નવો વળાંક /
અંબાજીમાં ચિક્કી જ ચડિયાતી: મુખ્ય પૂજારીએ કહ્યું, મોહનથાળ માત્ર મીઠાઇ, રાજભોગ દરરોજ જુદો-જુદો ધરાવાય છે
Team VTV03:42 PM, 12 Mar 23
| Updated: 03:44 PM, 12 Mar 23
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. ત્યારે મંદિરના મુખ્ય પૂજારીએ દેવાંગ ઠાકરે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.
અંબાજી પ્રસાદ વિવાદ મુદ્દે મોટા સમાચાર
મુખ્ય પૂજારીએ સરકારને નિર્ણયને ગણાવ્યો યોગ્ય
મોહનથાય એ માત્ર મીઠાઈ છે રાજભોગ નહીં: મુખ્ય પૂજારી
અંબાજીમાં પ્રસાદી મામલે દાંતાના મહારાજાનું ટ્વીટ
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મામલો હવે પેચીદો બનતો જાય છે. અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોમાં રોષ છે. મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક રજૂઆતો કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિરના મુખ્ય પૂજારીએ દેવાંગ ઠાકરે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. મોહનથાળ બંધ કરવાથી કોઈ પરંપરા તૂટી ન હોવાનો દાવો મંદિરના મુખ્ય પૂજારીએ કર્યો છે.
મોહનથાળ એ માત્ર મીઠાઈ છે, મંદિરનો રાજભોગ નથી: પૂજારી દેવાંગ ઠાકર
મંદિરના મુખ્ય પૂજારી દેવાંગ ઠાકરે જણાવ્યું કે મોહનથાળ એ માત્ર મીઠાઈ છે, મંદિરનો રાજભોગ નથી. અંબાજી મંદિરમાં મોહનથાળનો માત્ર મીઠાઈ તરીકે ઉપયોગ થાય છે. 1960માં અંબાજી મંદિર સરકાર હસ્તક આવ્યું. અગાઉ અહીં જે ભક્તો આવતા હતા તેમને ભેટ સ્વરૂપે ચૂંદડી આપવામાં આવતી હતી, લોકોના ધસારાને જોઈને સરકારે નિર્ણય બદલીને મોહનથાળ આપવાનું શરૂ કર્યું. જે દર્શનાર્થી મંદિરમાં ભેટ લખાવે તેને મોહનથાળ આપવામાં આવે છે.
અઠવાડિયે એકવાર ધરાવાય છે મોહનથાળઃ પૂજારી
મંદિરના પૂજારીએ જણાવ્યું કે, અમે દાંતા સ્ટેટ વખતથી પૂજા-અર્ચના કરીએ છીએ. સવારે માતાજીને સોજીનો શિરો ધરાવવામાં આવે છે. જેને આરતી પછી ભક્તોમાં વેચી દેવામાં આવે છે. બપોરે માતાજીને દરરોજ જુદો-જુદો રાજભોગ ધરાવવામાં આવે છે, મોહનથાળ અઠવાડિયામાં એક જ વખત ધરાવવામાં આવે છે. સાંજે માતાજીને દૂધ, ફ્રૂટ અને મગજનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ પ્રસાદી પણ ભક્તોમાં વહેચી દેવામાં આવે છે.
અંબાજી મોહનથાળ મામલે દાંતાના મહારાજાનું ટ્વીટ
એક બાજુ પૂજારીએ મોહનથાળને માત્ર મીઠાઈ ગણાવી છે, તો બીજી બાજુ દાંતાના સ્ટેટ રાજવીએ મોહનથાળ પ્રસાદને ચાલુ કરવાની ફરી માંગ કરી છે. તેમણે આ મામલે એક ટ્વીટ કર્યું છે. જેમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા છે. આ ટ્વિટમાં લખ્યું છે કે, 'સમ્માનનીય વડાપ્રધાન સાહેબ જય માતાજી સાથે વિનંતી કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ 900 વર્ષ અગાઉથી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો હવે જરૂરી છે. કારણ કે ભક્તોની આસ્થા હવે ખૂટે છે.'
સમ્માનનીય વડાપ્રધાન સાહેબ@narendramodi શ્રી.
જય માતાજી સાથે વિનંતી કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ ૯૦૦ વર્ષ અગાઉ થી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો હવે જરૂરી છે.
કારણ કે ભક્તો ની આસ્થા હવે ખૂટે છે.
— Maharaj Paramveer singh Danta state (@Danta_sarkar) March 9, 2023
મોહનથાળના પ્રસાદને લઈને ઋષિકેશ પટેલે મૌન તોડ્યું
અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઈને દિવસેને દિવસે વિવાદ વકરી રહ્યો છે. ત્યારે વિવાદને લઈ મંત્રી ઋષિકેશ પટેલે ગતરોજ મોટું નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલએ મૌન તોડીને કહ્યું હતું કે યાત્રાધામ અંબાજી હિન્દુઓ માટે આસ્થાનું પ્રતિક છે. ઉપવાસના સમયમાં મોહનથાળ લઈ શકાતો નથી. તેમજ મોહનથાળ 10 દિવસ સુધી ચાલે છે. જેની સરખામીએ ચિક્કી 3 મહિના સુધી ચાલી શકે છે. ઉપરાંત ઋષિકેશ પટેલએ કહ્યું હતું કે સ્પેશિયલ પ્રકારનો માવો અને સિંગદાણાથી ચિક્કી બનેલી છે. પ્રસાદ આસ્થાનો વિષય છે મોઢાને સ્વાદિષ્ટ લાગે એના માટેની મીઠાઈ નથી. ઓનલાઈન દર્શન કરનારાને પણ ચિક્કી આપી શકાય તેવું ઋષિકેશ પટેલએ કહ્યું હતું.
ઋષિકેશ પટેલ (ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી)
અનેક લાગણીઓને ધ્યાને રાખીને ચિક્કીના પ્રસાદનું વિતરણ
મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન સૌ પ્રથમવાર ઓનલાઇન દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ વિશ્વના 27 જેટલા દેશોના 1.21 કરોડ શ્રદ્ધાળુઓએ લીધો હતો. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે 'માં અંબા'ના દર્શનાર્થે આવતા હોય છે, જેઓ પોતાના વતનમાં 'માં અંબા'નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સુકો અને વધુ સમય સુધી રહે તેવી લાગણી શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, આઠમ તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તેવી રજૂઆતો પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી. આવી અનેક લાગણીઓને ધ્યાને રાખીને અંબાજી ખાતે પ્રસાદમાં પૌષ્ટિક ચિક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય
મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રસાદની ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી છે તથા 3 માસ જેટલા સમય સુધી ગુણવત્તાયુક્ત રહે છે. આ પ્રસાદની ચિક્કી બજારમાં મળતી સામાન્ય ચિક્કી જેવી નથી. આ પ્રસાદની ચિક્કી આરોગ્યવર્ધક સીંગદાણાના માવામાંથી બનાવવામાં આવે છે.