Amraiwadi police crackdown: 355 bottles of liquor seized in raids at two places, old trick of hiding is new
અમદાવાદ /
અમરાઈવાડી પોલીસનો સપાટોઃ બે સ્થળે દરોડા પાડી દારૂની 355 બોટલો ઝડપી, છુપાવવાનો જૂનો ખેલ નવો
Team VTV11:44 PM, 03 Feb 23
| Updated: 11:45 PM, 03 Feb 23
દારૂની હેરફેર અને ભાડાના મકાનમાં દારૂ છુપાવવાનો પર્દાફાશ અમરાઇવાડી પોલીસે કર્યો છે. અમરાઇવાડી પોલીસે રેડ કરી દારૂની ૩પપ બોટલો જપ્ત કરી બે બુટલેગરને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણ બુટલેગર વોન્ટેડ છે.
અમરાઈવાડી પોલીસનો સપાટો
બે સ્થળે દરોડા પાડી દારૂની ૩પપ બોટલો ઝડપી
મિણલાલની ચાલી અને જોગેશ્વરી સોસાયટીની બાજુમાં પોલીસ ત્રાટકી
દારૂની હેરફેર અને ભાડાના મકાનમાં દારૂ છુપાવવાનો પર્દાફાશ અમરાઇવાડી પોલીસે કર્યો છે. અમરાઇવાડી પોલીસે ગઇ કાલે મિણલાલની ચાલી અને જોગેશ્વરી સોસાયટીમાં રેડ કરી દારૂની ૩પપ બોટલો જપ્ત કરી બે બુટલેગર્સને ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણ બુટલેગર્સ વોન્ટેડ છે. પૂર્વ વિસ્તારમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે હવે સ્થાનિક પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને ઠેરઠેર દરોડા પાડી રહી છે.
ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
અમરાઈવાડી પોલીસને બાતમી મળી હતી કે મિણલાલની ચાલીમાં હાર્દિક ઉર્ફે ચીમન અગ્રવાલ દારૂની હેરફેર કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, જ્યાં હાર્દિક અગ્રવાલ અને વિકાસ ચક્રવર્તી દારૂની હેરફેર કરી રહ્યા હતા. પોલીસને જોઇ વિકાસ ભાગી ગયો હતો, જ્યારે હાર્દિક ઝડપાઈ ગયો હતો. વ્હાઇટ કલરના સ્કૂટર પર બંને જણા દારૂની હેરફેર કરતા હતા, જ્યાં પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે હાર્દિક પાસેથી દારૂની ર૭૧ બોટલો જપ્ત કરી છે. હાર્દિકની પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે તે દારૂનો જથ્થો મહેશ ભાવસાર નામના આરોપી પાસેથી લાવ્યો છે. પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસે બંને બુટલેગર્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી
આ સિવાય અમરાઇવાડી પોલીસને બાતમી હતી કે સુરેન્દ્ર ઉર્ફે ઉલ્લી ચૌહાણ જોગેશ્વરી સોસાયટીમાં ભાડાનું મકાન રાખીને દારૂનો ધંધો કરી રહ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ જોગેશ્વરી સોસાયટી પહોંચી ગઇ હતી, જ્યાં સુરેન્દ્ર ઉર્ફે ઉલ્લીની ધરપકડ કરી લીધી હતી. પોલીસે સુરેન્દ્ર પાસેથી દારૂની ૮૪ બોટલો જપ્ત કરી છે. સુરેન્દ્રની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તે ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા સુનીલ ઉર્ફે પપ્પુ પાસેથી દારૂનો જથ્થો લાવ્યો હતો. પોલીસે બંને બુટલેગર્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.