ક્રિકેટ ફેન્સ માટે એક ગૂડ ન્યૂઝ આવ્યા છે. ઈન્ડ઼િયા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ (BCCI)એ ક્રિકેટ પ્રેમીઓ માટે શુભ સમાચાર આપ્યા છે. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની આગામી સિરીઝ માટે BCCIએ સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોની મંજૂરી આપવાની જાહેરાત કરી દીધી છે.
50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ માટે BCCIની મંજૂરી
જાન્યુઆરી 2020 બાદ ફરી એક વાર ક્રિકેટ પ્રેમીઓ માટે સ્ટેડિયમનાં પ્રવેશ દ્વાર ખુલ્યા
ઓસ્ટ્રેલિયા બાદ ઈન્ડિયાએ પણ સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાનો નિર્ણય લીધો
કોરોનાકાળ બાદ લાંબા સમય પછી ભારતમાં ક્રિકેટ મેચનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આગામી ક્રિકેટ સિરીઝ ચેન્નાઈ, અમદાવાદ અને પૂનામાં રમાશે. જે મેચો માટે સ્ટેડિયમની કેપેસિટી કરતા 50 ટકા દર્શકોને પ્રવેશ આપવા અંગે BCCIએ મંજૂરી આપી છે.
દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મળી મંજૂરી
કોરોનાકાળ પહેલા ભારતમાં છેલ્લે જાન્યુઆરી 2020માં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે ક્રિકેટ મેચ રમાઈ હતી. ત્યારબાદ આશરે છેલ્લા એક વર્ષથી વધારે સમયથી ભારતમાં કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન શક્ય નથી બની શક્યું. પણ હવે ક્રિકેટ મેચ જોવા માટે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપતો ભારત ઓસ્ટ્રેલિયા બાદ બીજો દેશ બની જશે.
કોરોનાને લીધે છેલ્લી ઘડીએ ઈન્ડિયા-સાઉથ આફ્રિકાની સિરીઝ ખોરંભે ચડી હતી
કોરોનાની મહામારીનો ખતરો વૈશ્વિક સ્તરે વધતા માર્ચ 2020માં ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની લિમિટેડ ઓવરની મેચો પણ રદ કરવામાં આવી હતી. જેથી ત્યાર બાદ ક્રિકેટ રસિયાઓનો લોકડાઉનનાં સમયમાં ઘરે બેસીને લાઇવ ક્રિકેટ મેચ જોવાની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું હતું.
અમુક રાજ્યોનાં સ્ટેડિયમમા 20-25 ટકા દર્શકોને મંજૂરી અપાશે.
ચેન્નાઈ, અમદાવાદ અને પુનામાં યોજાનાર ઈન્ડિયા અને ઇંગ્લેન્ડની મેચ માટે અમુક રાજ્યોનાં ક્રિકેટ એસોશિયેશન કદાચ 20થી 25 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રેવશ આપવાની મંજૂરી આપી શકે છે. જોકે તેમાં અમુક ક્રિકેટ સ્ટેડિયમની કેપેસિટીને ધ્યાનમાં રાખીને કેટલા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો તે અંગે વિચારણા કરાશે.
કોરોનાને લીધે IPLઅરબ દેશોમાં રમાડાઈ હતી
ઈન્ડિયાની લિમિટેડ ઓવરની સિરીઝ આઈપીએલને પણ કોરોનાનું ગ્રહણ નડ્યુ હતું. આઈપીએલની 13મી એડિશન કોરોનાને લીધે 6 મહિના મોડી યોજવામાં આવી હતી તેમજ ભારતમાં વધતા કોરોનાનાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ઇન્ડિયાને બદલે આઈપીએલ યુએઈનાં સ્ટેડિયમ્સમાં દર્શકો વગર યોજાઈ હતી. તેવી જ રીતે ભારતમાં રંજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી.