આજે પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ અમદાવાદ આવી રહ્યાં છે. અને તેઓ પક્ષના પ્રદેશ નેતાઓ સાથે સમીક્ષા બેઠક કરશે તે પહેલા સ્થાનિક નેતાગીરી સાથે મીટીંગ યોજાય છે. આજે સાંજ સુધીમાં અમદાવાદ પૂર્વનાં ઉમેદવારનું નામ જાહેર કરાશે. અમદાવાદની બેઠક પર ચર્ચાઈ રહ્યું છે તેનાથી કોઈ જુદી જ વ્યક્તિ ઉમેદવાર તરીકે જાહેર થાય તેવી ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ પૂર્વની સાથે જ ઊંઝા વિધાનસભા સીટનાં ઉમેદવારની જાહેરાત પણ બાકી છે. ઊંઝા વિધાનસભા બેઠક માટે આશાબહેન પટેલને જ ટિકિટ આપવામાં આવે છે કે કોઈ અન્ય પાટીદાર મહિલાને તે પણ આજે નક્કી થઈ જશે. અમદાવાદ પૂર્વનો મામલો હવે વધારે ગૂંચવાડા ભર્યો બન્યો છે. ભાજપે મોટા ભાગની બેઠકો પર સ્થાનિક સામાજિક, રાજકીય અને જ્ઞાતિનાં સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી છે.
હવે અમદાવાદ પૂર્વની બેઠકની ટિકિટ પાટીદારને મળશે કે બ્રાહ્મણ ઉમેદવારને એ સસ્પેન્સનો આજે અંત આવશે. પ્રદેશ નેતાગીરી પાસે નિરીક્ષકો ડેરા દ્વારા રજૂ કરાયેલી સ્થાનિક સ્તરેથી ૩૦ જેટલાં દાવેદારોની યાદી છે આ બેઠકના ઉમેદવાર અંગેનો નિર્ણય પ્રદેશ નેતાગીરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર છોડ્યો છે. હવે તેઓ જ પૂર્વના ઉમેદવારની પસંદગી કરશે. આજે અમિત શાહ અમદાવાદ માં જ છે ત્યારે આજે સાંજ સુધી અમદાવાદ પૂર્વ અને વિધાનસભાની ઊંઝા બેઠકનાં ઉમેદવારની જાહેરાત થઈ જશે અને તમામ રાજકીય અટકળોનો અંત આવશે.