સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્વે જામનગર શહેર-જીલ્લામાં પક્ષ પલટાનો દોર શરુ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી કોઈને કોઈ નેતા ભાજપ-કોંગ્રેસનો સાથ છોડી રહ્યું છે. ત્યારે વધુ એક રાજકીય ખેલ સામે આવ્યો છે. જામનગર તાલુકાની સિક્કા પૂર્વ મહિલા કોર્પોરેટર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેની ટીમ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં ભળી ગયા છે.
જામનગરમાં કોંગ્રેસમાં ભંગાણ થયુ
સિક્કા નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા
જુમા હુંદડા સહિત 21 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા
રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષોમાં આયારામ-ગયારામનો સિલસિલો ચાલુ થઇ ગયો છે. ત્યારે શનિવારે વોર્ડ નં. 6ના પૂર્વ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ભાજપ સાથે છેડો ફાડીને પુનઃ કોંગ્રેસમાં જોડાયા હતા. જેના 24 કલાકની અંદર જ ભાજપે વળતો પ્રહાર કર્યો હોય તેમ વોર્ડ નં. 16ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નીતાબેન પરમારને કમળ પકડાવી દીધું હતું. રવિવારે શહેર ભાજપ કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નીતાબેન પરમાર વિધીવત રીતે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશી ગયા હતા. જયારે કોંગ્રેસે સતાવાર રીતે તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
જુમા હુંદડા સહિત 21 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા
પૂર્વ પ્રમુખ અને તેની ટીમના અન્ય 21 કાર્યકરોએ ધારાસભ્ય રાઘવજી પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. સિક્કા પાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જુમા હુંદડા અને તેની ટીમને જામનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશરિયો ખેસ પહેરાવી વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. જીલ્લા ભાજપા અધ્યક્ષ મુંગરાની હાજરીમાં તમામ કોંગ્રેસીઓનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલના કોંગ્રેસના લઘુમતી સેલ મોરચાના પ્રમુખ સહીત અન્ય 21 કાર્યકર્તાઓનું પણ ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.