પ્રેરણાદાયી કિસ્સો /
પછાત સમાજે વરઘોડા નહીં કાઢવાની ઘટના વચ્ચે કાઠી સમાજે કરી અનોખી પહેલ
Team VTV06:58 PM, 14 May 19
| Updated: 08:59 PM, 14 May 19
વરઘોડા કાઢવા મામલે હાલ રાજ્યમાં અનેક જગ્યાએ દલિતો પર અત્યાચાર થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પહેલા કડીના લ્હોર અને ત્યાર બાદ અરવલ્લીના જિલ્લાના ખંભીસરમાં વરઘોડો કાઢવા મામલે મામલો બિચક્યો હતો. જોકે ત્યારબાદ સમાધાન અને શાંતિપૂર્ણ રીતે મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ત્યારે હવો જાતીવાદને દૂર કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે.
પછાત સમાજના વરરાજ માટે કાઠી સમાજે વરઘોડો કાઢ્યો
દલિત સમાજનો વરઘોડો કાઢવાને લઈને હાલમાં બબાલ ચાલી રહી છે. ત્યારે એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. વેળાવદરના પછાત સમાજના છોકરાના કાઠી સમાજના લોકોએ વરઘોડો કાઢી પરણાવ્યો હતો. વણઝારા સમાજના યુવાન માટે કાઠી સમાજે ઘોડો લાવી આપ્યો અને તેને ઘોડી ચડાવી રંગે ચંગ લગ્ન પણ કરાવી આપ્યા હતા. કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ વરરાજાના વરઘોડા માટે ઘોડીની વ્યવસ્થા કરી સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એકબાજુ સમાજને વિભાજીત કરીને રહેનારા છે. તો બીજી બાજુ સમાજને જોડનારા લોકો પણ છે.
દલિત સમાજની દીકરીઓની પુજા કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ
બીજી બાજુ પાટણમાં રાધનપુર તાલુકાનાં કોલાપુર ગામે જાતીવાદને દૂર કરવા અનોખી પહેલ કરવામાં આવી હતી. શંકર ભગવાનનાં નવીન મંદિરના પ્રાણપ્રતિસ્થા મહોત્સવમાં અનોખી પહેલ કરતા દલિત સમાજની દીકરીઓની પુજા કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો. રબારી સમાજ દ્વારા સમાજમાં આભડછેટ અને નાતજાત ભેદ ભાવ દુર કરવા પહેલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કડીના લ્હોર અને અરવલ્લીના ખંભીસરમાં દલિત સમાજના યુવકનો વરઘોડા કાઢવાને લઇને વિવાદ ઉભો થયો હતો. ત્યારે સમાધાન બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ પરિવારે ફરી વરઘોડો કાઢ્યો હતો.