વિશેષ /
ઇન્ટિરિયર ડિઝાઇનરને બાકી રકમ ન ચૂકવતા અર્નબની ધરપકડ પર પત્રકારત્વ સાથે કોઇ નિસબત નહીં, તો રાજનીતિ કેટલી વાજબી?
Team VTV06:04 PM, 07 Nov 20
| Updated: 09:44 PM, 07 Nov 20
અર્નબના કિસ્સામાં સૌથી વેધક સવાલ એ છે કે જે કેસમાં અર્નબની ધરપકડ કરવામાં આવી છે તે કેસને તેમના પત્રકારત્વ સાથે કોઈ નિસબત નથી. આ વાસ્તવમાં અર્નબનો અંગત કેસ છે
અર્નબના કિસ્સામાં સૌથી વેધક સવાલ
અર્નબ ગોસ્વામીની ધરપકડને લઇ ભારે વિવાદ છેડાયો
પોલીસે મારપીટ કરી હોવાનો કર્યો આક્ષેપ
રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીના પત્રકારત્વ અને તેમના જેવા અન્યના પત્રકારત્વ પર છેલ્લાં કેટલાંય વર્ષથી લાંબી ચર્ચા ચાલી રહી છે. અર્નબ ગોસ્વામીના પત્રકારત્વએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે અર્નબ જેવા પત્રકારો અંગત સ્વાર્થ અને ફાયદા માટે સરકારના એજન્ટ બની ગયા છે. આ લોકો પત્રકારત્વ નહીં, પરંતુ પત્રકારત્વના સ્વાંગમાં સોપારી કિલિંગનું કામ કરી રહ્યા છે.
અર્નબ ગોસ્વામીની ધરપકડને લઇ ભારે વિવાદ છેડાયો
તાજેતરમાં અર્નબ ગોસ્વામીની ધરપકડને લઇ ભારે વિવાદ છેડાયો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી લઇ કાપડપ્રધાન સ્મૃતિ ઇરાની સુધીના કેન્દ્રીય પ્રધાનોએ તેમજ ભાજપના નેતાઓએ અર્નબ ગોસ્વામીની ધરપકડ પર ઊહાપોહ મચાવી દીધો હતો અને ટ્વિટ કરીને મહારાષ્ટ્ર સરકારે અખબારી સ્વતંત્રતા પર હુમલો કર્યાના આક્ષેપ કર્યા હતા.
અર્નબ ગોસ્વામીએ પોલીસે પોતાની સાથે મારપીટ કરી હોવાનો કર્યો આક્ષેપ
અર્નબ ગોસ્વામીએ પોલીસે પોતાની સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. રિપબ્લિક ટીવીએ અર્નબ ગોસ્વામીના ઘરના લાઇવ ફૂટેજ પ્રસારિત કર્યા હતા, જેમાં પોલીસ અને અર્નબ ગોસ્વામી વચ્ચે ઝપાઝપી થતી હોવાનું દેખાતું હતું. કેટલાક મીડિયા અહેવાલ અનુસાર અર્નબ ગોસ્વામી અને અન્ય બે શખ્સોએ પ૩ વર્ષની ઇન્ટિરિયર ડિઝાઈનરની બાકી નીકળતી રકમ આપી ન હતી અને આથી આ ઇન્ટિરિયર ડિઝાઇનર અને તેમની માતાએ આત્મહત્યા કરી લેતાં આ કેસમાં સીઆઇડી દ્વારા ફરી તપાસના આદેશ કરાયા હતા અને આમ ઇન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાના મામલામાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે આપ્યું નિવેદન
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે ઈન્ટિરિયર ડિઝાઈનર અન્વય નાઈકની પુત્રી આજ્ઞા નાઈકે દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લાની અલીગઢ પોલીસે બાકી રકમ ન આપવાના કેસની તપાસ કરી ન હતી. આથી અન્વય અને તેમની માતાને આત્મહત્યા કરવી પડી. કથિત રીતે અન્વય નાઈક દ્વારા લખાયેલી સ્યૂસાઇડ નોટમાં કહેવાયું હતું કે આરોપીઓએ તેમના ૫.૪૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરી ન હતી એટલે તેમણે આત્મહત્યાનું પગલું ઉઠાવવું પડ્યું. રિપબ્લિક ટીવીએ આ તમામ આરોપને ફગાવ્યા હતાં.
અર્નબે મુંબઈ પોલીસ પર ગુંડાગર્દીનો આરોપ લગાવ્યો
અર્નબે મુંબઈ પોલીસ પર ગુંડાગર્દીનો આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમને પરિવાર સાથે વાત કરતાં પણ રોકવામાં આવ્યા હતા. ત્યાર પછી અર્નબને મુંબઈ પોલીસ તેમની વાનમાં સાથે લઈ ગઈ હતી. અર્નબે આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસે તેમનાં સસરા-સાસુ, દીકરા અને પત્ની સાથે પણ મારઝૂડ કરી છે. રિપબ્લિક ટીવી પર જે વીડિયો ચલાવવામાં આવી રહ્યો છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે અર્નબ સાથે ખરાબ વર્તન કર્યું છે.
અર્નબ ગોસ્વામીની ધરપકડના કિસ્સામાં સૌથી વેધક સવાલ
અર્નબ ગોસ્વામીની ધરપકડના કિસ્સામાં સૌથી વેધક સવાલ એ છે કે જે કેસમાં અર્નબની ધરપકડ કરવામાં આવી છે તે કેસને તેમના પત્રકારત્વ સાથે કોઇ નિસબત નથી. આ કેસ વાસ્તવમાં અર્નબનો અંગત કેસ છે, કારણ કે જ્યારે અર્નબે પોતાની ન્યૂઝ ચેનલ લોન્ચ કરી ત્યારે તેમણે આર્કિટેક્ટ અન્વય નાઈક પાસે કામ કરાવ્યું હતું અને પછી તેના પૈસા ચૂકવવા હાથ ઊંચા કરી દીધા હતા અને અનેક વખત ઉઘરાણી કરવા છતાં અર્નબે પૈસા નહીં આપતાં તેનાથી ત્રાસી જઇને અન્વય અને તેમની માતાએ આત્મહત્યા કરી લીધી હતી અને આત્મહત્યા નોંધમાં તેમણે અર્નબ સહિત બે અન્ય શખ્સનાં નામનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે તેમણે આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યાં છે.
અર્નબ સાથેનો પોલીસે કરેલો વ્યવહાર વખોડવા લાયક
પોલીસે ધરપકડ કરતી વખતે અર્નબ સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો તે ખરેખર વખોડવા લાયક છે. એક વ્યક્તિ તરીકે અર્નબ સાથે પોલીસનો દુર્વ્યવહાર સ્વીકાર્ય બની શકે નહીં, પરંતુ અર્નબની ધરપકડના મામલે ભાજપના ટોચના કેન્દ્રીય પ્રધાનો અને નેતાઓ જે રીતે કૂદી પડ્યા તે વર્તમાન કેસ સાથે અપ્રસ્તુત છે,. કારણ કે આ અર્નબનો પોતાનો અંગત કેસ છે અને પત્રકારત્વ સાથે તેને કોઇ લેવા- દેવા નથી. આજ સુધી અનેક પત્રકારની ધરપકડ થઇ છે અને ભૂતકાળમાં આવી ધરપકડ વખતે ભાજપના કોઇ પણ પ્રધાન કે નેતાએ પ્રતિક્રિયા આપી નહોતી તો પછી અર્નબના કિસ્સામાં આવી ઉગ્ર પ્રતિક્રિયા શા માટે?