જન્મદિવસ આવે એટલે આગલે દિવસ રાતે 12 વાગ્યાથી જ કેક કાપીને ઉજવણી શરૂ થાય. બર્થ-ડે બોય કે ગર્લને કેકથી રંગી નાંખવાની પરંપરા આપણે ત્યાં થોડા સમયથી શરૂ થઈ છે. ગત રાતે ઓફિસથી ઘર બાજુ જઇ રહ્યો હતો અને એક દ્રશ્ય જોયું કે મિત્રના જન્મદિવસે અન્ય ભેરૂબંધ તેને Birthday Bumps મારી રહ્યા હતા. આ ઘટના જોઇને મને પણ મારે જન્મદિવસ યાદ આવ્યો જે હજી તાજેતરમાં જ ગયો હતો.
મિત્રો શહેરમાં રહેવા આવ્યા અને શહેરીકરણના રંગાઇ જવાનું અચૂક મન થાય પરંતુ માહ્લલો આ બધુ જ કરવા માટે નનૈયો ભણતો પરંતુ ગત રાતની ઘટના જોયા પછી ગામડાની યાદો તાજી થઇ ગઈ. નળીયા વાળા મકાન વરસાદમાં તો ક્યારેક પાણીના ચૂવા થાય તો ગામ વચ્ચેથી પસાર થતું પાણી જાણે નદી જ લાગે....એમાય જન્મદિવસ આવે એટલે હરખની હેલી ઉભરાય.
જન્મદિવસ હોય એટલે તેની ઉજવણી એક મહિના પહેલા શરૂ થઇ જાય કેમ કે જન્મદિવસે નવા લૂંગડાં પહેરીને ભાઇબંધ સામે વટ પાડવાનો હોય. જન્મદિવસ આવે કે તહેવાર હોય ત્યારે 'બાપા' નવા લૂગડાં લઇ દેતા.
હૈયે હરખની હેલીઓ સમાતી નહોતી. આ લૂગડાં પેરીને પરિવારના સભ્યોને પગે લાગીને આશિર્વાદ મેળવવાના અને ત્યારબાદ સાયકલ લઇને બધા મિત્રોને મળવા જવાનું તે કેટલાક તો વહેલી સવારથી જ ઘરે આવી ગયા હોય. આ તમામ ઘટનાઓ માનસ પટ પર ઉભરી આવી કારણ કે તાજેતરમાં જ ગયેલા મારા જન્મદિવસે મારી કને થોકબંધ લૂગડાં કેક અને મિત્રો અને સ્વજનોની શુભકામનાઓ તો હતી પણ 'બાપા' નો'તા...
કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.તસવીર: હિરેન જોશી)