તમિલનાડુ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રિવેન્દ્રમની એક ચૂંટણી રેલીમાં સામેલ થયા હતા.
અમિત શાહે કેરળ-તમિલનાડુની મુલાકાત લીધી
કેરળ હવે રાજકીય હિંસાની ભૂમિ : અમિત શાહ
મોદી કે સાથ નયા કેરલનો આપ્યો નારો
અહીં શાહે કહ્યું હતું કે આજે અમે ચૂંટણી અભિયાન શરૂ કરી રહ્યા છીએ, ભગવાન પદ્મનાભની ભૂમિ આજે રાજકીય હિંસાની ભૂમિ બની ગઈ છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કેરળ અને તમિલનાડુમાં હવે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એવામાં આજે ગૃહમંત્રીએ આજે બંને રાજ્યોમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.
અહીં ભાજપના ચૂંટણી પ્રચાર માટેનો નારો આપ્યો હતો, મોદીની સાથે નયા કેરલ. અમિત શાહે ત્રિવેન્દ્રમમાં પણ શ્રી રામકૃષ્ણા આશ્રમની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમિત શાહે આશ્રમના સાધુ સંતોની સાથે મુલાકાત કરી હતી, અને ત્રિવેન્દ્રમની રેલીમાં પણ સામેલ થયા હતા, આ દરમિયાન મંચ પર મેટ્રોમેન ઇ શ્રીધરન સામેત કેરળ ભાજપના ઘણા મોટા નેતા સામેલ થયા હતા.
કેરળમાં કર્યું ભાષણ
ભાજપની કેરળ વિજય યાત્રાને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું હતું કે અમારી આ યાત્રાએ લગભગ ૯૫૦ કિમીનો પ્રવાસ પૂરો કર્યો છે અને આ યાત્રામાં ૬૫ રેલી અને ઘણા પ્રોગ્રામ પણ કરવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે શ્રીધરનને દેશમાં પહેલી મેટ્રો બનાવવાના લીધે મેટ્રોમેન કહેવામાં આવે છે પરંતુ સૌથી વધુ મહત્વપૂર્ણ કામ કોંકણ રેલવે પ્રોજેક્ટ હતો, જે એન્જિનયરિંગની દ્રષ્ટિએ સૌથી સાહસિક કામ હતું. આ ઉંમરમાં પણ તેમને કામ કરતાં જોઈને મને સલામ કરવાનું મન થાય છે.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે ક્યારેક કેરળ વિકાસ, પ્રવાસ અને સાક્ષરતામાં સૌથી આગળ હતું, પણ એલડીએફ અને યુડીએફના કાળમાં ભ્રષ્ટાચાર અને હિંસાગ્રસ્ત થઈ ગયું છે, શાહે બંને ગઠબંધન પર પ્રહારો કરતાં કહ્યું હતું કે જ્યારે યુડીએફ સત્તામાં આવે ત્યારે સોલાર સ્કેમ થાય છે અને એલડીએફ સત્તામાં આવે છે ત્યારે સોના અને ડોલરની તસ્કરી થાય છે.
હું હજુ પણ ક્ષમતા ધરાવું છું
આ જ સમયમાં ઇ શ્રીધરને ભાજપના મંચ પરથી કહ્યું હતું કે ૬૭ વર્ષ સુધી મેં સરકારી ક્ષેત્રમાં કામ કર્યું છે, મેં ઘણા પ્રોજેક્ટસ પર કામ કર્યું છે, હવે હું રાજનીતિમાં છું, મને લાગે છે કે હું રાજનીતિમાં કઇંક કરી શકું છું, મારી પાસે હજુ પણ શારીરિક અને માનસિક ક્ષમતા છે એટલે હું ભાજપમાં સામેલ થયો છું.