Before tomorrow's talks, the farmers, outraged by the Centre's action, gave an open warning to the government
ચીમકી /
આવતી કાલની વાતચીત પહેલા કેન્દ્રની કાર્યવાહીથી ભડકેલા ખેડૂતોએ સરકારને આપી ખુલ્લી ચેતવણી
Team VTV05:22 PM, 19 Jan 21
| Updated: 05:43 PM, 19 Jan 21
દિલ્હીની ભાગોળે ચાલી રહેલા ખેડૂત આંદોલનને હવે 2 મહિના જેટલો સમય થવા આવ્યો છે, સુપ્રીમ કોર્ટ પણ હવે તેમાં એક્ટિવ થઇ ચૂકી છે, છતાં હજુ પણ તેનો કોઈ નિવેડો આવ્યો નથી, આ બધાની વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આજે જણાવ્યું હતું કે એજન્સી આંદોલનમાં 5-5 કિલો લોટ આપવા વાળા લોકોને શોધી રહી છે, જ્યારે કે તેમની પાસે કરવા જેવા ઘણા કામ પેન્ડિંગ પડ્યા છે.
ખેડૂતો અને સરકાર વચ્ચેનો ગજગ્રાહ ખતમ નથી થઈ રહ્યો
સુપ્રીમ કોર્ટ પણ થઈ ચૂકી છે એક્ટિવ, બનાવી છે કમિટી
રાકેશ ટિકૈતે મોદી સરકાર પર લગાવ્યા લોકોને હરાન કર્યાના આરોપ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એજન્સીઓ દેશના લોકોના રૂપિયા લઈને ભાગી જનારાઓના વિષયમાં કોઈ તપાસ કરી રહી નથી, જ્યારે કે ખેડૂત આંદોલનમાં સામેલ નેતાઓ અને લોકોને હેરાન કરી રહી છે.
ખેડૂત નેતાઓને સમન મોકલવામાં આવતા રાકેશ ટિકૈતે કર્યા સરકાર પર પ્રહાર
ખેડૂત નેતાઓને સરકારી તપાસ એજન્સી એનઆઈએ દ્વારા સમન મોકલવામાં આવતા રાકેશ ટિકૈતે આજે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાકેશ ટિકૈતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે પણ એનઆઈએની ઓફિસ શોધી રહયા છીએ, અમે પણ જઈને થોડું જોવા માંગીએ છીએ. આ મામલે સરકારને ચેતવણી આપતા તેમણે જણાવ્યું હતું કે અમને હાથ તો લગાડી જુએ, મહત્વનું છે કે શીખ ફોર જસ્ટિસના મામલે લગભગ 40 લોકોને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે.
રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે દેશની તપાસ એજન્સીઓની પાસે કરવા માટે ઘણા કામ પેન્ડિંગ છે પરંતુ તે દેશમાંથી રૂપિયા લઈને ભાગી જનારાઓની જગ્યાએ ખેડૂત આંદોલનમાં 5 5 કિલો અનાજ આપવા વાળાઓને શોધી રહી છે, આ સિવાય તેમને સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર આંદોલનમાં સામેલ થનારા લોકોને અલગ અલગ રીતે ધમકાવી રહી છે. સરકારની લોકોને ડરાવવાની આવી જ નીતિ હોય છે.
એજન્સીઓએ ભાજપની પણ તપાસ કરવી જોઈએ : ખેડૂત નેતા ટિકૈત
રાકેશ ટિકૈતે સત્તાધારી પાર્ટી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે તપાસ એજન્સીઓએ આ વાતની તપાસ કરવી જોઈએ કે ભાજપે આટલી ભવ્ય અને શાનદાર ઓફિસો કઈ રીતે બનાવડાવી, જો કે તપાસ એજન્સીઓ આંદોલનમાં અનાજ અને સામાન મોકલીને મદદ કરવા વાળાને નોટિસ મોકલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અમે તો ભાજપની પણ મદદ માંગી હતી, અમે તેમની પાસેથી તિરંગા માંગ્યા હતા, પરંતુ તેમની પાસેથી કોઈ પણ જવાબ આવ્યો જ નહિ.
નોંધનીય છે કે આ 26મી જાન્યુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેકટર પરેડ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, હાલમાં સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલા ટકરાવને સમાપ્ત કરવા માટે 9 રાઉન્ડની વાટાઘાટો યોજાઈ ચૂકી છે, જો કે હવે આગામીવાતચીત માટે 20મી જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.