ભારે વરસાદ /
ઈતિહાસમાં પહેલીવાર છલકાયો ગુજરાતનો આ પ્રખ્યાત કુંડ, લાખો ભક્તો માટે છે આસ્થાનું કેન્દ્ર
Team VTV12:43 PM, 16 Aug 22
| Updated: 01:00 PM, 16 Aug 22
અરવલ્લીમાં આજે મેઘમહેર થતા ક્યાંક નદી ગાંડીતૂર બનીતો ક્યાંક ભૂસ્ખલન. ઉત્તર ગુજરાતમાં વરસાદની રેલમછેલ
યાત્રાધામ શામળાજીમાં નગધરો કુંડ છલકાયો
ઈતિહાસમાં પ્રથમ વખત નગધરો કુંડ છલકાયો
મેશ્વો નદી અને ડુંગરનું પાણી આવતા કુંડ છલકાયો
અરવલ્લીમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હજારો ભક્તોની આસ્થાનું પ્રતિક સમા નાગધરો કુંડ છલકાયો છે. કાર્તિકી પૂનમના દિવસે જ્યારે શામળાજીમાં મેળો ભરાય છે ત્યારે ભક્તો આ કુંડમાં સ્નાન કરીને ભગવાનના દર્શન કરે છે. ત્યારે આ વર્ષે સારો વરસાદ થતા ઇતિહાસમાં પહેલી વાર નાગધરો કુંડ છલકાયો છે.
ઇતિહાસમાં પ્રથમવાર છલકાયો નાગધરો કુંડ
મહત્વનું છે કે અરવલ્લીમાં મેઘરાજા મહેરબાન થતા મેશ્વો નદી ગાંડીતૂર બની છે. કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે. વળી અરવલ્લીની ગિરિમાળાઓ પરથી વહેતા પાણીને લીધે આ કુંડ છલકાયો છે. મેશ્નો નદી અને ડુંગરનું પાણી આવતા કુંડ છલકાયો. લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા નાગધરો કુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. મેશ્વો ડેમની તળેટીમાં આવેલા નાગધરો કુંડમાં લોકો સ્નાન કર્યા બાદ શામળાજીના દર્શન કરીને માનતા પુરી કરતા હોય છે.
નાગધરો કુંડમાં સ્નાનનું વિશેષ મહત્વ
આ કુંડમાં સ્નાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા રહેલી છે. નાગધરો કુંડ પાસે પૂજારીઓ દ્વારા પૂજાવિધિ કરાવવામાં આવે છે. પરંતુ કુંડ છલકાવવાથી શ્રદ્ધાળુઓના વિધિ વિધાન અધૂર રહ્યા.
મેશ્વો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે આજે અરવલ્લી જિલ્લામાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. પરિણામે શામળાજી પાસે આવેલી મેશ્વો નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. કોઝ વે પર તો નદીના પાણી ફરી વળ્યા છે. હાલ સાવચેતીના ભાગરૂપે શામળાજીથી બહેચરપુરા તરફનો કોઝ વે બંધ કરવાની ફરજ પડી છે.
સુનોખમાં 6 ઇંચ વરસાદ
તો આ તરફ અરવલ્લીના સુનોખમાં 6 ઈંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઇ ગામમાં પાણી ભરાયા છે. નેશનલ હાઇવેના પાણી ગામમાં ફરી વળતા ગ્રામજનો પરેશાન થયા છે. ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
શામળાજી સર્કિટ હાઉસમાં પાણી ભરાઇ ગયા
બીજી બાજુ મોડાસા-શામળાજી હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા શામળાજી સર્કિટ હાઉસમાં પાણી ભરાઇ ગયા છે. ખેતરો જળબંબાકાર થઇ ગયા છે અને સ્ટેટ હાઈ-વે ધોવાઇ ગયો છે. ભારે વરસાદના કારણે અરવલ્લીમાં અનેક તળાવો ભરાઇ ગયા છે.