમાં તોડફોડ કરી હતી.

ભાજપે આ હુમલા માટે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આરોપ લગાવ્યો છે. ભાજપનો આક્ષેપ છે કે, ટીએમસીના ગુંડાઓએ ભાજપના નેતાઓને એક કલાક સુધી મકાનમાં બંધ કરીને ઘેરી લીધા હતા. ગુરુવારે રાતે ૧૦.૦૦ વાગ્યાથી ૧૯મેના રોજ થનારા સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર શાંત થઈ ગયો છે. 

ગત સપ્તાહે પણ પૂર્વ મિદનાપુરમાં પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ અને આસામના પ્રધાન હેમંત બિસ્વ સરમાની ગાડી પર કથિત રીતે ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો હતો. બંગાળમાં અત્યાર સુધી થયેલી તમામ ૬ તબક્કાની ચૂંટણીમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દમદમમાં જનસભાને સંબોધિત કરી ત્યારબાદ ભાજપના નેતા મુકુલ રૉય એક પરિચિતના ઘરે જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા માટે નાગરબજાર ગયા હતા.

અચાનક જ ટીએમસીના સમર્થકોનું મોટું ટોળું ત્યાં પહોંચી ગયું હતું અને તેમણે હોબાળો શરૂ કરી દીધો હતો. નજીકમાં જ પોલીસ ચોકી હોવા છતાં પણ ટીએમસીના કાર્યકરોએ રીતસર આતંક મચાવીને ભાજપના નેતાઓની ગાડીઓમાં તોડફોડ કરી હતી અને તેમને મકાનમાં ઘેરી રાખ્યા હતા. આ હુમલામાં મુકુલ રૉય અને સમિક ભટ્ટાચાર્યનો આબાદ બચાવ થયો હતો. ટીએમસીએ જોકે આ ઘટનામાં તેમના કાર્યકરો કે સમર્થકો સામેલ હોવાનો સાફ ઈન્કાર કર્યો છે.

મોડી રાતે પોલીસ અને સીઆરપીએફના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે તોફાની લોકોની ધરપકડ કરી હતી. ભાજપના નેતાઓના જણાવ્યા પ્રમાણે, ટીએમસીના ગુંડાઓએ તેમના વરિષ્ઠ નેતાઓને મારવાની કોશિશ કરી હતી. બીજી તરફ સ્થાનિક લોકોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે, મુકલ રૉય એ મકાનમાં સીપીએમ સાથે મળીને ટીએમસી વિરુદ્ધ ષડ્યંત્ર રચી રહ્યા હતા. 

અંતિમ તબક્કાના મતદાનમાં ગડબડ કરવા માટે ભાજપના મુકુલ રૉય અને સમિક ભટ્ટાચાર્ય હવે સીપીએમ સાથે મળી ગયા છે અને નાગરબજારના એક મકાનમાં રવિવાર માટે ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું હતું. આ વાતથી નારાજ થયેલા ટીએમસીના સમર્થકોએ ભાજપના નેતાઓની ગાડીઓ તોડી નાખી હતી. હાલ સમગ્ર વિસ્તારમાં સીઆરપીએફને તહેનાત કરી દેવામાં આવી છે.

મોદી પાંચ વર્ષમાં રામમંદિર તો બનાવી શક્યા નથી અને વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા ઈચ્છે છે: મમતાનો કટાક્ષ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા હિંસા દરમિયાન તોડવામાં આવેલી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ ફરી બનાવી આપવાનો વાયદો કર્યો હતો.

મોદી પર પલટવાર કરતાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું કે, મોદી પાંચ વર્ષમાં રામમંદિર તો બનાવી શક્યા નથી અને વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા ઈચ્છે છે. દરમિયાન વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. કોલકાતા પોલીસને આ ઘટનામાં ઝડપથી રિપોર્ટ રજૂ કરવાના આદેશ જારી કરાયા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ