Bhavnagar congress candidate Revat Sinh Gohil sufferer a heart attack
BIG BREAKING /
ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના આ ઉમેદવારને આવ્યો હાર્ટ ઍટેક, મૂકવું પડ્યું સ્ટેન્ટ
Team VTV02:22 PM, 28 Nov 22
| Updated: 04:18 PM, 28 Nov 22
એક તરફ ગુજરાતમાં ચૂંટણીને આડે હવે બે જ દિવસ બાકી રહ્યાં છે. તમામ પક્ષોએ ઉમેદવારો પણ જાહેર કરી દીધાં છે. એવામાં ભાવનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસ ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો છે.
ભાવનગર ગ્રામ્ય બેઠકના કોંગી ઉમેદવારને એટેક આવ્યો
કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલને આવ્યો હાર્ટ એટેક
રેવતસિંહ ગોહિલને એટેક આવતા સ્ટેન્ટ મૂકવું પડ્યું
ગુજરાતની ચૂંટણી પહેલા ભાવનગરમાં કોંગ્રેસ ઉમેદવારને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરની ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવ્યો છે. જેના લીધે એકાએક તેમની તબિયત ખરાબ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એટેક આવતા તેઓને સ્ટેન્ડ મૂકવું પડ્યું છે.
રેવતસિંહ ગોહિલ
રેવતસિંહ ગોહિલ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા
તમને જણાવી દઇએ કે, ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ અને કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકી સામે કોંગ્રેસે રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી છે. રેવતસિંહ ગોહિલ કે જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને તેઓ સમાજમાં આગવું નામ ધરાવે છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા 103માં રેવતસિંહ ગોહિલનું નામ જાહેર થયું છે. રેવતસિંહ ગોહિલ છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ તરીકે પણ તેઓ પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે. ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા પરસોતમભાઈ સોલંકી કે જેઓ પાંચ ટર્મથી વિજેતા બની રહ્યાં છે તેમની સામે એક નવા જ ચહેરા તરીકે રેવતસિંહ ગોહિલને કોંગ્રેસે ઘોષિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર ગ્રામ્ય બેઠક પર છેલ્લી 5 ટર્મથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી વિજેતા થઈ રહ્યાં છે અને પક્ષે તેઓને ફરી ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાવનગર ગ્રામ્ય બેઠક છેલ્લાં 25 વર્ષથી ભાજપ પાસે છે છતાં અહીં વિકાસ ખૂબ ઓછો રહ્યો છે અને રોડ, પાણી, ગંદકી, એસ.ટી.બસની સુવિધા સહિતના અનેક પ્રશ્નથી લોકો ત્રાહિમામ છે.
કોંગ્રેસ અને AAPના ઉમેદવાર બંને ક્ષત્રિય સમાજમાંથી આવે છે
આ બેઠકમાં ઘોઘા તાલુકાના ગામો, ભાલ પંથકના ગામો, સિહોર શહેર અને તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. છેલ્લી 5 ટર્મમાં કોંગ્રેસે કોળી અને ક્ષત્રિય ઉમેદવારોને ટિકિટ આપી હતી પરંતુ તેઓ તમામ હારી ગયા છે. આ બેઠક પર કોળી સમાજના સૌથી વધુ મત છે અને બીજા ક્રમે ક્ષત્રિય સમાજના મત છે તેથી મોટાભાગે આ બેઠક પર કોળી અને ક્ષત્રિય સમાજના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામતો હોય છે. કોંગ્રેસે આ બેઠક પરથી રેવતસિંહ ગોહિલને ટિકિટ આપી છે, જ્યારે AAP પાર્ટીએ ખુમાનસિંહ ગોહિલને ટિકિટ આપી છે. કોંગ્રેસ અને આપના ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી આવે છે.