Animated drinking water arrangements for wildlife animals
વન વિભાગ /
જંગલમાં વસતા પ્રાણીઓ માટે કૃત્રિમ રીતે પીવાના પાણીની કરાઇ વ્યવસ્થા
Team VTV11:08 AM, 04 May 19
| Updated: 12:16 PM, 04 May 19
ઉનાળાની શરૂઆત થતાની સાથે ઠેરઠેર પાણીના પોકાર છૂટી રહ્યાં છે ત્યારે આ સમસ્યાથી ગીર જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ પણ બાકાત નથી. તો વન વિભાગ દ્વારા જંગલમાં વસતા પ્રાણીઓ માટે કૃત્રિમ રીતે પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. સાસણ ગીર અને સમગ્ર ગીર વિસ્તારમાં એસિયન્ટિક સિંહો અને અન્ય પશુઓની પ્યાસ છીપાવવા વન વિભાગે 500 જેટલા પાણીના પોઈટ ઉભા કર્યા છે.
ગીરના સાસણ અને સમગ્ર ગીર વિસ્તારમાં હાલ ભારે તાપ અનેં હિટવેવથી ગીર ખદખદી રહ્યું છે. ગીરના વૃક્ષ પણ ભારે તાપ અને હિટવેવના કારણે શુકા બન્યા છે ત્યારે ગીરમાં વસતા સિંહ દીપડા સાબર હરણ સહિત હજારો પ્રાણીઓ પક્ષીઓ અને જીવ જનતુઓ માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. ગીરના નાના વોકળા અને નાળા સુકાયા છે, ત્યારે પ્રાણીઓને બચાવવા વન વિભાગે સાસણ અને ગિરપંથકમાં યુદ્ધના ધોરણે પાણીના કૃત્રિમ પોઈટ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. ગીરમાં 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવી તેમાં ટેન્ક દ્વારા પાણી ભરવાની શરૂઆત કરાઇ છે.
ગીર જંગલમાં સિંહ, હરણ,સાંભર, શિયાળ,નીલગાય સહિતના હજારો પ્રાણીઓ વસવાટ કરે છે. તો આજ ગીર જંગલમાં આવેલી સાત નદીઓ અને નાળાઓ સૂકા ભઠ થઈ જતા જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આથી આ વન્ય પ્રાણીઓ રેવન્યુ વિસ્તાર તરફ આગળ વધે છે. ત્યારે વન વિભાગના ઉપરી અધિકારીઓની ખાસ સુચનાથી ગીર જંગલમાં દોઢથી બે કિલોમીટરના અંતરમાં કુત્રિમ રીતે પીવાના પાણીના સ્ત્રોત ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક ટેન્કરોથી તો ક્યાંક પવન ચક્કી અને પંપ દ્વારા વન વિભાગ દ્વારા મૂંગા પ્રાણીઓ માટે પીવાના પાણીની સગવડ કરવામાં આવી છે. તો દિવસ ભર ખાસ કાળજી રાખવામાં આવે છે. એક દિવસમાં બેથી ત્રણ વખત આ પીવાના પાણીના કુંડા ભરવામાં આવે છે તો પવન ચક્કીથી ચાલતા પંપ દિવસ રાત જમીનમાંથી પાણી ખેંચી પ્રાણીઓને પીવાનું પાણી પૂરું પાડે છે.
ખાસ વન્ય પ્રાણીઓની વાત કરવામાં આવે તો મોટા ભાગના પ્રાણીઓ સવાર-સાંજ જ પાણી પીવા માટે બહાર આવે છે બાકી તપતા તડકાના તાપમાનમાં પોતે વૃક્ષોના છાંયા નીચે બેસી રહે છે. જ્યારે સિંહ પણ દિવસમાં બે વખત પાણી પીવે છે અને સિંહ એક ટાઈમમાં બે લીટર જેટલું પાણી પીવે છે, જ્યારે બીજા વન્ય પ્રાણીઓ સિંહના પાણી પીવાના ટાઈમ દરમિયાન આવતા નથી. તો આ બાબતે વનવિભાગ દ્વારા ખાસ કાળજી રાખી દિવસમાં બેથી પણ વધુ વખત આ કુંડાઓમાં ચોખ્ખું પાણી ભરવામાં આવે છે. જેથી વન્ય પ્રાણીઓ બીમાર ન પડે.
આ ઉપરાંત આ વખતે પાણીના કુંડા જમીન ખોદી અને રકાબી આકારના મોટા બનાવવામાં આવ્યા છે. આથી કોઈ પણ વન્યપ્રાણીને પાણી પીવામાં મુશ્કેલી ન થાય. સાથોસાથ આ કુંડાઓના કિનારા પર શણનાં કોથળાઓ પણ પલાળીને મુકવામાં આવે છે. આ કોથળાનો એક છેડો પાણીના કુંડામાં ડૂબેલો રહે તેમ રાખવામાં આવે છે. આથી પૃષ્ઠતાણના નિયમ મુજબ આ કોથળામાં પાણી ખેંચાતું રહે છે. જેમાંથી મધમાખી સહિત અન્ય નાના કીટકો પાણી પીએ છે.
આ કીટકો પાણીના કુંડામાં ડૂબી ન જાય આથી વન વિભાગ દ્વારા આવી ઝીણામાં ઝીણી કાળજી પણ લેવામાં આવી રહી છે. ગીર જંગલમાં આવેલા પાણીના આ કૃત્રિમ પોઇન્ટમાં ભરવામાં આવેલું પાણી દર 4 ૉથી 5 દિવસે બદલવામાં આવે છે. પાણી શુદ્ધ રહે અને વધુ ગરમ પણ ન થાય. આ કુંડામાં વચ્ચોવચ્ચ એક પાઇપ રાખવામાં આવે છે. જેનાથી કુંડામાં રહેલું પાણી બહાર કાઢવામાં આવે છે. આ બહાર કાઢેલા પાણીનો પણ બગાડ નથી થતો. આ પાણી કુંડાથી થોડે દુર બનાવેલા એક છીછરા ખાડામાં જાય છે. જે ખાડામાં કેટલાક વન્યજીવો બેસી, આળોટી ઠંડક મેળવે છે. આમ વિવિધ વન્યપ્રાણીઓ ની વર્તણુક ૉને સમજી વન વિભાગ દ્વારા આ ઉનાળા દરમિયાન નાનામાં નાની કાળજી લેવામાં આવી રહી છે.