BJP-AIADMK alliance to continue in Tamil Nadu polls: Tamil Nadu CM Palaniswami
દક્ષિણમાં 'કમળ' /
તમિલનાડુ ચૂંટણીમાં ભાજપ- AIADMK નું ગઠબંધન ચાલુ જ રહેશે, CM પલાનીસ્વામીનું નિવેદન
Team VTV09:00 PM, 21 Nov 20
| Updated: 09:12 PM, 21 Nov 20
લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કર્યા બાદ હવે ફરીથી તમિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને રાજ્યની સત્તા ધારી પાર્ટી AIADMK નું ગઠબંધન લોકોની વચ્ચે જશે આ પ્રકારની ઘોષણા મુખ્યમંત્રી ઇ. પલાનીસ્વામીએ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં તમિલનાડુ CM એ આ વાત કરી હતી. નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ હાલમાં દક્ષિણી રાજ્યના પ્રવાસ પર છે.
તમિલનાડુમાં ભાજપ - AIADMK નું ગઠબંધન
ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે છે
67 હજાર કરોડ રૂપિયાની વિવિધ યોજાનોનો શિલાન્યાસ કર્યો
મુખ્ય પ્રધાન ઇ પલાનીસ્વામીએ શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ની ચેન્નાઇ મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે, આગામી વર્ષના પ્રારંભમાં તમિલનાડુ ની ચૂંટણી માટે ભાજપ સાથે AIADMK નું જોડાણ ચાલુ રહેશે. પલાનીસ્વામીએ કહ્યું," વિધાનસભાની ચૂંટણીઓ માટે લોકસભાનું આ જોડાણ ચાલુ રહેશે. અમે 10 વર્ષ સુશાસન આપ્યું છે. અમારું જોડાણ 2021 ની ચૂંટણી જીતશે. તમિલનાડુ હંમેશાં પીએમ મોદીનું સમર્થન કરશે, "
2016 માં AIADMK ની સરકાર બની હતી
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 ની વિધાનસભાની ચૂંટણીમાં AIADMK એ DMK ને હરાવી હતી ત્યારે પાર્ટી ચીફ અને તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી જે જયલલિતા એ જે લોકોમાં હુલામણા અમ્માના નામથી જાણીતા હતા,એ પાર્ટીને શાનદાર વિજય આપ્યો હતો. જો કે ગયા વર્ષે લોકસભાની ચૂંટણીઓમાં DMK એ મજબૂત પ્રદર્શન કર્યું હતું, અને DMK ત્યાં કોંગ્રેસ સાથે ગઠબંધન ધરાવે છે.
મહત્વનું છે કે ગૃહમંત્રી અમિત શાહ હાલમાં દક્ષિણી રાજ્યની મુલાકાતે હતા, જ્યાં તેમણે 67 હજાર કરોડના મૂલ્યના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું, આ પછી તેમણે AIADMK નું સમર્થન કરતાં કહ્યું હતું કે દેશમાં હાલમાં સુશાસન આપવામાં તમિલનાડુ સૌથી પ્રથમ છે અને કેન્દ્રની મોદી સરકાર તમિલનાડુની દરેક સ્થિતિમાં તેના સમર્થનમાં એક મજબૂત શિલાની જેમ અડગ ઊભી છે.
તમિલનાડુ ભાજપ માટે મહત્વનું કેમ ?
દક્ષિણના આ રાજ્યમાં હાલમાં 39 લોકસભા સીટો છે, એટલે કે લોકસભા માટે સૌથી મહત્વના રાજ્યોમાં UP, બિહાર પછી આ આ રાજ્ય ત્રીજા નંબર પર આવે છે, કોઈ પણ પક્ષને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે તમિલનાડુના મજબૂત સાથીનું સહયોગ એ બૂસ્ટર સાબિત થાય છે. ભાજપની આમ પણ ઘણા લાંબા સમયથી કર્ણાટક પછી દક્ષિણમાં પ્રસાર પર નજર હતી અને આ મિશનમાં તમિલનાડુનું ખાસ સ્થાન છે.