ફ્રોઝન ફૂડ ખાવું આજના સમયમાં કેટલાક લોકો માટે શોખ હોય છે તો કેટલાક લોકો માટે મજબૂરી પણ હોય છે. આમ તો આજની વ્યસ્ત જીવનશૈલીમાં કોઇ પણ વ્યક્તિ પાસે પ્રોપર હેલ્ધી ડાયટ લેવાનો સમય નથી તો કેટલાક લોકો એકલા રહેતા હોવાથી જમવાનું નથી બનાવી શકતા.
એવામાં જે ઓપ્શન બચે છે એ છે ફ્રોઝન ફૂડનું. તેને કેટલાક શોખથી તો કેટલાક બસ પેટ ભરવા માટે ખાય છે, પરંતુ શું જાણો છો કે જે ફ્રોઝન ફૂડ તમે મજાથી પોતાના ડાયટમાં સામેલ કરો છો એ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. ફ્રોઝન ફૂડને સંરક્ષિત રાખવા માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે એ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે અને તમને કેટલાય પ્રકારની બીમારીઓ થવાનું જોખમ પણ રહે છે.
સ્વાદુપિંડના કેન્સરની શક્યતા
ફ્રોઝન ફૂડનું લાંબા સમય સુધી સેવન કરવાથી ખાસ કરીને ફ્રોઝન મીટ ખાવાથી પેનક્રિયેટિક કેન્સર (સ્વાદુપિંડનું કેન્સર) થવાની શક્યતા રહે છે.
હૃદય સંબંધી મુશ્કેલીઓ આવી શકે છે
ફ્રોઝન ફૂડ ખાવાથી હાર્ટ સંબંધી બીમારી થવાનો ડર રહે છે. ફ્રોઝન ફૂડમાં હાજર ટ્રાન્સ ફેટ્સ ક્લોઝ્ડ ધમનીઓની મુશ્કેલી વધારી દે છે. તે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારીને ગુડ કોલેસ્ટ્રોલ ઓછો કરે છે, જેના લીધે હાર્ટ પેશન્ટ માટે જોખમ રહે છે.
ડાયાબિટીસના દર્દી માટે નુકસાનકારક
ફ્રોઝન ફૂડ ઘણા દિવસ સુધી સંરક્ષિત રહે અને ફ્રેશ લાગે એ માટે ફ્રોઝન ફૂડમાં સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે, જે ડાયાબિટીસ પેશન્ટ માટે નુકસાનરૂપ બની શકે છે.
વજન વધી શકે છે
લાંબો સમય ફ્રોઝન ફૂડ ખાવાથી વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે. એવું એટલા માટે, કારણ કે તેમાં ફેટની માત્રા ખૂબ હોય છે, તેમાં કાર્બોહાઈડ્રેટ કે પ્રોટીનની સરખામણીમાં બમણી માત્રામાં કેલરી હોય છે.
ફ્રોઝન ફૂડ આ રીતે પ્રીઝર્વ કરવામાં આવે છે
ફ્રોઝન ફૂડને પ્રીઝર્વ કરવા માટે હાઈડ્રોજેનેટેડ પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે. તેને લીધે ફ્રોઝન ફૂડમાં ટ્રાન્સ ફેટ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. ફ્રોઝન ફૂડને સંરક્ષિત કરવા માટે ગ્લુકોઝ અને સ્ટાર્ચથી બનેલા સિરપનો ઉપયોગ પણ કરવામાં આવે છે, સાથે જ ફ્રોઝન ફૂડમાં સોડિયમની માત્રા પણ ખૂબ હોય છે. આ જ કારણે ફ્રોઝન ફૂડનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.