આજે 14 ફેબ્રુઆરી એટલે કે જેને લોકો વેલેન્ટાઈન દિવસ તરીકે ઉજવતા હોય છે, આજના દિવસે યુગલો એક બીજાને ભેટ-સોગાદો આપીને ઉજવણી કરી રહ્યાં છે. પરંતુ રાજકોટની શ્રીજી ગૌશાળામાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રીજી ગૌશાળામાં મોટી સંખ્યામાં લોકોએ આજે વેલેન્ટાઈન ડે પર પોતાની પ્રિયતમને નહીં પરંતુ ગાયમાતાને ભેટીને કાઉ હગ ડેની ઉજવણી કરી છે. ગૌશાળા સંચાલકનું કહેવું છે કે ગાયમાતાને ભેટવાથી સાત્વિક ઊર્જા મળે છે. વિદેશમાં લોકો રૂપિયા ખર્ચીને કાઉ હગ કરીને પોઝિટિવ એનર્જી મેળવે છે.
છેલ્લા 3 વર્ષથી કાઉ હગ ડે તરીકે ઉજવાય છે
ગૌશાળાના સંચાલક પ્રભુદાસભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, વધુને વધુ લોકો ગાય સુધી પહોંચે તેવો અમારો પ્રયાસ છે. આજે છેલ્લા 3 વર્ષથી કાઉ હગ ડે તરીકે ઉજવણી શ્રીજી ગૌશાળા ખાતે કરવામાં આવી રહી છે અને આ સાથે સૌરાષ્ટ્રભરમાં આ વખતે 400 જેટલી ગૌશાળામાં લોકો કાઉ હગ ડે ઉજવશે તેવું આયોજન અને અપીલ કરવામાં આવી છે. ગાયના શરીરમાં સુકેતુ નામક નાળીસક્રિય થાય છે અને વાતાવરણના 24 તત્વો ગાય પોતાના શરીરમાં ખેંચે છે. અને ગાયની નજીક આવતા વ્યક્તિને ગાય પોતાના શરીરના 24 તત્વો આપે છે.
પ્રભુદાસભાઈ તન્ના
'ગાયમાતાને ભેટીને એક નવી જ ઉર્જા મળે છે'
ગાયને શાસ્ત્રોમાં માતા કહ્યું છે અને ગાયમાં અનેક ગુણો સમાયેલા છે ત્યારે ત્યા કાઉ હગ ડે ઉજવતા લોકોએ જણાવ્યું કે, ગાયમાતાને ભેટીને એક નવી જ ઉર્જા મળે છે, ગાયમાતા વિશે સાચી જાગૃત્તિ મેળવતા થઈશું ત્યારે આજના સમયમાં વેલેન્ટાઈન ડે જેવા દિવસો ભુલી જઈશું અને ગાય હગ ડે જેવા દિવસો ઉજવતા થઈશું. લોકો આપણી સંસ્કૃતિ ભુલી રહ્યાં છે પરંતુ ફરી ફરી આપણી સંસ્કૃતિ તરફ એક દિવસ ચોક્સ આવવું પડશે. લોકોએ જણાવ્યું કે, આજે અમે વેલેન્ટાઈન ડેના બદલે કાઉ હગ ડેની ઉજવણી કરી છે, જેમાં અમે ખૂબ જ ખુશી અનુભવીએ છે. આજના દિવસે લોકો એક-બીજાને ભેટતા હોય છે પરંતુ અમે આજે ગાયમાતાને ભેટી એક અલગ જ ખુશી અનુભવીએ છે.