Team VTV08:13 AM, 05 Feb 21
| Updated: 08:39 AM, 05 Feb 21
પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ ગુરુવારે અચાનક અયોધ્યા પહોંચીને રામલલાના દર્શન કર્યા છે અને સાથે ખેડૂતોને લઈને કહ્યું કે વિરોધી પાર્ટીઓના ઈશારે કેટલાક લોકો ઉત્પાત મચાવી રહ્યા છે.
રામલલાની શરણમાં પહોંચ્યા PM મોદીના ભાઈ પ્રહ્લાદ
ખેડૂત આંદોલનને લઈને આપ્યું આ મોટું નિવેદન
વિરોધી પાર્ટીઓના ઈશારે કેટલાક લોકો ઉત્પાત મચાવી રહ્યા છે
પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી હાલમાં યૂપીના પ્રવાસે છે. તેઓએ ગુરુવારે અચાનક અયોધ્યાની મુલાકાત લીઘી અને રામલલાના ચરણોમાં માથું ટેકવ્યું. એટલું નહીં હનુમાનગઢીમાં પૂજા અર્ચના પણ કરી. તેઓએ ખેડૂત આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે ખેડૂત આંદોલનને લઈને કોઈ વચ્ચેનો રસ્તો નીકળે એવી સદ્બુદ્ધિ ઈશ્વર આંદોલનકારી અને મોદી સરકારને આપે.
રામલલાના દરબારમાં કરી પ્રાર્થના
ગુરુવારે અચાનક પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ અયોધ્યાની મુલાકાત લીધી અને રામલલાના દરબારમાં પ્રાર્થના કરી કે ખેડૂત આંદોલન અને કોરોનાથી મુક્તિ મળે. અગાઉ પણ થોડા દિવસો પહેલાં તેઓ અયોધ્યા આવ્યા હતા. આ સમયે પણ રામ જન્મભૂમિના દર્શન કરવાની સાથે હનુમાનગઢીમાં માથું ટેકવ્યું હતું.
ખેડૂત આંદોલનને લઈને આપ્યું મોટુ નિવેદન
અયોધ્યા પહોંચેલા પ્રહ્લાદ મોદીએ કહ્યું કે રામલલાના દર્શન માટે અયોધ્યા આવ્યો છું. દર્શન કરીને રામલલાને પ્રાર્થના કરી કે ભારતમાં ચાલી રહેલી મુશ્કેલીઓ પછી તે ખેડૂત આંદોલન હોય કે કોરોના મહામારી,બધું સમાપ્ત થાય, આ સાથે ખેડૂતો અને સરકારની વચ્ચે કોઈ રસ્તો નીકળે અને ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના પણ કરી. મળતી માહિતી અનુસાર તેઓએ કહ્યું કે આંદોલન કરી રહેલા લોકો ખેડૂત નથી. આ વાત સરકાર અને દેશની જનતા પણ માને છે. સાથે તેઓએ કહ્યું કે વિરોધી પાર્ટીઓના ઈશારે કેટલાક લોકો ધમાલ મચાવી રહ્યા છે. જ્યારે સરકારે ઉપદ્વવીઓની ઓળખ માટે ઈનામ પણ જાહેર કર્યું છે. જો કે પ્રહ્લાદ મોદીએ ખેડૂતોનો પક્ષ લેતા એમ પણ કહ્યું કે ખેડૂત દેશના ગૌરવની ચિંતા કરે છે. તેઓ ક્યારેય આવી ધમાલ કરશે નહીં. આ વાતને આપણે અને સરકાર પણ માને છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે યૂપીની રાજધાનીના અમૌસી એરપોર્ટની બહાર પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદી ધરણા પર બેઠા હતા. પોલીસ પ્રશાસનને આ ખબર મળતાં તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. મોટા અધિકારીઓએ તેમને સમજાવ્યા અને તેઓએ ધરણા પૂરા કર્યા હતા. તેઓ પોતાના સમર્થકોને પોલિસ દ્વારા કસ્ટડીમાં લેવાવાના કારણે નારાજ હતા અને તેના કારણે તેઓે ધરણા પર બેઠા હતા.