બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / પરિવાર પર મુશ્કેલી આવી તો યુટ્યુબને માધ્યમ બનાવ્યું, 10 પાસ ગુજરાતી ગૃહિણીના આજે છે લાખો ફોલોઅર્સ
Last Updated: 09:19 AM, 10 October 2024
યુટ્યુબ પરથી પૈસા કમાવા એ દરેક વ્યક્તિને સરળ લાગે છે. પરંતુ શરૂઆત કર્યા પછી ટકતા ખૂબ ઓછા લોકો હોય છે. પરંતુ તેમ છતાંય યુટ્યુબર બનવાનો ક્રેઝ તો વધી જ રહ્યો છે. મુંબઈની વડાપાવ ગર્લ તો યુટ્યુબથી એટલી લોકપ્રિય બની કે બિગ બોસ જેવા નેશનલ ટેલિવિઝન શૉમાં આવી ગઈ. તો ડોલી ચાયવાલાની સફર પણ તમે બધાએ જોઈ જ છે. ટિકટોકથી શરૂ થયેલો વીડિયો ક્રિએશનનો ટ્રેન્ડ અનેક લોકોના જીવન બદલી રહ્યો છે. આવું જીવન અમદાવાદના નિલમ શુકલનું પણ બદલાયું છે. નિલમબહેન આમ તો 10 પાસ છે, અને સીધા સાદા ગૃહિણી છે. એના કરતા હવે કહીએ કે ગૃહિણી હતા. આજકાલ તો નિલમબહેન યુટ્યુબર બની ચૂક્યા છે.
ADVERTISEMENT
જો કે, સીધાસાદા ગૃહિણીમાંથી યુટ્યુબર બનીને આજે નિલમબહેન સારી એવી કમાણી કરી રહ્યા છે. નિલમબહેન ભક્તિ અમૃત નામની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છે, જેની શરૂઆત તેમણે કોરોના કાળથી કરી હતી. તે સમયે તેમને વીડિયો કેવી રીતે બનાવવા, અપલોડ કરવા તેનું કોઈ ટેક્નિકલ જ્ઞાન નહોતું, પણ યુટ્યુબ પરથી જ આ બધું શીખ્યા અને શરૂઆત કરી. તેમના પિતા ગાયત્રી ઉપાસક હતા, એટલે ધર્મનું જે પણ જ્ઞાન વારસામાં મળ્યું હતું, તેના આધારે તેમણે ભક્તિ અને ધર્મ સ્થાનોને લગતા વીડિયો બનાવવાની શરૂઆત કરી. એકબાદ એક વીડિયો બનાવતા ગયા અને તેમના વીડિયો વધુને વધુ લોકો સુધી પહોંચતા ગયા.
ADVERTISEMENT
જો કે, આ સફર જરૂરિયાતમાંથી સર્જાઈ હતી. નિલમબહેનની યુટ્યુબ ચેનલ પર આજે ભલે 1.2 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે, પરંતુ તે સરળતાથી નથી આવી ગયા. શરૂઆતથી શરૂ કરીએ તો નિલમબહેનનો જન્મ થયો સાવ સામાન્ય પરિવારમાં. પરિવારની સ્થિતિને કારણે 10 ધોરણ જ ભણી શક્યા. વળી, પિતાનો સ્વભાવ કડક. પણ ભાઈ બહેનોમાં નિલમબહેન સૌથી નાના એટલે પાછા લાડકાય ખરાં. નિલમબહેને પિતા પાસેથી ધંધો કેવી રીતે કરવો તેના થોડા ઘણા પાઠ શીખ્યા, જે આજેય તેમને કામ લાગે છે. જો કે, પરિવારની દીકરી ગમે તેટલી લાડકી હોય, પણ લગ્ન કરીને વિદાય તો થાય જ છે. નિલમબહેનના પણ લગ્ન થયા અને જે પરિવારમાં તેઓ પહોંચ્યા ત્યાં કમાણી કરનાર વ્યક્તિ માત્ર તેમના પતિ હતા. અને આવક પણ 15થી 20 હજારની સાવ ટૂંકી હતી. એમાંય કોરાનાના કાળની કપરી થપાટ વાગી અને પરિવારમાં અન્ય આવકની પણ જરૂર પડી.
નિલમબહેનની ઉંમર ત્યારે 35 વર્ષની, અભ્યાસ ઓછો. એટલે તાત્કાલિક તો શું કામ કરીને પરિવારને ટેકો કરવો તે જ સૂજ્યુ નહીં. પણ પિતા પાસેથી વારસામાં મળેલા ધર્મ અને શાસ્ત્રોના જ્ઞાનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. આ રીતે શરૂઆત થઈ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલની. જો કે, વિષય સાવ નવો એટલે નિલમબહેન કઈ રીતે વધુ લોકો સુધી પહોંચવું? કઈ રીતે શૂટિંગ કરવું? આ બધી જ બાબતો યુટ્યુબથી જ શીખ્યા અને એક બાદ એક વીડિયો ઘરે જ બનાવવાની શરૂઆત કરી. પતિ સહિત આખા પરિવારનો પણ પૂરતો ટેકો મળ્યો. આખરે 250 વીડિયો બન્યા અને લોકો સુધી પહોંચ્યા પણ ખરા. હિન્દુ ધર્મ વિશે તેમના દ્વારા અપાતી માહિતીને કારણે યુવા પેઢી પણ તેમની સાથે જોડાતી ગઈ. લોકચાહના પણ મળવા લાગી. આ બધાની વચ્ચે નિલમબહેન કબરાઉ સ્થિત મોગલધામના દર્શને ગયા. જ્યાં મંદિરના મહંત મણિધર બાપુના આશીર્વાદ લઈને મંદિરનો વીડિયો બનાવ્યો, જે સૌથી વધારે વાઈરલ થયો. પછી તો નિલમબહેને ગુજરાતના દરેક જિલ્લાના ધર્મસ્થાનોના વીડિયો બનાવવાની શરૂઆત કરી અને આજે પાછળ વળીને જોવું નથી પડતું. પ્રાચીન મંદિરો, ધર્મગુરુઓ સાથેની વાતો ભક્તિ અમૃત ચેનલ દ્વારા લોકો સુધી પહોંચી રહી છે. અત્યાર સુધીમાં નિલમબહેન સુરાપુરા ધામ - ભોળાદ, કાશીધામ - કાહવા, ચેહરધામ-ખંભોળજ, દશામાતા - ભાવનગર જેવા અનેક સ્થળોના વીડિયોઝ બનાવી ચૂક્યા છે. ચેનલને ચાર કરતા વધુ વર્ષ થયા છે, અને સફળતાપૂર્વક કામ ચાલી રહ્યું છે.
નિલમ શુક્લનું કહેવું છે કે,'એક મહિલા તરીકે ખૂબ આનંદ થાય છે કે, લાખો દર્શકોનો અદભુત પ્રતિસાદ મળ્યો છે. એક નાની અમથી ચેનલને દર્શકોએ જોત જોતામાં ગુજરાતની સૌથી મોટું ધાર્મિક માહિતી આપતુ પ્લેટફોર્મ બનાવી દીધું.' એક વિચાર વ્યક્તિને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દે છે, તેનું ઉત્તમ ઉદાહરણ નિલમ શુક્લા બની ગયા.એક યુટ્યુબ ચેનલ શરુ કરવાના વિચાર અને સતત મહેનત, દર્શકોને પસંદ આવે તેવી બાબતોની પસંદગી, ધર્મસ્થળોના પ્રવાસ , સંવાદો વગેરે સહિત ઘર કામની જવાબદારી સાથે બધુ કરવું તે એક શક્તિથી કમ નથી. નિલમ શુક્લાને આ પ્રસિદ્ધિ માટે અનેક સન્માન મળ્યા છે. યુટ્યુબ તરફથી સિલ્વર અને ગોલ્ડ બટન પણ મળી ગયા છે. આ વિશે નિલમ શુક્લા કહે છે કે,'ક્યારેય વિચાર્યુ ન હતું તેવો પ્રતિસાદ મળ્યો છે, યુટ્યુબ ક્રિએટર અથવા સોશિયલ મીડિયા ઇફ્લુએન્સર બની શકી તો એ મારા દર્શકોના કારણે છું. હું આગળ પણ ભક્તિ અમૃત ચેનલ પર તમારી પસંદગીની વિવિધ ધાર્મિક વાતો લઈને આવતી રહીશ. ઘણા ક્રિએટીવ સંવાદ અને દમદાર સ્થળોની પણ મુલાકાત કરાવતી રહીશ.' નિલમ શુક્લાના અત્યારે યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ સાથે કુલ 17 લાખ દર્શકો જોડાયેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.