લાંચ કેસમાં ફસાયા બાદ ઘરમાંથી રૂપિયાનો થેલો ફેંકતા CCTVમાં દેખાયા
રાજકોટમાં DGFTના અધિકારી જવરીમલ બિશ્નોઈના લાંચ અને આપઘાત મામલે અનેક આક્ષેપો થઈ રહ્યાં છે તેમજ બાબતો પણ સામે આવી રહી છે. આ કેસમાં ફરી નવો વળાંક આવ્યો છે. તેમના નિવાસ્થાનેથી ડાયરેક્ટરને લઈ ગયા બાદ તેમના પત્નીએ પૈસાના બંડલ સાથેનો બેગ નીચે ફેંક્યાના સીસીટીવી વાયરલ થયો છે.
સીબીઆઇને કુલ બે બેગ મળ્યા
DGFTના અધિકારી જવરીમલ બિશ્નોઈના ઘરેથી સીબીઆઇને કુલ બે બેગ મળ્યા છે એક બેગ તેના પત્નીએ તેમના પાડોશીને ત્યાં ફેંકી દીધો હતો જ્યારે બીજો થેલો સીસીટીવી વીડિયો વાળો છે. જોઈન્ટ ડાયરેક્ટરનો ભત્રીજો બંડલ નીચે લેતા નજરે પડે છે જો કે, થેલો ખુલી જતાં બંડલ નીચે પડતા તસવીરમાં દેખાય છે.
કસ્ટોડિયલ ડેથ થયાનો પરિવારે આક્ષેપ કર્યો
ઉચ્ચ ઓફિસરનો આપઘાત નહીં કસ્ટોડિયલ ડેથ થયાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મેજિસ્ટ્રેટ ઈન્કવાયરી અને CBIના અધિકારી પર FIRની માંગ કરાઇ છે. CBIએ મૃતક DGFTના જોઈન્ટ ડાયરેક્ટર જ્વરીમલ બિશ્નોઈના ઘરેથી પોટલું કબજે કર્યું છે. પોટલામાં રોકડ રૂપિયા અને ચાંદીના સિક્કા હોવાનું બહાર આવ્યું છે. ઘરે જયારે CBI ની ટીમ પહોંચી ત્યારે પોટલું ઘરની પાસે ફેકેલુ હતું.
શું છે સમગ્ર મામલો?
રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જાવરીમલ બિશ્નોઇને રૂપિયા 5 લાખની લાંચ લેતા CBI દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદી શહેરની ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલી ફોરેન ટ્રેડની ઓફિસના ચોથા માળે જવરીમલ બિશ્નોઈને રૂપિયા પાંચ લાખ આપવા ગયા હતા અને જવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારી હતી. એ જ સમયે CBIની ટીમ ઓફિસમાં પહોંચી ગઈ હતી અને રૂપિયા 5 લાખની લાંચ લેતા જાવરીમલ બિશ્નોઇને રંગે હાથ ઝડપ્યા હતા.
ફોરેન ટ્રેડના જવરીમલ બિશ્નોઇ દ્વારા NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ.5 લાખ આપવાનું પણ વેપારીને કહેવાયું હતું. વેપારી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે સીબીઆઈમાં અરજી કરી હતી. જેથી સીબીઆઈએ ગુનો દાખલ કરી લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાંથી પ્રથમ હપ્તા પેટે ફરિયાદી 5 લાખ રૂપિયા આપવા પહોંચ્યા હતા. જવરીમલ બિશ્નોઇએ આ રકમ સ્વીકારતા જ CBIની ટીમ પહોંચી ગઈ હતી અને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ ઓફિસના ચોથામાળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.