Anti-social elements fired two rounds at a cafe on SP Ring Road
નબીરા /
દારૂ પીતા રોક્યા તો 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, અમદાવાદના જાણીતા કાફેમાં રાત્રે 2 વાગ્યે મોટી માથાકૂટ, બધુ વેરવિખેર
Team VTV09:43 PM, 03 Feb 23
| Updated: 09:44 PM, 03 Feb 23
એસપી રીંગ રોડ પર આવેલા બાપના બગીચા કાફેમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લીધા
એસપી રીંગ રોડ પર કાફેમાં અસામાજિક તત્વોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું
કાફેમાં તોડફોડ કર્યા બાદ આરોપીઓએ સ્ટોરમાં આગ પણ લગાડી હતી
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. લૂંટ, ચોરી જેવા બનાવ બાદમાં હવે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. એસપી રીંગ રોડ પર આવેલા બાપના બગીચા કાફેમાં તોડફોડ કરી બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું છે. જોકે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પણ ઝડપી લીધા છે.
સીસીટીવી
મોડી રાત્રે ફાયરીંગનો બનાવ સામે આવ્યો
શહેરના એસપી રીંગ રોડ પર મોડી રાત સુધી ધમધમી રહેલા કાફે જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. એસપી રીંગ રોડ શીલજ સર્કલ નજીક આવેલ બાપના બગીચામાં ગત મોડી રાત્રે ફાયરીંગનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની હકીકત કંઈક એવી છે કે રાત્રિના લગભગ બે વાગ્યાની આસપાસ કેટલાક યુવકો ગાડી લઈને આવ્યા હતા અને દારૂ પી રહ્યા હતા.જો કે કાફે પર હાજર તેઓને અહીં દારૂ પીવાની ના પાડતા જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સિક્યુરિટી સાથે બોલાચાલી કરતા સમગ્ર ઘટનાની જાણ કાફે માલિકને થઈ હતી. જેથી કાફે માલિક પણ ત્યાં પહોંચ્યા હતા તે સમયે આ યુવકોએ તેમની સાથે પણ બોલાચાલી કરી મારામારી કરી હતી. જોકે તમામ ઘટનાના સીસીટીવી પણ સામે આવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી વધુ સંયોગીક પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી હતી.
તોડફોડની તસવીર
કાફેમાં તોડફોડ કર્યા બાદ આરોપીઓએ સ્ટોરમાં આગ પણ લગાડી હતી
જો કે કાફે પર આવેલા ગ્રાહકો વચ્ચે પડતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ચારેક વાગ્યાની આસપાસ કાફે બંધ કરીને માલિક ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ બે ફોરચુનર કારમાં 10થી વધુ શખ્સો આવ્યા હતા અને ફોરચુનર કારથી કાફેનો દરવાજો તોડી હાથમાં લાકડી, બેઝ બોલ જેવા હથિયારો સાથે અંદર ઘૂસી ગયા હતા અને કાફેના કર્મચારીઓને માર મારવા લાગ્યા તેમજ તોડફોડ કરવા લાગ્યા હતા. અને મુખ્ય આરોપી એવા વિશ્વનાથ રઘુવંશી એક રાઉન્ડ ફાયરિંગ જ્યારે અન્ય આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં કાફેમાં તોડફોડ કર્યા બાદ આરોપીઓએ સ્ટોરમાં આગ પણ લગાડી હતી.
આરોપીઓની તસવીર
પોલીસે વધુ તપાસ હાથ ધરી
જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સ્થળ પરથી મુખ્ય આરોપી સહિત કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષની ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિશ્વનાથના પિતા સિક્યુરિટી ગાર્ડ હોવાથી તેમના હથિયાર વડે તેણે ફાયરિંગ કર્યું હતું. જો કે અન્ય હથિયાર ક્યાંથી અને કોણ લાવ્યું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.