આજ રોજ ગુજરાત સરકારે પાલનપુર અને વડગામ તાલુકાના ગ્રામજનોની લાગણી અને માંગણીને ધ્યાને રાખી કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ. 1566.25 કરોડના કામોને મંજુરી આપી છે. તેમજ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના રૂ. 192 કરોડના કામોને પણ મંજૂરી આપી દીધી છે. છતાંય બનાસકાંઠામાં જળ આંદોલન યથાવત છે. બનાસકાંઠામાં પાણી માટે 125 ગામની મહિલાઓએ PM મોદીને ફરીવાર પોસ્ટકાર્ડ લખ્યા છે. આ મહિલાઓએ વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવા PMને રજૂઆત કરી છે.
આજ રોજ રાજ્ય સરકારે ઉ. ગુજરાતના લોકો માટે લીધો છે મહત્વનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતના લોકો માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે કસરા-દાંતીવાડા પાઈપલાઈન અને ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના કામને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે, કસરા-દાંતીવાડા પાઈપલાઈનથી બનાસકાંઠાના 156 તળાવ નર્મદાના નીરથી ભરાશે. પાટણના બે તાલુકાના 96 તળાવ પણ ભરવામાં આવશે. આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. સરકારના આ નિર્ણયથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારને પૂરતું પાણી મળશે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઇપલાઈનથી 100 ક્યુસેક પાણીનું વહન થશે. નર્મદાના પાણીને મુક્તેશ્વર ડેમમાં રાખવામાં આવશે. બનાસકાંઠાના પૂર્વ વિસ્તારની 20 હજાર હેક્ટર જમીનને આનાથી ફાયદો થશે.
પાલનપુર અને વડગામ તાલુકાના ગ્રામજનોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને એક મહત્વના નિર્ણયરુપે સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે રૂ. 1566.25 કરોડના કામોને મંજુરી આપી છે. તેમજ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના રૂ. 192 કરોડના કામોને પણ મંજુરી આપી છે.
તાજેતરમાં જ 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બનાસકાંઠાના 125 ગામની મહિલા ખેડૂતોએ PMને પોસ્ટકાર્ડ લખ્યા હતાં. PMને પોસ્ટકાર્ડ લખીને મહિલા ખેડૂતોએ પાણી માટેની માંગ કરી હતી. મહિલા ખેડૂતો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા પાણી માટે 'પોસ્ટકાર્ડ આંદોલન' ચલાવવામાં આવ્યું.
કસરા-દાંતીવાડા પાઈપલાઈન દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી 300 ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના 73 ગામોના 156 તળાવો તથા પાટણ જિલ્લાના 33 ગામોના 96 તળાવો નર્મદાજળથી ભરાશે. જે થકી 30,000 થી વધુ ખેડૂત પરિવારોની 1.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે તથા પશુધન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે.
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના વડગામ (Vadgam) નું કરમાવાદ તળાવ (KARMAVAD LAKE) અને મુક્તેશ્વર ડેમ (Mukteshwar Dam) ભરવાની માંગ સાથે 125 ગામની હજારો બહેનોએ PM મોદી (PM Narendra Modi) ને પત્ર લખીને પોસ્ટકાર્ડ મોકલ્યા હતાં.
કરમાવાદ તળાવ-મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને કરાઇ છે વારંવાર રજૂઆત
તમને જણાવી દઇએ કે, બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ભૂગર્ભ જળ ઊંડા ગયા છે. તો બીજી તરફ વડગામનું કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમ પણ તળિયા ઝાટક થતા વિસ્તારના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે બૂમબરાડા કરી રહ્યાં હતાં. મહત્ત્વની વાત એ છે કે, આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવા કોઈ કેનાલ કે અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને ભારે તકલીફ પડી રહી છે. જો કે સ્થાનિકો દ્વારા કરમાવાદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી છોડવા સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં અત્યાર સુધી તેઓની માંગ ન સ્વીકારાતા છેલ્લાં કેટલાંક દિવસોથી આ વિસ્તારના લોકો દ્વારા જળ આંદોલન છેડાયું હતું.