બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:00 AM, 21 January 2025
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ પનામા કેનાલ પરથી ચીનનો દબદબો ખતમ કરી દેશે, તેમણે કહ્યું કે પનામા કેનાલને પરત લઇશું
ADVERTISEMENT
અગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં પનામાની સરકાર પર પનામા કેનાલના ઉપયોગ માટે ઊંચા દર વસૂલવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે જો પનામા કેનાલને સ્વીકાર્ય રીતે સંચાલિત કરવામાં નહીં આવે તો અમેરિકા તેના પર કબજો કરી શકે છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે પનામા કેનાલને 'ખોટા હાથમાં' જવા દેવામાં આવશે નહીં. ટ્રમ્પનો ઈશારો ચીન તરફ હતો તે સ્પષ્ટ હતું. ટ્રમ્પે ત્યારે એમ પણ કહ્યું હતું કે પનામા કેનાલનું સંચાલન ચીન દ્વારા ન કરવું જોઈએ.
પનામા કેનાલ કેમ મહત્વની છે, અમેરિકા તેના કબજાને લઈને ચિંતિત છે,
વૈશ્વિક ભૂ-રાજનીતિમાં પનામા કેનાલ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ 82 કિલોમીટર લાંબી નહેર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને જોડે છે. વિશ્વનો છ ટકા દરિયાઈ વેપાર પનામા કેનાલ દ્વારા થાય છે. પનામા કેનાલ અમેરિકાની અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હાલમાં ન્યૂયોર્કથી સાન ફ્રાન્સિસ્કો જતા માલવાહક જહાજોને પનામા કેનાલ મારફતે જતા 8370 કિલોમીટરનું અંતર કાપવું પડે છે, પરંતુ જો પનામા કેનાલને બદલે જુના રૂટથી માલ મોકલવામાં આવે જહાજોને સમગ્ર દક્ષિણ અમેરિકન દેશોના ચક્કર કાપ્યા બાદ સાન ફ્રાન્સિસ્કો પહોંચી શકે આ અંતર 22 હજાર કિલોમીટરથી વધુ હશે.
ADVERTISEMENT
અમેરિકાનો 14 ટકા વેપાર પનામા કેનાલ દ્વારા થાય છે. એવું કહી શકાય કે પનામા કેનાલ અમેરિકન અર્થતંત્ર માટે જીવાદોરી તરીકે કામ કરે છે. પનામા કેનાલ દ્વારા અમેરિકાની સાથે સાથે દક્ષિણ અમેરિકાના દેશોની પણ મોટી સંખ્યામાં આયાત-નિકાસ થાય છે. એશિયામાંથી કેરેબિયન દેશમાં માલ મોકલવો હોય તો પનામા કેનાલમાંથી જહાજો પસાર થાય છે. પનામાની અર્થવ્યવસ્થા પોતે આ નહેર પર નિર્ભર છે અને પનામા સરકાર તેના સંચાલનમાંથી દર વર્ષે અબજો ડોલરની કમાણી કરે છે. જો પનામા કેનાલ કબજે કરવામાં આવે તો સમગ્ર વિશ્વની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાનો ભય છે.
પનામા કેનાલનું બાંધકામ ફ્રાન્સ દ્વારા 1881માં શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ નહેરનું નિર્માણ અમેરિકાએ વર્ષ 1914માં પૂર્ણ કર્યું હતું. આ પછી પનામા કેનાલ પર અમેરિકાનું નિયંત્રણ હતું, પરંતુ વર્ષ 1999માં અમેરિકાએ પનામા કેનાલનો કંટ્રોલ પનામા સરકારને સોંપી દીધો. તે હવે પનામા કેનાલ ઓથોરિટી દ્વારા સંચાલિત છે. પનામા કેનાલને એન્જિનિયરિંગની અજાયબી માનવામાં આવે છે અને તેને આધુનિક વિશ્વની એન્જિનિયરિંગની સાત અજાયબીઓમાંની એક ગણવામાં આવે છે.
પનામા કેનાલ પર ચીનની નજર
પનામા કેનાલને લઈને ચીન અને અમેરિકા વચ્ચે પડદા પાછળ તણાવ ચાલી રહ્યો છે. આને લઈને બંને દેશોમાં તણાવ વધી રહ્યો છે. પોતાની વધતી આર્થિક શક્તિ દ્વારા ચીન સમગ્ર વિશ્વના જળમાર્ગો પર પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં, યુએસ નેવીના એક ટોચના અધિકારીએ ચિંતા વ્યક્ત કરી હતી કે ચીન તેની બેલ્ટ એન્ડ રોડ પહેલ દ્વારા પનામા કેનાલ પર સતત પોતાનો રાજકીય અને આર્થિક પ્રભાવ વધારી રહ્યું છે. પનામામાં અમેરિકી રાજદૂત માર્લ કાર્મેન એપોન્ટે પણ પનામા કેનાલ પર ચીનના વધતા પ્રભાવ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા નથી ઈચ્છતું કે એવી સ્થિતિ સર્જાય જેમાં પનામાને અમેરિકા અને ચીન વચ્ચે પસંદ કરવાનો વિકલ્પ છોડવામાં આવે.
ચીન કેવી રીતે પનામા કેનાલ પર પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે
ચીન હાલમાં હોંગકોંગ સ્થિત હચન્સ કંપની દ્વારા પનામા બંદરના પાંચ મોટા ઝોનનું નિયંત્રણ કરે છે. આમાંથી બે ઝોન પનામા કેનાલના રૂટ પર આવેલા છે. તેમજ ચીનની કંપનીઓ અમાડોર પેસિફિક કોસ્ટ ક્રુઝ ટર્મિનલ પર કામ કરી રહી છે. ચીનની એક કંપનીએ 2016માં એટલાન્ટિક મહાસાગર બાજુના પનામાના સૌથી મોટા બંદરનું નિયંત્રણ પણ ખરીદ્યું હતું. ચીનની એક કંપની પનામા કેનાલ પર પુલ પણ બનાવી રહી છે. આ સિવાય ચીનની વિવિધ કંપનીઓ પણ પનામામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામમાં લાગેલી છે. આ જ કારણ છે કે પનામામાં ચીનના વધતા પ્રભાવથી અમેરિકા ચિંતિત છે અને હવે ટ્રમ્પે પનામાની સરકારને ખુલ્લેઆમ ધમકી આપી છે કે તે 1999 પહેલાની જેમ ફરીથી પનામા કેનાલનું સંચાલન સંભાળી શકે છે.
આ પણ વાંચોઃ 'હું ફરીથી જોડે કામ કરવા માટે આતુર છું', ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા જ PM મોદીએ પાઠવી શુભકામના
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.