Team VTV04:02 PM, 17 Feb 20
| Updated: 11:30 AM, 20 Feb 20
ભુજની શ્રી સહજાનંદ કોલેજમાં અભ્યાસ કરતી 68 દીકરીઓના માસિક ધર્મની તપાસ માટે કપડા કઢાવવાની ઘટનાની શ્યાહી હજી સૂકાઇ નથી ત્યાં ભુજ મંદિરના જ સ્વામી કૃષ્ણસ્વરૂપ દાસજીએ સ્ત્રીઓના માસિક ધર્મને લઇને કરેલી વાતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્વામી કહે છે કે, સ્ત્રી માસિક ધર્મ સમયે તેના હાથનો બનાવેલ રોટલો જો કોઇ પુરૂષ કે તેનો પતિ ખાય તો તેનો બળદમાં અવતાર આવે છે. ત્યારે ખરેખર સવાલ એવો ઉભો થાય છે કે, સ્વામીજીને શું આવી વાત કરવી શોભે છે ?
ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વીડિયો વાયરલ
સ્ત્રીના માસિક ધર્મને લઇને કરી વાત
ભુજમાં સહજાનંદ ગર્લ્સ કોલેજના વિવાદ મામલે આજે ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામિએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ કામ ન કરવા જોઇએ. આ સમયે ઘરનું કામ કરવાથી અનિષ્ટ થાય છે. એકવાર તમે માસિક ધર્મમાં રહેલી સ્ત્રીના હાથના તમે રોટલા ખાઇ જાઓ એટલે બીજો અવતાર બળદનો જ છે.
ભુજ મંદિરના સ્વામી
સ્વામીનો વીડિયો થયો વાયરલ
હવે તમને જે લાગવું હોય તે લાગે આ શાસ્ત્રની વાત છે. ત્યારે સ્વામીના આ વીડિયોને લઇને પણ વિવાદ શરૂ થઇ ગયો છે. ભૂજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં વિદ્યાર્થિનીઓ માસિક ધર્મમાં છે કે નહીં તેની તપાસ કોલેજના સંચાલકો દ્વારા કરવાને લઇ સંચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આ શરમજનક ઘટનાની નોંધ મહિલા આયોગે પણ લીધી છે.
માસિક ધર્મને લઈને વિદ્યાર્થિનીઓનું કરાતુ હતું ચેકિંગ
શ્રી સહજાનંદ ગર્લ્સ કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારે હવે વિદ્યાર્થિનીઓએ માંગ કરી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે.
ભવિષ્યમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવશેઃ કોલેજ સંચાલક
ભુજની શ્રી સહજાનંદ ગર્લ્સ કોલેજ
વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર કોલેજ અને હોસ્ટલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે એવી પણ ધમકી અપાઇ હતી કે આ પ્રકારે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. જો કોઇને મંજૂર ન હોય તો કૉલેજ કે હૉસ્ટેલ છોડીને જઇ શકે છે. જેમને અભ્યાસ કરવો હોય તે એ કરે બાકીની વિદ્યાર્થીનીઓ ઘરે જઇ શકે છે. સાથે એવી ધમકી પણ આપવામાં આવી હતી કે જે થાય તે કરી લેવાનું.
સહજાનંદ કોલેજની વિદ્યાર્થીનીઓ
મામલો વકરતા કોલેજના સંચાલકોએ માફી માંગી
આ મામલો વકરતા કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવવામાં આવી હતી. જ્યાં તેમને ઇમોશનલ બ્લેકમેલ કરીને વાત પર પૂર્ણ વિરામ મૂકવા કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર તેમની પાસે લખાણ પણ લેવાયું હતું. સંચાલકોએ કહ્યું હતું કે, જો અમારા પ્રત્યે લાગણી હોય તો પગલા લેવાની વાત ના કરો.