Bateshwar Shiv temples and chausath yogini temple in morena
અદભૂત સ્થાપત્ય /
ભારતીય સંસદની ઈમારત આ ગુપ્તકાળના શિવમંદિર પરથી બન્યું છે, આવું મંદિર ક્યાંય નહીં જોયું હોય
Team VTV09:18 PM, 01 Nov 19
| Updated: 09:33 PM, 01 Nov 19
ભારત સરકારે હવે નવા સંસદ ભવનના નિર્માણની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. વર્ષ 2022નું સંસદ સત્ર નવા ભવનમાં જ યોજાશે તે નક્કી છે. આ તો થઈ સંસદની વાત પણ ચંબલની કોતરોમાં કંઈક એવું છે જે જોઈને તમે દંગ રહી જશો.
આ મંદિરનો નકશો ભારતના સંસદ ભવન જેવો જ છે
ચોસઠ જોગણી મંદિર પણ કહેવામાં આવે છે
મિતાવલી મંદિર, બટેશ્વરા અને નરેશ્વર શિવ મંદિર જેવી રચનાઓ બીજે ક્યાંય નહીં
એવું પણ કહેવામાં આવે છે કે, ચંબલના કેટલાક ભવ્ય સ્થાપત્યને જોઈને જ ભારતીય સંસદની ડિઝાઈન બનાવવામાં આવી છે. જેને ડાકુઓના ડરથી રક્ષણ મેળ્યું તે ભવ્ય વારસો હવે દેશ અને દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. વર્ષ 2000 બાદ પુરાતત્ત્વ વિભાગ અને મધ્યપ્રદેશ સરકારના સઘન પ્રયત્નોથી મુરૈના નજીક આવેલું આ સ્થળ ચર્ચામાં છવાયું છે.
ચંબલની ખીણ અને કોતરો ડાકુઓના આતંક માટે કુખ્યાત છે, પરંતુ અહીં ડાકુઓના આતંકની પાછળ છુપાયેલા ગૌરવપૂર્ણ ઇતિહાસને હવે આખા દેશમાં ઓળખ મળવા લાગી છે. ચંબલને કુખ્યાત બનાવનાર ડાકુઓના ડરથી જ આ ભવ્ય વારસો સચવાઈ રહ્યો છે. આ એક એવો વારસો છે જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. વિસ્તૃત શિવ મંદિર શૃંખલા અને ભારતીય સંસદ ભવનની પ્રેરણા ગણાતું ચોસઠ જોગણી (યોગિની) મંદિર જેવી ગોળાકાર સંરચના અહીં જોવા મળે છે. આ સ્મારકોની ખ્યાતિ કોઈ પણ જાતના પ્રચાર-પ્રસાર વગર જ દેશભરમાં ફેલાઈ રહી છે.
મિતાવલી મંદિર, બટેશ્વરા અને નરેશ્વર શિવ મંદિર જેવી રચનાઓ બીજે ક્યાંય નહીં
વિશાળ વિસ્તારમાં ફેલાયેલા મુરૈનાના બટેશ્વરા શિવ મંદિર જૂથે સ્થાપિત કર્યું છે કે, સંસદ ભવન બન્યું એની ઘણી સદીઓ પહેલા જ ચંબલની ખીણના ગાઢ જંગલોમાં અસલ આવી જ સંરચના અને બાંધકામો કરવામાં આવ્યા હતા. ખુદ આર્કિઑલજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (એએસઆઈ)એ તેના દસ્તાવેજોમાં જણાવ્યું છે કે, મિતાવલી મંદિર, બટેશ્વરા અને નરેશ્વર શિવ મંદિર જેવી રચનાઓ બીજે ક્યાંય જોવા મળી નથી.
વર્ષ 2000 સુધીમાં મુરૈના જિલ્લા મથકથી લગભગ 30 કિલોમીટર દૂર ખડકો અને કાંટાળી ઝાડીઓ વચ્ચે છુપાયેલા આ બાંધકામો કોઈએ પણ જોયા ન હતા. ચંબલના ડાકુઓના ડરથી આ જંગલોમાં ક્યારેય બહારની કોઈ વ્યક્તિ આવી નથી. આ જ કારણે પાણીના તોફાની વેગ અને ભૂકંપના આંચકાઓ સહન કરીને પણ આ બાંધકામો મૂર્તિ તસ્કરો અને ખનન માફિયાઓથી બચી ગયા હતા.
મુહમ્મદને સપનામાં દેખાયું હતું આ શિવ મંદિર
વર્ષ 2000માં સ્થાનિક પુરાતત્ત્વ વિભાગને જાણ થઈ હતી કે, આવી કેટલીક સંરચનાઓ અહીં છે, પરંતુ તેમનું ભાગ્ય ત્યારે બદલાયું જ્યારે 2005માં વરિષ્ઠ પુરાતત્ત્વવિદ કે.કે.મુહમ્મદને સેન્ટ્રલ ઝોનમાં નિયુક્ત કરાયા. કે.કે.મુહમ્મદ હવે નિવૃત્ત થઈ ગયા છે અને એવો દાવો કરે છે કે તેમણે શિવ મંદિર જૂથોને સપનાંમાં જોયા હતા અને બીજા દિવસે તેમણે સાથીદારો સાથે આ અંગે ચર્ચા કરી ત્યારે જાણ થઈ કે તેમનું સપનું ખોટું નથી. જ્યારે તેમને શિવ મંદિર જૂથના ખંડેરો વચ્ચે લઈ જવામાં આવ્યા ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ચોસઠ જોગણી મંદિર પણ કહેવામાં આવે છે
એક શિલાલેખ અનુસાર, મિતાવલી ઇક્તોસર મંદિરનું નિર્માણ 13મી સદીમાં કચ્છપઘાત રાજા દેવપાલે કરાવ્યું હતું. 170 ફુટની ત્રિજ્યા ધરાવતું આ મંદિરનો નકશો ભારતના સંસદ ભવન જેવો જ છે, જેમાં શિવલિંગવાળા 64 ઓરડાઓ છે અને મધ્યમાં શિવલિંગ સાથેનો એક મંડપ છે. તેને ચોસઠ જોગણી મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરોના અદભૂત સ્થાપત્ય દેશ અને વિશ્વના પ્રવાસીઓને આકર્ષે છે.