BJP former minister Kanti Gamit statement About Violation Of Covid Guideline
કોરોના સંકટ /
ભાજપના પૂર્વ મંત્રીએ કહ્યું, મારી ભૂલ થઈ અને માફી માંગું છું: શું નાગરિકો પણ આવું કહેશે તો સરકાર છોડી દેશે?
Team VTV06:33 PM, 01 Dec 20
| Updated: 06:58 PM, 01 Dec 20
કોરોના કાળમાં સામાન્ય જનતા પાસેથી માસ્કના લાખો રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. સામાન્ય લોકોને લગ્નપ્રસંગો લોકોને મંજૂરી નથી મળી રહી. તેવા સમયમાં મોટી સંખ્યામાં ભીડ ભેગી કરીને તાપીમાં ભાજપના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતે પૌત્રીની સગાઈ કરી હતી. આ પ્રસંગ દરમિયાન એકઠી થયેલી ભીડનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે સગાઈ કાર્યક્રમના પડઘા ગાંધીનગર સુધી પડ્યા હતા. સરકારે તપાસના આદેશ પણ આપ્યા છે. જ્યારબાદ હવે કાંતિ ગામિતે પોતાની ભૂલ સ્વીકારી છે. જુઓ શું કહી રહ્યા છે ભાજપના નેતા...
તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામિતે પૌત્રીની સગાઇમાં મોટી ભીડ ભેગી કરી હતી
સગાઇનો વીડિયો વાયરલ થતા રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા
સમગ્ર મામલે કાંતિ ગામિતે ભૂલ સ્વીકારી, કહ્યું- મારી ભૂલ થઇ ગઇ
સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે. આપણા રાજ્યની હાલત ઘણી કથળતી જઈ રહી છે. સરકાર વ્યાપક સંક્રમણને ટાળવા કોવિડની ગાઈડલાઈનનું કડકપણે પાલન કરાવી રહી છે. સોશિયલ ડિસ્ટન્સ કોવિડ ગાઈડલાઈનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. પરંતુ આ બધા નિયમો સામાન્ય જનતા માટે જ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કેમ કે, કેટલાક નેતાઓને આમાંના કોઈ નિયમ લાગુ પડતા નથી. ભાજપના નેતા કાંતિ ગામિત જેમણે કેવળ પોતાનો મોભો દેખાડવા એટલી ભીડ એકઠી કરી કે મેદાનમાં ક્યાંય લોકો સમાતા ન હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
સમગ્ર મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ
ત્યારે હવે ભાજપ નેતા કાંતિ ગામિતના ઘરે પ્રસંગ દરમિયાન સો.ડિન્ટન્સના ભંગ કરતા ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા આપ્યા છે. સમગ્ર મામલે વાયરલ વીડિયોના આધારે વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે. તેવામાં જોવાનું રહેશે કે તપાસ બાદ નેતા વિરૂદ્ધ કાર્યવાહી થશે કે શું.
કાંતિ ગામિતે પોતાની ભૂલ સ્વીકારી કહ્યું - મારી ભૂલ થઈ અને માફી માંગું છું
ભાજપના નેતા કાંતિ ગામિતે પોતાની ભૂલ સ્વીકારી છે અને માફી માંગી હતી. કાંતિ ગામિતે કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા તે માટે હું માફી માંગુ છું, હવે હું સાચવીશ. ગામડામાં કોરોનાના કેસ ઓછા છે તેમ સમજીને લોકો આવ્યા હતા. સગાઈ જ કરવાની છે તેમ માનીને અમે કાર્યક્રમ યોજ્યો હતો. થઈ ગયુ એ થઈ ગયું. અમે આમંત્રણ નહોતુ આપ્યું, પરંતુ ગામડામાં લોકો આવી જ રીતે આવી જાય છે. વોટ્સએપના આમંત્રણ પર લોકો આવ્યા હતા. જેને લઇને અમે 1500થી 2000 લોકોનું જમવાનું તૈયાર રાખ્યું હતું.
નેતાજીએ 'સોરી' કહ્યું દીધું, નાગરિકો કહેશે તો ચાલશે?
કાંતિ ગામિતના પૌત્રીની સગાઈમાં હજારોની ભીડનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ઊંઘતી પોલીસ અને તંત્ર હરકતમાં આવ્યું હતું. આવામાં પોલીસે કાંતિ ગામિતને પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતાં જેના બાદ તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે મારી ભૂલ થઈ ગઈ અને તેની માટે માફી માંગુ છું. તેમણે પોલીસ સ્ટેશન પહેલાં આવતા કહ્યું હતું કે હું દંડ ભરી દઈશ.
આવામાં સવાલ એ થાય છે કે શું ભાજપના નેતાઓ સોરી અને ભૂલ થઈ ગઈ એવું કહીને રેલીઓ અને પ્રસંગો કરે તો ચાલે. પરંતુ સામાન્ય માણસ 100 વ્યક્તિનો લગ્નપ્રસંગ પણ ન ગોઠવી શકે કે પછી માસ્ક ન પહેર્યુ હોય તો પણ હજારના દંડ અને આકરી કાર્યવાહી કરવામાં આવે છે. તો શું સામાન્ય નાગરિક પણ આવી રીતે સોરી કે ભૂલ થઈ ગઈ કહી દેશે તો ચાલશે?