બેઠક /
ગુજરાતમાં રાહુલ ગાંધીએ ધારાસભ્યોને જુઓ શું આપી શીખામણ, દાહોદમાં થઈ બેઠક
Team VTV05:38 PM, 10 May 22
| Updated: 05:47 PM, 10 May 22
આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેમણે દાહોદ ખાતે ધારાસભ્યો સાથે બેઠક યોજી ચુંટણીની કામગીરીમાં સક્રિય થઈ જવા સૂચના આપી હતી.
તમામ ધારાસભ્યોને સક્રિયતાથી કામ કરવા રાહુલ ગાંધીએ આપી સૂચના
સિનિયર નેતાઓને પાર્ટીથી ઉપરવટ ના જવા સૂચના
ગુજરાત વિધાનસભાની ચુંટણીનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો-આગેવાનો અત્યારથી જ એડીચોંટીનું જોર લગાવી ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાય છે. જેના ભાગરૂપે પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં પણ વધારો આવી રહ્યો છે. આવા સંજોગો વચ્ચે આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન દાહોદ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોએ રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ ધારાસભ્યોને દિવસ-રાત એક કરી અત્યારથી જ રાજકીય વાઘા સજાવી ચુંટણીની કામગીરીમાં સક્રિય થઈ જવા રાહુલ ગાંધી સૂચના આપી હતી. સાથે-સાથે પાર્ટી અને પંજાથી કોઈ મોટું નથી તેવી શિખામણ પણ આપી હતી.
ચૂંટણી પહેલા મતદાતાઓ સુધી પહોચવા ધારાસભ્યોને તાકીદ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આગમનને લઈને આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દાહોદ ખાતે રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કર્યું હતું. ગુજરાતના પ્રવાસ દરમિયાન દાહોદમાં કોંગ્રેસના ધારાસભ્યો અને રાહુલ ગાંધી વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીએ ધારાસભ્યોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ચુંટણીના આગમન પહેલા એક-એક મતદાતાઓ સુધી પહોંચવા તાકીદ કરવામાં આવી હતી. બીજી તરફ ધારાસભ્યોએ ઝોન પ્રમાણે સમસ્યાઓની રજુઆત કરી હતી. જેને ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી.
સિનિયર નેતાઓને પાર્ટીથી ઉપરવટ ના જવા સૂચના
કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓની ઉપરવટ ન જઇ તેઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરવા સલાહ આપી હતી. અંતમાં કોંગ્રેસ પાર્ટી અને પંજાથી કોઈ મોટું નથી તેમ પણ રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું. આગામી વિધાનસભાની ચુંટણીનો ગઢ જીતવા તમામ ધારાસભ્યો સક્રિય થઈ સંઘર્ષ ખેડે તેવી શિખામણ આપી રાહુલ ગાંધીએ ધારાસભ્યોમાં જોમ-જુસ્સાના પ્રાણ પૂર્યા હતા.
નરેશ પટેલને લઈ કોંગ્રેસ જલ્દી નિર્ણય લે તેવી રજુઆત
ધારાસભ્યોની બેઠક દરમિયાન સામાજિક આગેવાન અને સ્વચ્છ છબી ધરાવતા ચહેરાઓને કોંગ્રેસમાં લાવી નવી ઓળખ અપાવવા પણ તાકીદ કરવામાં આવી હતી. અને ગુજરાત કોંગ્રેસ માટે ચુંટણીને લઈને રણનીતિકાર આપવા માંગ કરાઇ હતી. ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી ખૉડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને લઈને અટકળોની આંધી સમાન માહોલ છે ત્યારે કોંગ્રેસ જલ્દી નિર્ણય લે તેવી રજુઆત ઉઠી હતી. વધુમાં ગુજરાતના આદિવાસી, માછીમાર, યુવાનો અને ખેડૂત તથા મહિલાઓના સંમેલન થવા જોઈએ. અને તેઓના મુદે આગળ આવવા જણાવ્યુ હતું. બીજી તરફ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ચુંટણીલક્ષી ગુજરાત પ્રવાસ વધારવાની માંગ ઊઠાવવામાં આવી હતી.