ભાવનગર-સુરત વચ્ચે હવાઇ સેવા શરૂ, ઉદ્યોગકારોને થશે ફાયદો

By : admin 01:16 PM, 16 April 2018 | Updated : 01:16 PM, 16 April 2018
ભાવનગરઃ ઉડાન યોજના અંતર્ગત હવે ભાવનગર અને સુરત વચ્ચે હવાઈ સેવાનો પ્રારંભ શરૂ કરાયો છે. એર ઓડિશા દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે અગાઉ ભાવનગરથી દક્ષિણ ગુજરાતનું જોડાણ કરવા માટે સરકારે રો-રો ફેરીની સેવા શરૂ કરી હતી અને હવે વિમાની સેવા શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર અને સુરત વચ્ચે વિમાની સેવા ઉપલબ્ધ થઇ રહે તે માટે ત્યાંનાં સંસદ સભ્ય દ્વારા કેટલાંય સમયથી આ અંગે રજૂઆત કરવામાં આવતી હતી. જેને લઇ સરકારે આખરે અંતિમ નિર્ણય લઇ જ લીધો.

આ સેવાનાં ઉદ્ઘાટન સમયે ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. અનેક રજૂઆત બાદ સરકારે ઉડાન યોજનામાં ભાવનગરનો સમાવેશ કર્યો છે. ભાવનગરનાં જન્મદિવસની ભેટ સ્વરૂપે ભાવનગરને ઉડાન યોજના અંતર્ગત વિમાની સેવા કેન્દ્ર સરકારે આપી છે.

ભાવનગરનાં સંસદ સભ્ય દ્વારા અનેક વખત કરાયેલ રજૂઆતને સફળતા મળતાં ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ, ભાવનગર ડાયમંડ એસોસિએશન, પ્લાસ્ટિક એસોસિએશન અને શીપ બ્રેકર એસોસિએશન દ્વારા વિમાની મથકે જ મહાનુભાવોનો સન્માન સમારોહ યોજાયો હતો.

આ વિમાની સેવા એ ઉધોગકારો માટે ફાયદાકારક ગણવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સેવાનો સામાન્ય લોકો કેટલો ઉપયોગ કરે છે. જ્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,"આ ફ્લાઇટથી લોકોને સસ્તી મુસાફરીનો લાભ મળશે."Recent Story

Popular Story