An expert on power affairs revealed many shocking details of the state government
VTV EXCLUSIVE /
પાવરમાં પરાવલંબી સરકાર: પાછલા રસ્તે ખિસ્સા ખંખેરી રહી છે પ્રાઈવેટ કંપનીઓ, સરકાર પાસે ક્ષમતા છતાં પ્રોડક્શન કરતી નથી
Team VTV12:37 PM, 26 Mar 23
| Updated: 12:43 PM, 26 Mar 23
વીજ બાબતોના નિષ્ણાતે રાજ્ય સરકાર સહિત ખાનગી કંપનીઓની અનેક ચોંકાવનારી વિગતો ઉજાગર કરી છે. કઈ રીતે રાજ્ય સરકારે PPA એગ્રીમેન્ટને ખત્મ કરી ખાનગી કંપનીઓને લાભ આપ્યો છે. તે સમગ્ર વિગતની આજે આપણે વાત કરીશું.
પ્રાઈવેટ કંપનીઓને લાભ પહોંચાડવાનો હેતુ!
પાવર મામલે કેમ સરકાર બની પરાવલંબી?
180 ટકા થી 600 ટકાનો ભાવ વધારો!
વિશ્વમાં હાલના સમયમાં જીવન જીવવા માટે જરૂરી વસ્તુઓમાં રોટી, કપડા, મકાન બાદ વીજળી આવે છે અને વીજળીને લઇ વિશ્વના દેશોમાં અનેક કાર્યપદ્ધતિ રહેલી છે. ગુજરાતમાં હજૂ પણ એવા કેટલાય છેવાડાના ગામડાઓ હશે કે જ્યા હજૂ પણ રાત્રે દીવા અને મીણબત્તીથી અજવાળું કરવું પડતુ હશે પરંતુ આજે જે ગુજરાતમાં મોટાભાગના ઘરોમાં વીજળીથી બલ્બ પ્રકાશિત થાય છે તેની વાત કરવાની છે. વીજળી માટે વીજ ગ્રાહકો પૈસાની ચૂકવણી પણ કરે છે અને દિવસેને દિવસે તે ચૂકવણીની રકમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેવી રીતે વીજ કંપનીઓ પાછલા રસ્તેથી તમારા ખિસ્સાઓ ખંખેરી રહીં છે એ જોઇએ અમારા આ વિશેષ અહેવાલમાં.
સરકારની પોલ ખૂલી ગઈ
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર ભલે છેલ્લા 5-6 વર્ષથી વીજળીના દરમાં વધારો ન કરવાનો દાવો કરતી હોય પણ સરકારની પોલ ખૂલી ગઈ છે. છેલ્લા 5-6 વર્ષમાં આ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ સક્રિય વીજ વિતરણ કંપનીઓએ ગુજરાતના 1.40 વીજ ઉપભોક્તાઓને માથે 22 ટકાનો વધારો ઝીંકી દીધો છે. વર્ષ 2023ની શરૂઆતમાં જ GUVNLએ યુનિટ દીઠ 36 પૈસાનો વધારો કરી દીધો હતો. સરકાર પોતાની જ કંપનીઓ પાસેથી 110 ટકાના વધારા સાથે વીજળી ખરીદી રહીં છે. ગુજરાતના ગ્રાહકોને માથે ફ્યુઅલ પ્રાઈસ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટ દીઠ ચાર્જ ઉપરાંત લેવલ યુનિટ દીઠ ચાર્જ રૂા.3.29થી વધીને રૂા. 3.65 થઈ ગયો છે.
છેલ્લા 6 વર્ષથી યુનિટના ભાવમાં વધારો નથી કર્યાનો દાવો ભ્રામક
ગુજરાતમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળ ગુજરાતની 4 સરકારી વીજ કંપનીઓ આવેલી છે. જેમાં PGVCL, UGVCL, MGVCL અને DGVCL ગુજરાતના અલગ અલગ ઝોનમાં કાર્યરત છે અને વીજ ઉપભોક્તાઓને વીજળી પુરી પાડે છે. ગુજરાતની આ 4 સરકારી વીજ કંપનીઓ પર દેખરેખ રાખવા માટે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનની રચના કરવામાં આવી હતી, જેને સામાન્ય રીતે આપણે જર્ક (GERC) તરીકે પણ ઓળખીએ છીએ. ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનનું કામ છે કે એ નક્કી કરે છે કે ગુજરાતમાં વીજળીના યુનિટના ભાવમાં વધારો કરવો કે નહીં. જર્ક દાવો કરે છે કે તેણે છેલ્લા 6 વર્ષમાં વીજ યુનિટના ભાવમાં કોઇ વધારો કર્યો નથી પરંતુ આ દાવો ભ્રામક છે. કેમકે જર્ક દ્વારા વીજ કંપનીઓને FPPPA એટલે કે FUEL & POWER PERCHASE PRICE ADJUSTMENT હેઠળ અમુક ટકા સુધી ચાર્જમાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવે છે. જે FPPPAનો ફાયદો ઉઠાવી સરકારી વીજ કંપનીઓ દર 3 મહિનાના ગાળામાં અમૂક પૈસાનો વીજ યુનિટના ભાવમાં વધારો કરી દેવામાં આવતો હોય છે. સરકારી વીજ કંપની વીજ યુનિટના ચાર્જમાં વધારો કરે તેનો સીધો બોજ રાજ્યના કરોડો વીજ ઉપભોક્તાઓના ખિસ્સા પર પડે છે.
'વીજ કંપનીઓ બીલ ફાડવામાં પણ કરે છે કળા'
જર્ક અને વીજ કંપનીઓની મિલીભગતથી FPPPAના નામે ભાવ વધાર્યા બાદ વીજ કંપનીઓ ઉપભોક્તાઓના ખિસ્સાઓ હળવા કરવા કરે છે ગતકળડા. આમ તો સામાન્ય રીતે વીજ વપરાશના યુનિટ પર ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી વસુલવાની હોય છે પરંતુ ગુજરાતની વીજ કંપનીઓ વીજ યુનિટ પર વિવિધ ચાર્જ વસુલ્યા બાદ જે વીજ બિલની કુલ રકમ થાય છે તેના પર ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી વસુલીને લૂંટ પણ ચલાવી રહીં છે.
વીજ કંપનીઓની ખોટ એ વીજઉપભોક્તા પર બોજ
અખિલ ભારત ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવે છે કે, વીજળી હાલની અનિવાર્ય જરૂરિયાત બની ચૂકી છે. છેલ્લા 2 વર્ષમાં વીજ ટ્રાન્સિમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લોસ 17 ટકા સુધીનો ઉંચો છે, જેને T&D કહેવાય છે. મુકેશ પરીખ જણાવે છે કે, વીજ બીલ ભરવા છતાં સુવિધા નથી મળી રહીં. વીજ કર્મી સામે ખેડૂતોના પણ વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. નવા કનેક્શન માટેની પણ મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ છે તો બીજી તરફ ખેડૂતોને પુરતી વીજળી પણ નથી મળી રહીં. સબ્સિડીનો લાભ પણ પુરતો નથી મળી રહ્યો.
ખેડૂતોને વીજ મામલે મુશ્કેલી
ખેડૂતોને વીજ મામલે મુશ્કેલી ખેડૂત અગ્રણી રતનસિંહ ડોડિયા જણાવે છે કે, ખેડૂતોને નવા વીજ કનેક્શનો લેવામાં તકલીફ પડે છે. રાત્રે વીજળી મળતી નથી જેથી સાપના ડંખ જેવી સંખ્યાઓ પણ વધી છે. ખેડૂતોને સરકારી યોજનાનો પણ પુરતો લાભ મળતો નથી. સૂર્યોદય યોજનાની જાહેરાત થઇ પણ ખેડૂતોને લાભ નથી મળતો. વધતા જતા યુનિટોના ભાવ સાથે ખેડૂતો પર બોજ વધે છે અને ઉંચા ભાવ આપવા છતા પણ જે હોર્ષ પાવરથી વીજળી મળવી જોઇએ તેટલી મળતી નથી.
ગુજરાતમાં વીજ પ્રોડક્શનની વાસ્તવિકતા
વીજ બાબતોના નિષ્ણાંત અને RTI એક્ટિવિસ્ટ કેજી પટેલ જણાવે છે કે ગુજરાત સરકાર 50 ટકા જેટલો પાવરની ખરીદી કરે છે. NTPC પાસેથી 25 ટકા પાવરની ખરીદી કરે છે જ્યારે સરકારનું વીજ પ્રોડક્શન 20-25 ટકા જેટલું જ છે. વર્ષ 2000 પહેલાના વર્ષોમાં સરકારનું પ્રોડ્કશન 60 ટકા આસપાસ હતું. આપણે પોતે સ્વાવલંબી ન હોવાને કારણે ખાનગી કંપનીઓ સરકારને ઉંચા ભાવે વીજળી આપે છે.
RTI ડેટા
કેજી પટેલ પોતાની પાસે રહેલા RTI ડેટાના આધારે જણાવે છે કે, વર્ષ 1997થી વર્ષ 2018 સુધીમાં NCPT એટલે કે કેન્દ્ર પાસેથી વીજળી ખરીદતી હતી, તેનો ભાવ રૂ.1થી વધીને વર્ષ 2018 સુધીમાં 3 રૂપિયા અને 22 પૈસા સુધી પહોંચ્યો પરંતુ CLP એટલે કે ચાઇના લેટ એન્ડ પાવર પાસેથી રૂપિયા 11માં વીજળીની ખરીદી શરૂ કરી હતી, જે વર્ષ 2018 આવતા આવતા 650 ટકા સુધીનો ભાવ વધારો આપી ખરીદી કર્યાની વિગત RTIમાં સરકારે આપી છે. વર્ષ 2013-14થી વર્ષ 2016-17માં સરકારી વીજ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 34 ટકા, 29 ટકા અને 32 ટકા રહેલી છે. વર્ષ 2013-14થી વર્ષ 2016-17માં અદાણી પાવર, ટાટા પાવર અને એસ્સાર પાવર પાસેથી ગુજરાત સરકારે 33 હજાર કરોડનો પાવર પર્ચેશ કર્યો જે RTIમાં સરકારે વિગત આપી છે.