બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગર / ભાવનગરની શિક્ષિકાને રાજય કક્ષાનો 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક', શિક્ષણની સાથે અનેક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓનું જીવન ઘડતર
Last Updated: 09:00 AM, 5 September 2024
વ્યક્તિત્વ વિકાસ, સમાજ કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા બહુ મહત્વની હોય છે. વિદ્યાર્થીઓના વિકાસ અને ચરિત્ર નિર્માણમાં જો કોઇનો સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય તો તે તેના શિક્ષક જ હોય છે. આવાં જ એક શિક્ષક છે ભાવનગરના આર્યકુળ કન્યા વિદ્યાલયના શિક્ષિકા ચંદ્રિકાબેન આર. ચૌહાણ કે જેમને આ વર્ષે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે રાજયકક્ષાનો 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક' એનાયત કરવામાં આવશે. ચંદ્રિકાબેન આર. ચૌહાણ કે જેઓ આર્યકુળ કન્યા વિદ્યાલય, ભાવનગરમાં ધો.9 અને 10માં મદદનીશ શિક્ષક (માધ્યમિક) વિભાગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું શિક્ષણ પ્રદાન કરે છે. છેલ્લા 18 વર્ષ થી જે ભગીરથ કાર્ય તેઓ કરી રહ્યા છે, તેના પરિણામ સ્વરૂપે તેઓને 2024ના વર્ષના શિક્ષક દિન નિમિત્તે રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવનાર છે.
ADVERTISEMENT
રાજય કક્ષાનો 'શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક'
ADVERTISEMENT
ચંદ્રિકાબેન ચૌહાણ દ્વારા ઓછામાં ઓછા 102 થી વધારે શૈક્ષણિક, સાંસ્કૃતિક, અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જેમાં શૈક્ષણિક કાર્યો જેવા કે વિજ્ઞાન ટેકનોલોજીમાં રસરૂચી જગાવવા વિજ્ઞાન મેળા, વિજ્ઞાન દિનની ઉજવણી, વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન, બાળ વિજ્ઞાન નગરી, કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત, અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ, BURD, તથા નેશનલ સાયન્સ સેમિનાર, વિજ્ઞાન ટેકનોલોજી ટ્રેનિંગો અને કાર્ય શાળાઓમાં હાજરી, વધારાના વર્ગોનું આયોજન, વાલી મીટીંગ, ઘર ઘર વાલી સંપર્ક, પેપરના રાઉન્ડ દૈનિક પરીક્ષા સાપ્તાહિક પરીક્ષા વગેરે દ્વારા ગુણવત્તા સુધારણાના કાર્યક્રમ થયા છે. આ ઉપરાંત વિદ્યાર્થી હિતની પ્રવૃત્તિ, વિદ્યાર્થી હેલ્પલાઇન સેવા, પરીક્ષાલક્ષી એસાઈમેન્ટમાં સંયોજક તરીકેની સેવા તેમણે વિદ્યાર્થીઓને પુરી પાડી છે. ચંદ્રિકાબેન ચૌહાણ દ્વારા સામાજિક કાર્યમાં યોગદાન જેવા કે, સ્વામી વિવેકાનંદ સેના ભાવનગરમાં માતૃશક્તિ આયામના સંયોજક તરીકે સેવા આપી રહ્યાં છે. જેના માધ્યમથી અનેક સામાજિક પ્રવૃત્તિઓ પણ કરી રહ્યાં છે. જેમાં તરુણાવસ્થાના વ્યસનમુક્ત, ચરિત્રવાન રાષ્ટ્રીય વિચારધારા યુક્ત યુવા શક્તિ નિર્માણનું શાળા, કોલેજો, હોસ્ટેલો, મહાશાળામાં જઈ અદ્દભુત કાર્ય કરી રહ્યાં છે.
ધાર્મિક સંસ્થાઓમાં યોગદાન આપવામાં આવ્યું
આ ઉપરાંત સામાજિક સમરસતા, મતદાન જાગૃતિ, બાલ ગોપાલન કેન્દ્ર, બ્લડ ડોનેશન કેમ્પ, નારી રત્ન પુસ્તક વિતરણ, ગુરુ વંદના કાર્યક્રમ, કર્તવ્ય બોધ કાર્યક્રમ, સ્વચ્છતા કાર્યક્રમ, આઝાદી કા અમૃત મહોત્સવના કાર્યક્રમ, ઉર્જા રેલી, સ્વાતંત્ર્ય સેનાનીઓના પુસ્તક વિતરણ જેવા સામાજિક કાર્ય દ્વારા સામાજિક ઉત્થાનનું કાર્ય તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાગૃતિ, નારી ઉત્થાન તથા કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના કાર્યક્રમો, સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થાઓમાં યોગદાન આપવામાં આવ્યું છે.
જેમના ફળસ્વરૂપે ઘણા પરિવારો વ્યસનમુક્ત થયા છે
ચંદ્રિકાબેન ચૌહાણ દ્વારા વ્યસન મુક્તિના પ્રોજેક્ટને શાળામાં વિસ્તાર કરવામાં આવ્યો છે અને જેના ફળસ્વરૂપે ઘણા પરિવારો વ્યસનમુક્ત થયા છે જેનાથી એમના પરિવારમાં લાખો રૂપિયાની નાણાંકીય બચત થઈ છે. આ બચતનો રાષ્ટ્રીય કાર્યમાં ખાદી ખરીદી, વૃક્ષારોપણ, સેવા વસ્તીમાં કીટ વિતરણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અનેક શાળાઓએ પ્રોજેક્ટ શરૂ કર્યા જેના ફળસ્વરૂપે 30 દીકરીઓમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી શાળાની 90 દીકરીઓ પ્રોજેક્ટમાં જોડાઈને વ્યસનમુક્તિનું કામ કરે છે. શિક્ષિકા શ્રીમતી ચંદ્રિકાબેન જણાવે છે કે, વિદ્યાર્થીઓનું ચરિત્ર નિર્માણ, જીવન ઘડતર અને વ્યક્તિત્વનો વિકાસ એ જ સાચા શિક્ષકની વિશેષતા છે. સમાજમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રનિર્માણ માટે કયાં પ્રકારનું યોગદાન આપી શકે તેવા અનેક કાર્ય તેમણે કર્યા છે. તેઓ વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે તેમને ઉત્તમ શિક્ષણ આપી ઉન્નત જીવનની રાહ ચીંધે છે. તેમના ઘણાં વિદ્યાર્થીઓ આજે ક્લાસ- 1 અને 2 અધિકારી બન્યા છે. આવાં પરિણામો જ તેમના જીવનને સાર્થક કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.