Animals and birds became unconscious in Surat due to heat
હીટવેવ /
આકાશમાંથી વરસતા અગનગોળાના કારણે સુરતમાં 160 પશુ-પક્ષી થયા બેભાન, સંસ્થાએ કરી સારવાર
Team VTV05:21 PM, 14 May 22
| Updated: 05:23 PM, 14 May 22
ઉનાળાની સીઝનમાં આભમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ વચ્ચે પક્ષીઓ બેભાન થઇ રહ્યા છે જેને બચાવવા સુરતની સંસ્થા દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.
સુરત શહેરમાં ગરમીનો શિકાર પક્ષીઓ બન્યા
પ્રયાસ સંસ્થા દ્વારા પ્રાણી અને પક્ષીની સારવાર શરૂ
કબૂતર, પોપટ જેવા પક્ષીઓ અને શેરી શ્વાન બની રહ્યા છે ડીહાઇડ્રેશનનો ભોગ
સુરત સહિત રાજ્યભરમાં ઉનાળાએ આકરો મિજાજ અપનાવ્યો છે. જે ને પગલે કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. ઉનાળાના આકરા તાપને લીધે માનવ સહિત પશુ-પક્ષીઓને જીવવું મુશ્કેલ બની ગયું છે. તેવા સંજોગો વચ્ચે સુરતમાં આશરે દરરોજ 20 થી વધુ પક્ષીઓ ડિહાઈડ્રેશનનો શિકાર બની રહ્યા છે. આવા પક્ષીઓના જીવ બચાવવા શહેરની પ્રયાસ સંસ્થા મેદની ઉતરી છે અને સારવાર શરૂ કરી છે.
5 દિવસમાં 160થી વધુ પક્ષી અને પ્રાણી બન્યા હીટવેવનો શિકાર
સમગ્ર રાજ્યમાં ગરમી કહેર વર્તાવી રહી છે. તેવા સંજોગો વચ્ચે સુરત શહેરમાં પક્ષીઓ ગરમીના શિકાર બન્યા છે. સુરતમાં હીટવેવને કારણે કબૂતર, પોપટ જેવા પક્ષીઓ અને રખડતાં શ્વાન ડિહાઈડ્રેશનનો ભોગ બની રહ્યા છે. ગત 5 દિવસમાં સુરતના 160થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ હીટવેવને લીધે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ હિટવેવથી બીમાર પક્ષીઓની સારવાર અર્થે સુરતની પ્રયાસ સંસ્થા દ્વારા પ્રાણી અને પક્ષીની સારવાર માટે સેન્ટર ઊભું કરાયું છે. આ સંસ્થાના કાર્યકરો દ્વારા ઘાયલ પક્ષીને સેન્ટર ખાતે લઈ જઈ સારવાર કરવામાં આવે છે ત્યારબાદ તેને મુક્ત આકાશમાં વિહરતું મુકવામાં આવે છે.
પ્રયાસ સંસ્થા દ્વારા હેલ્થ સેન્ટર પર કરાઈ રહી છે સારવાર
ગરમીની સીઝનમાં પક્ષીઓ હિટ સ્ટ્રોકના કારણે બેસી પણ નથી શકતા અને ઊડી પણ શકતા નથી. ગરમીનો ભોગ બનેલા પક્ષીઓના શરીર પર કોઇ ઇજાના નિશાન ન હોય પરંતુ તે કોઇ નજીક જાય તો પણ ઊડી શકતા નથી. આ સ્થિતિમાં તેને સ્વસ્થ થવા માટે પાણીની ખાસ જરૂરીયાત હોય છે. જો પાણી આપવામાં આવે તો તે ઉડી શકે છે. આવા કિસ્સામાં સુરતવાસીઓ દ્વારા પ્રયાસ સંસ્થાને કોલ કરવામાં આવે છે જેથી ટીમના સભ્યો કોલ સ્થળે દોડી જઈ તત્કાલીક ઘાયલ પક્ષીની સારવાર કરે છે. અમુક પક્ષીને પાણી આપવાની સાથે તે તત્કાલીક સ્વસ્થ થઇ જાય છે જ્યારે અમુક પક્ષીની સ્થિતિ ગંભીર હોય તો તેને હેલ્પ સેન્ટર ખાતે ખસેડી સારવાર આપવામાં આવી રહી છે.