રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારની સામે વધુ એક મોટું સંકટ આવીને ઉભું થયું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ રાજસ્થાનની કોંગ્રેસ સરકારને આપેલ સમર્થન પરત ખેંચ્યું છે.
રાજસ્થાનમાં નવા-જૂની થવાના એંધાણ
BTPના ઉમેદવારોએ ટેકો પરત ખેંચ્યો
ગેહલોત સરકારને નહીં થાય કોઇ અસર
ઉલ્લેખનીય છે કે, BTPના ઉમેદવારો દ્વારા ગેહલોત સરકારને વારંવાર સમર્થન આપવામાં આવી રહ્યું છે અને એટલે જ આ સરકારને બહુમતિ મળી રહી છે ત્યારે હવે 2 ઉમેદવારોએ સમર્થન પરત ખેંચતા ફરી એકવાર રાજસ્થાનમાં નવા-જૂની થવાના ભણકારા વાગી રહ્યા છે.
પંચાયત સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપનું વધુ સારું પ્રદર્શન
તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી પંચાયત સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસે ઘણી બેઠકો ગુમાવી છે. બીટીપીના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ચૂંટણીમાં તેમનું સમર્થન નથી કર્યું અને તેમની સાથે દગો કર્યો છે. પંચાયતોની ચૂંટણીમાં ભાજપે 1833 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 1713 બેઠકો જીતી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસની સરખામણીએ ભાજપનું પ્રદર્શન વધુ સારું હતું.
ગેહલોત સરકારને નહીં થાય કોઇ અસર
જો કે, બંને ધારાસભ્યોના ટેકો પાછો ખેંચી લેવાની અસર અશોક ગેહલોત સરકારને નહીં થાય. કારણ કે હવે રાજ્યમાં કોંગ્રેસની બહુમતી છે. પરંતુ કેટલીક વિધાનસભા બેઠકો યોજાવાની છે. રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે, જેમાંથી હાલમાં ગેહલોત સરકાર પાસે 118 બેઠકો છે. જો કે, આમાંથી ઘણા અપક્ષો પણ શામેલ છે.
થોડા દિવસ પહેલા જ અશોક ગેહલોતે નવા-જૂની થવાને લઇને વ્યક્ત કરી હતી આશંકા
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે ખુદ આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં ફરી એક વખત સરકારને નીચે લાવવાની હલચલ શરૂ થઈ ગઈ છે. અશોક ગેહલોતે પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતી વખતે આ દાવો કર્યો હતો. અશોક ગેહલોત અનુસાર, ભાજપ ફરીથી રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સરકારો બનાવવાનો પ્રયાસ કરી શકે છે.
સચિન પાયલોટે તાજેતરમાં જ કર્યો હતો બળવો
આપને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસ રાજસ્થાનમાં બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. સચિન પાયલોટ નારાજ હતા અને તેમના ટેકેદાર ધારાસભ્યો સાથે જુદા પડ્યા, લાંબા રાજકીય ડ્રામા પછી સચિન પાયલોટ સંમત થયા અને પાછા ફર્યા. પરંતુ ત્યારબાદ સચિન પાયલોટને કોઈ મોટી જવાબદારી મળી નથી.