banaskantha police registered fir against public who exposed bootlegger
સાંઠગાંઠવાળી પોલીસ! /
બુટલેગરના બદલે MLA ગેનીબેન સાથે જનતા રેડ કરનારા 2 લોકો વિરૂદ્ધ પોલીસે નોંધી ફરિયાદ, ઠાકોર સમાજમાં રોષ
Team VTV11:16 AM, 19 Mar 22
| Updated: 12:41 PM, 19 Mar 22
બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની જનતા રેડ મામલે બુટલેગરે બે વ્યક્તિઓ સામે નોંધાવી પોલીસ ફરિયાદ, ઠાકોર સમાજમાં રોષ
MLA ગેનીબેન ઠાકોરની જનતા રેડનો મામલો
બુટલેગરે જનતા રેડ કરનાર બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી
પોલીસે પ્રધાનજી ઠાકોર અને બાલાજી ઠાકોર નામના શખ્સ સામે નોંધી ફરિયાદ
વિધાનસભા ગૃહમાં ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં દારુબંધી પર સવાલો ઉઠાવ્યા હતા. બે દિવસ અગાઉ વિધાનસભામાં બુટલેગરોના નામ જાહેર કર્યા બાદ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખુદ બુટલેગરને ઉઘાડા પાડવાની શરૂઆત કરી દીધી હતી. 18 માર્ચે બનાસકાંઠામાં વહેલી સવારે ભાભરથી કોતરવાડાની કેનાલ ઉપરથી એક પિક વાનમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો પકડી પાડયો હતો. જે મામલે પોલીસે બુટલેગરની જગ્યાએ જનતા રેડ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
બુટલેગરે રેડ કરનાર સામે નોંધી ફરિયાદ
આ તો રક્ષક જ ભક્ષક બને તેવો ઘાટ સર્જાયો. ગુજરાતમાં દારુબંધીના કડક અમલીકરણ કરાવવાને બદલે પોલીસ પોતાની ફરજ ભૂલી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. બુટલેગરોને સબક શીખવાડવાનું કામ પોલીસનું છે પણ સજાગ જનતા જ્યારે પોલીસ સામે આવા તત્વોને ખુલ્લા પાડે તો શું જનતા સામે ફરિયાદ કરવાની હોય ? બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે 18 માર્ચે ગામના યુવાનોને સાથે રાખીને જનતા રેડ કરીને દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે બુટલેગરે રેડ કરનાર બે વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. વળી પાછા પોલીસે પણ પ્રધાનજી ઠાકોર અને બાલાજી ઠાકોર નામના શખ્સ સામે ફરિયાદ નોંધી પણ ખરી. આ ઘટનાને પગલે સવાલ ચોક્કસ થાય કે પોલીસની રહેમનજર હેઠળ દારુના અડ્ડા ધમધમી રહ્યા છે? શું પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ હોય છે ? ક્યાં સુધી પોલીસ છાવરતી રહેશે આવા તત્વોને ? સમગ્ર ઘટનાને પગલે ઠાકોર આગેવાનો સામે ફરિયાદ નોંધાતા ઠાકોર સમાજમાં રોષની લાગણી ફરી વળી છે. ત્યારે હવે આ અંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે VTV સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જાણો શું કહું...
વિનુ સિંધી નામના બુટલેગરના અડ્ડા પર ગેનીબેન ઠાકોરની જનતા રેડ
બે દિવસ અગાઉ વિધાનસભામાં બુટલેગરોના નામ જાહેર કર્યા બાદ હવે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ખુદ બુટલેગરને ઉઘાડા પાડવાની શરૂઆત કરી દીધી હતી. ગેનીબેન ઠાકોરે રાતે ત્રણ વાગે ભાભરથી કોતરવાડાની કેનાલ ઉપરથી એક પિક વાનમાં મોટી માત્રામાં હેરાફેરી થતો દારૂનો જથ્થો પકડી પાડયો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આસપાસના યુવાનો જોડાયા હતા. વિનુ સિંધી નામના બુટલેગરના અડ્ડા પર કરેલી આ જનતા રેડમાં એક બુટલેગર પણ ગેનીબેને ઝડપી પાડયો હતો અને પોલીસને પણ રાતોરાત જિલ્લામાં આવા કામ થતાં હોવાની માહિતી આપી હતી.
સળગતા સવાલ
શું પોલીસ જનતા માટે કામ કરે છે કે બુટલેગર માટે ?
શા માટે જનતાના પ્રતિનિધિને રેડ કરવાની જરૂર પડી ?
શું બુટલેગરને કાનૂન વ્યવસ્થાનો કોઇ ભય નથી ?
શું બુટલેગરને પોલીસનો કોઇ ભય નથી ?
બુટલેગર પર ક્યાં વગદારના ચાર હાથ છે
વિધાનસભામાં ગેનીબેન ઠાકોરે બુટલગેરના નામો કર્યા હતા જાહેર
આ પહેલા ગેનીબેને ભાભર ભાજપ પ્રમુખ ગંભીર આક્ષેપો કર્યા હતા. વિધાનસભા ગૃહમાં નામ ઉલ્લેખ સાથે ગેનીબેન ઠાકોરે વિનુ સિંધી, ભાભર નપા સભ્યના પુત્ર ધવલસિંહ રાઠોડ, સંજુભા રાઠોડ બુટલેગર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાભર અને આજુબાજુના વિસ્તારમાં દારૂની સપ્લાય કરવામાં આવે છે જેમાં ભાજપ સભ્યોના સબંધીઓ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે પણ ન તો ગૃહ વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું છે ન તો પોલીસ.