મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે 2 ઓગસ્ટના દિવસે 64માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ સી.એમ-કોમન મેન તરીકેની એક આગવી ઓળખ સૌના હૃદયમાં ઊભી કરી છે. તેઓ પ્રજાહિતના કામો દ્વારા અને આપત્તિના સમયે પ્રજાની પડખે ઊભા રહી સામાન્ય માનવીની રોજી-રોટીની ચિંતા કરનારા સંવેદનશીલ વ્યક્તિ તરીકે પ્રજા-માનસમાં લોકપ્રિય છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ
આજે CM 1 લાખ સુધીની લોનના ચેક વિતરણ કરશે
આજે રાજ્યકક્ષાના વનમહોત્સવનો પ્રારંભ કરાવશે
શ્રી વિજયભાઇ રૂપાણી પોતાનો જન્મદિવસ આવા જ પ્રજાહિત અને પ્રજાકિય કામોની સંવેદના સાથે તેમજ વિપદાની વેળાએ લોકોની પડખે રહીને મનાવતા આવ્યા છે.
ગત જન્મદિન પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે મનાવ્યો
ભૂતકાળમાં જ્યારે બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં પૂર અને વરસાદનો પ્રકોપ થયેલો ત્યારે પણ મુખ્યમંત્રીશ્રી એ પોતાનો જન્મદિવસ પૂર-આપત્તિગ્રસ્તોની વચ્ચે તેમના બચાવ સહાય કાર્યોમાં સતત 5 દિવસ બનાસકાઠામાં રહીને સેવા કાર્યોમાં મનાવ્યો હતો.
આજે સુરતની લેશે મુલાકાત
શ્રી વિજયભાઇ રૂપાણી પોતના 64માં જન્મદિવસે પણ સુરતમાં કોરોના સંક્રમણ-નિયંત્રણ-સારવારની સમીક્ષા અને સુરતની સ્ટેમસેલ અને કિડની હોસ્પિટલ જે ડેડિકેડેટ કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત છે તેમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની ખબર અંતર પૂછવા બપોરે સૂરત જવાના છે.
મુખ્યમંત્રીશ્રી આ પૂર્વે આવતીકાલે રવિવારે સવારે 10 30 વાગ્યે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા 71માં વન મહોત્સવનો રાજકોટ ખાતે પ્રારંભ કરાવીને હરિયાળા ગુજરાતની સંકલ્પનામાં સમગ્ર રાજ્યના નાગરિકો-પ્રજાજનોને જોડાવા પ્રેરિત કરશે.
1 લાખના ચેકનું કરશે વિતરણ
મુખ્યમંત્રીશ્રીએ કોરોનાને કારણે જેમને સૌથી વધુ આર્થિક સહન કરવાનો વારો આવ્યો છે તેવા રોજનું કમાઇને રોજ ખાનારા નાના ઘંઘા- રોજગાર કરનારા કારિગરોને ફરીથી બેઠા કરવાનો આર્થિક આધાર આપવા રૂપિયા 1 લાખની લોન માત્ર 2 ટકા વ્યાજે આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ અંતગર્ત આપવાની સંવેદશના દર્શાવેલી છે.
મુખ્યમંત્રીશ્રી આવા નાના રોજગાર ઘંઘો કરનારા લોકોને રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા અપાનારા રૂ. 100 કરોડના લોન સહાય ચેકનું વર્ચ્યુઅલ વિતરણ પણ પોતાના જન્મદિવસે ગાંધીનગરથી સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ થી કરશે.
મુખ્યમંત્રીશ્રી પોતાનો 64મો જન્મદિવસ આમ સમગ્રતયા પ્રજાહિત કાર્યો, નાના માણસોની સંવેદના અને વિશ્વવ્યાપી મહામારી કોરોનાની સુરતમાં સ્થિતિ અને સંક્રમિતોની સારવાર તથા કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે સુરતમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા-મુલાકાતથી પ્રજાહિતની ચિત્તા અને પ્રજાહિતના કલ્યાણ કાર્યો સાથે માનવાશે.
મુખ્યમંત્રીશ્રી સાથે સુરતની મુલાકાતમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે.કૈલાશનાથન વગેરે પણ જોડાવાના છે.