Team VTV10:38 AM, 05 Aug 20
| Updated: 10:47 AM, 05 Aug 20
આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત માટે ઐતિહાસિક દિવસ છે ત્યારે ગુજરાતમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અયોધ્યામાં ઉત્સવને પગલે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ છે ત્યારે કોઈ છમકલા ન થાય અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસને સ્ટેન્ડ ટુ રખાઈ છે. જો કે ગુજરાતને હાઈ અલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
રામમંદિરના નિર્માણની આજે આધારશિલા રખાઇ રહી છે ત્યારે સમગ્ર દેશમાં હર્ષોઉલ્લાસ અને ઉત્સવનો માહોલ છે. 500 વર્ષની પ્રતિક્ષા અને પ્રાર્થના પ્રયાસો બાદ આજે એ દિવસ આવી ગયો છે, જેની કરોડો દેશવાસીઓને રાહ હતી. દેશના સાધુ સંતોએ દિવસને ઇતિહાસ રચનાર સત્યના વિજયનું પર્વ ગણાવ્યું છે અયોધ્યા સાથે ગુજરાતમાં પણ દિવાળી જેવો માહોલ છે ત્યારે ગુજરાત પોલીસને સેન્ટ્રમાંથી સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ મળ્યા છે.
ગુજરાતના તમામ શહેર અને જિલ્લા પોલીસ અલર્ટ પર
શહેર પોલીસ સવારથી સ્ટેન્ડ ટુ છે. બંદોબસ્ત, પેટ્રોલિંગ, નાકા પોઇન્ટ, શહેરમાં અનેક સ્થળોએ ચેકીંગ પણ કરાઈ રહ્યા છે. ગુજરાતના તમામ શહેર અને જિલ્લા પોલીસને એલર્ટ રહેવાનું કહી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં નાનામાં નાની ઘટનાનું સ્ટેટમાં રિપોર્ટીંગ થશે. રાજ્યની એટીએસ, ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ને પણ એલર્ટ રખાયા છે.
રાજ્ય પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાવેલા તમામ શહેર અને જિલ્લા પોલીસને એલર્ટ રહેવા આદેશ કર્યા છે. રાજ્ય પોલીસ સવારથી સ્ટેન્ડ ટુ પર રહેશે. અનેક સ્થળો પર ચેકીંગ અને રાજ્યમાં સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે.
કેટલા વાગ્યોનો કાર્યક્રમ
આજે રામમંદિર ભૂમિપૂજનનો ભવ્ય અવસર છે. પીએમ મોદી રામમંદિરનું ભૂમિપૂજન કરશે. પીએમ મોદી સવારે 11.30 કલાકે અયોધ્યા પહોંચશે અને 3 કલાક અયોધ્યામાં રોકાશે. અંદાજે 40 મિનિટ સુધી ભૂમિપૂજનનો કાર્યક્રમ ચાલશે. પીએમ મોદી 12 કલાક 44 મિનિટ અને 15 સેકન્ડે શિલાન્યાસ કરશે. આ દરમિયાન RSS સુપ્રિમો મોહન ભાગવત સહિત મહાનુભવો હાજર રહેશે. રામમંદિર ભૂમિપૂજનને લઇ અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. અયોધ્યામાં પોલીસ, આરએએફ અને સીઆરપીએફના જવાન તૈનાત કરી દેવાયા છે. રામ જન્મભૂમિ ક્ષેત્રને રેડ ઝોન જાહેર કરી દેવાયો છે.
આજે રામમંદિરના ભૂમિપૂજનના પાવન અવસરે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. અવધમાં જ નહીં દેશભરમાં દિવાળી જેવા માહોલ છે. ત્યારે વડોદરા કરડ બજારના વેપારીઓએ પણ અવસરની ઉજવણી કરી રહ્યાં છે. વેપારીઓ 1100 લાડુનું વિતરણ કરીને ઉત્સવ મનાવશે. લોકોનું લાડુ ખવડાવી મોં મીઠુ કરીને મંદિર નિર્માણની ખુશીને આ રીતે વ્યક્ત કરશે.
ગુજરાતના આ સંતો સરયૂ નદીના દિપોત્સવમાં સહભાગી
અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે. ત્યારે ગુજરાતના સાધુ સંતો અયોધ્યા પહોંચ્યા છે. રામ જન્મભૂમિ કાર્યક્રમના ભવ્ય કાર્યક્રમમાં આ સંતો હાજર થયા છે. જેમાં અવિચલ દાસજી, પરમાત્માનંદજી, કૃષ્ણમનીજી મહારાજ અયોધ્યા પહોચ્યા છે. તેમજ શંભુપ્રસાદ ટુંડીયા, મહંત સ્વામીજી મહારાજ પહોચ્યા અયોધ્યા છે. અને આ ઉપરાંત જોઇએ તો માધવપ્રિયદાસજી, અખિલેશ્વરદાસજી પણ અયોધ્યા પહોંચ્યા છે. ગુજરાતના આ સંતો સરયૂ નદીના દિપોત્સવમાં સહભાગી થયા છે.
રામમંદિરના નિર્માણની ખુશીમાં આ રોશની કરવામાં આવી
મહેસાણા જિલ્લાનું ભાજપ કાર્યાલય રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રામમંદિર નિર્માણના ભૂમિ પૂજનને લઈ રોશની શણગારવામાં આવી છે. ભાજપનો ઉદય મહેસાણાથી શરૂ થયો હતો. દેશમાં પ્રથમ 2 બેઠકોમાં મહેસાણા લોકસભા બેઠક ભાજપ જીત્યું હતું. રામ મંદિરની કાર સેવામાં પણ મહેસાણા જિલ્લાનો ફાળો વિશેષ છે. આથી આ ભાજપ કાર્યાલયે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રામમંદિરના નિર્માણની ખુશીમાં આ રોશની કરવામાં આવી છે.