બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / મંદિર પર વેલો ઊગી અને કહેવાયા નાગરવેલ હનુમાનજી, બાદશાહને સ્વપ્નમાં આવી માં ભદ્રકાળીએ કર્યું હતું સૂચન
Last Updated: 06:07 AM, 12 November 2024
અમદાવાદના અમરાઈવાડીમાં અતિ પૌરાણિક શ્રી નાગરવેલ હનુમાનજીનું મંદિર આવેલુ છે. લોકવાયકા મુજબ નાગરવેલ હનુમાનજીનું મંદિર બાદશાહ અહમદશાહે બંધાવ્યુ હતુ. પૌરાણિક દેવસ્થાનોમાંનું એક શ્રી નાગરવેલ હનુમાનજીનું મંદિર દર્શનાર્થીઓની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે સાચા ભાવથી માંગવામાં આવતી મનોકામના શ્રી નાગરવેલ હનુમાન દાદાના આશીર્વાદથી અચૂક પૂર્ણ થાય છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં નાગરવેલ હનુમાનજીનું મંદિર આવેલુ છે. દર્શનાર્થીઓની અતૂટ આસ્થાનું કેન્દ્ર પૌરાણિક નાગરવેલ હનુમાનજીનું મંદિર બાદશાહ અહમદશાહે બંધાવ્યુ હતુ. એક લોકવાયકા પ્રમાણે નાગરવેલ હનુમાનજીના મંદિરનું નિર્માણ અહમદશાહ બાદશાહે કરાવ્યુ હતું. બાદશાહને સપનામાં ભદ્રકાળી માતાએ દર્શન આપી નગરમાં તેમનું મંદિર અને ચાર અલગ અલગ દિશામાં હનુમાનજીનાં મંદિરોની સ્થાપના કરવાનું સૂચન કર્યુ હતુ. અને અહમદશાહ બાદશાહે નગરમાં ભદ્રકાળી મંદિર તથા ચારેય દિશામાં ચાર હનુમાનજીનાં મંદિરોનું નિર્માણ કર્યું હતુ. જેમાં એક શ્રી નાગરવેલ હનુમાન, બીજુ કેમ્પ હનુમાન, ત્રીજુ બાલા હનુમાન અને ચોથુ ચંડોળા તળાવ પાસે આવેલું હનુમાનજી મંદિર છે.
ADVERTISEMENT
અમદાવાદના અમરાઈવાડીમાં નાગરવેલ હનુમાનજી બિરાજમાન
ADVERTISEMENT
નાગરવેલ હનુમાનજીનું મંદિર એક ટેકરી ઉપર આવેલું હતું. અને આજુબાજુ જંગલ તેમજ ખેતરો હતાં. વર્ષો બાદ આ મંદિર ઉપર મોટા પ્રમાણમાં નાગરવેલની વેલો ઊગી હોવાથી ભક્તોએ આ મંદિરને ત્યારથી નાગરવેલ હનુમાન મંદિર નામ આપી દીધુ હતુ. નાગરવેલ હનુમાનજી મંદિર પરિસરમાં સાધુ-સંતોની સમાધીઓ આવેલી છે. અને આ સમાધિઓ પર લોકોની આસ્થા જોડાયેલી છે, અહીં દર મંગળવારે અને શનિવારે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટી પડે છે. ભાવિકો ફૂલહાર, પ્રસાદ, તેલ, સિંદૂર અને શ્રીફળ ચઢાવીને શ્રી હનુમાન દાદાના દર્શનનો લહાવો લે છે. આ મંદિરમાં યોજાતા જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોમાં દુરદુરથી લોકો આવે છે અને દાદાના દર્શન કરી કંઈક પામ્યાની અનુભૂતિ કરે છે. એક માન્યતા અનુસાર સાચા હ્રદયથી સંકલ્પ કરી નાગરવેલ હનુમાન દાદાના મંદિરની ૧૧ પરિક્રમા એક મહિના સુધી નિત્ય કરવામાં આવે તો ભક્તજનોની મનોકામના અવશ્ય પૂર્ણ થવાના આશીર્વાદ દાદા આપે છે. દિરમાં સંત શ્રી ગુરુ સ્વામી, સંત શ્રી સ્વામી, સ્વામી શ્રી હરિહરાનંદજી અને સ્વામી શ્રી પરમહંસજીની સમાધિઓ આવેલી છે. જે આ મંદિરની સ્થાપના પહેલાની છે. આ ઐતિહાસિક અને પૌરાણિક જગ્યાએ શ્રી રામકૃષ્ણ પરમહંસ શિવાલય પણ આવેલું છે. જેમાં ભગવાન શિવ બિરાજમાન છે. સાથે જ શનિદેવને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરમાં રામ દરબાર પણ છે. મંદિરની આસપાસના રહીશો પોતાના દિવસની શરૂઆત નાગરવેલ હનુમાનજીના મંદિરે દર્શન કરીને જ કરે છે.
શનિદેવની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવે છે.
નાગરવેલ હનુમાન મંદિરે વિવિધ ઉત્સવોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હનુમાન જયંતિ, શનિ જયંતિ, રામ નવમી, જન્માષ્ટમી અને શ્રાવણ માસમાં મંદિરે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. દશેરાના દિવસે રાવણ દહનનો વિશેષ કાર્યક્રમ કરવામાં આવે છે. હનુમાન જયંતિ નિમિતે શ્રી નાગરવેલ હનુમાનજી દાદાની 11 હજાર દિવડાઓની મહાઆરતી કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભાગ લઈ દર્શનનો લ્હાવો લે છે. નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી શનિદેવ જયંતિના દિવસે 800 કિલોની શનિ શિલા પર તેલથી રૂદ્ર અભિષેક કરવામાં આવે છે. શ્રી શનિદેવની મૂર્તિને ભવ્ય શ્રૃંગાર કરી સજાવવામાં આવે છે. અને શનિદેવની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે હજારો શનિ ભક્તો સરસોનું તેલ, કાળુ કાપડ, કાળા અડદ અને લોખંડની વસ્તુઓ શનિદેવને અર્પણ કરે છે.
આ પણ વાંચો: પાંચ ગામના સીમાડે બિરાજમાન મા ઢોરાવાળી મેલડી, સપનામાં આવી રંજાડનો ઉપાય બતાવ્યો, પૂર્યા પરચા
રોજ સાંજે જરૂરિયાતમંદ લોકોને ખીચડીનો પ્રસાદ
શ્રી નાગરવેલ હનુમાનજી મહારાજ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. જેમાં સવારે રામરોટી કરવામાં આવે છે. અને દરરોજ સાંજે ખીચડીનો પ્રસાદ જરૂરિયાતમંદ લોકોને ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. શ્રી નાગરવેલ હનુમાનજી મહારાજ ટ્રસ્ટ દ્વારા એક વિશાળ ગૌશાળા બનાવવામાં આવી છે. જેમાં ૭૦થી વધારે ગાયો રાખવામાં આવી છે. મંદિરે દર્શન કરવા આવતા ભક્તો ગાયને ઘાસ ખવડાવી ભક્તિ સાથે પુણ્યનું કામ કરે છે. શ્રી સીતારામ મંડળ સેવાશ્રમ અયોધ્યા ધામ દ્વારા દર મંગળવારે મંદિરે સુંદરકાંડનો પાઠ અને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. મંદિર પરિસરમાં વર્ષો જૂનો વડલો અને પીપળો આવેલો છે. મંદિરે આવતા ભાવિકો વડ અને પીપળાની પરિક્રમા કરી ધન્ય થાય છે. શ્રી નાગરવેલ હનુમાન મંદિરે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. ભાવિકોને આસ્થા છે કે હનુમાનદાદા તેમના દરેક દૂખ દૂર કરે છે. અને તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે. અલૌકીક અને પૌરાણિક મંદિરમાં હનુમાનદાદા સાક્ષાત હોવાનો મંદિરે આવતા દરેક ભાવિકો અહેસાસ કરે છે. અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.