વિધાનસભા ચૂંટણી પહેલા ગોવા પહોંચેલા અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું કે તેમણે જ અમને સર્ટિ આપ્યું છે કે AAP સૌથી ઈમાનદાર છે.
ગોવાના લોકો કોંગ્રેસ અને ભાજપથી કંટાળી ગયા
ગોવાના લોકોને બદલાવની જરૂર: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે PM મોદી પર પણ કર્યો કટાક્ષ
AAPએ લગાવ્યું જોર
ભારતમાં ઉત્તર પ્રદેશ સહિત કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખો જાહેર કરી દેવામાં આવી છે ત્યારે આ વખતે ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઘણા રાજ્યોમાં જોર લગાવી રહી છે. પંજાબમાં તો આપની જ સરકાર આવશે તેવા ઘણા સર્વે કહી રહ્યા છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલ ગોવા અને ઉત્તરાખંડમાં કોઈ કસર છોડવા માંગતા નથી.
મિશન ગોવા પર કેજરીવાલ
ગોવા પહોંચેલા કેજરીવાલે કહ્યું કે લોકો ભાજપ અને કોંગ્રેસથી કંટાળી ગયા છે અને હવે બદલાવની જરૂર છે. હું અહિયાં ડોર ટૂ ડોર કેમ્પેન કરીશ. કેજરીવાલે વધુમાં કહ્યું કે પહેલા જનતા પાસે કોઈ જ વિકલ્પ હતો નહીં પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસ સિવાય પણ એક વિકલ્પ છે અને લોકો આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે.
પીએમ મોદીએ જ અમને સર્ટિફિકેટ આપ્યો છે; કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે ગોવામાં ભ્રષ્ટાચાર ખૂબ છે અને યુવાનોને નોકરી મળી રહી નથી. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો હતો. કેજરીવાલ બોલ્યા કે લોકો પૂછે છે કે આમ આદમી પાર્ટી પર ભરોસો કઈ રીતે કરવો? દિલ્હીમાં જે શાસન ચાલી રહ્યું છે તે સૌથી મોટું ઉદાહરણ છે અને તેનું સર્ટિફિકેટ તો પોતે મોદીજીએ જ અમને આપ્યું છે કે દેશની સૌથી ઈમાનદાર પાર્ટી આપ છે.
કેજરીવાલે કહ્યું કે મોદીજીએ મારા ઉપર, સિસોદિયાજી પર રેડ કરાવી હતી. અમારા 21 ધારાસભ્યોની ધરપકડ પણ કરી. CBI ED અમારી પાછળ છોડી મૂકી, મારી 400 ફાઈલો તપાસ્યા પછી પણ એક ભૂલ કાઢી શક્યા નહીં.