Bhupendra Patel along with District Collectors Ganghinagar to review the situation after unseasonal rains
સર્વગ્રાહી સમીક્ષા /
કમોસમી વરસાદને લઈ CM ભૂપેન્દ્ર પટેલની હાઈલેવલ બેઠક, જિલ્લા કલેક્ટરોને આપ્યા અગત્યના દિશાનિર્દેશો, સર્વેની પણ વાત
Team VTV05:27 PM, 19 Mar 23
| Updated: 05:32 PM, 19 Mar 23
કમોસમી વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી.
કમોસમી વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પાક નુકસાન
મુખ્યમંત્રીએ ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ મારફતે કલેક્ટરો સાથે યોજી બેઠક
સર્વે કરી કોઈને અન્યાય ન થાય તે રીતે કામ કરવા તાકીદ
તાજેતરમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાએ મોકાણ સર્જી હતી. જેને લઈને અમુક વિસ્તારોમાં પાક નુકસાની આવતા ખેડૂતોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી.
ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજીને રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી.
જિલ્લાઓમાં થયેલ કૃષિ નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવવા તથા આગામી દિવસોમાં પાક સંરક્ષણ સહિતના આગોતરા આયોજન અંગે જરૂરી સૂચનાઓ આપી. pic.twitter.com/llcFsNLMuT
અમરેલી, જુનાગઢ તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. વધુમાં કલેક્ટરોએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી હોવાની વિગતો આપી હતી.
સર્વેમાં કોઇને અન્યાય ન થાય તેવો મુખ્યમંત્રીનો અનુરોધ
આ દરમિયાન મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને જણાવ્યું હતું કે સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે. વધુમાં કેન્દ્રિય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે, તેની સામે પાક સંરક્ષણ સહિતનુ આગોતરુ આયોજન જિલ્લાસ્તરે કલેક્ટરોને કરવા જણાવ્યું હતું.
૧૧૧ તાલુકાઓમાં ૧ મિ.મિ.થી ૪૭ મિ.મિ. વરસાદ નોંધાયો
કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડુતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વિડીયો કોન્ફરન્સમાં માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવે જણાવ્યુ હતું. રાજ્યના ૨૭ જિલ્લાઓના ૧૧૧ તાલુકાઓમાં ૧ મિ.મિ.થી ૪૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે ૧૮ જિલ્લાના ૩૩ તાલુકાઓ એવા છે, જ્યાં ૧૦ મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન ૨૭ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીના અઘિક મુખ્ય સચિવ પંકજ જોષી, મહેસુલના અઘિક મુખ્ય સચિવ કમલ દયાની તેમજ સંબંઘિત વિભાગોના અગ્ર સચિવો, સચિવો અને રાહત કમિશ્નરો જોડાયા હતા.