Team VTV12:56 PM, 14 May 19
| Updated: 02:18 PM, 14 May 19
પશ્ચિમ બંગાળમાં રેલી કરવાની અનુમતી ન મળવા છતાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે કોલકાતામાં રોડ શો કરશે. સોમવારે તેમને જાધવપુરમાં હેલિકોપ્ટરમાં ઉતરવાની અનુમતી ન મળી હતી. તેની ત્રણ રેલીઓ થવાની હતી, જેને રદ કરી દેવાઈ. ત્યાર બાદ શાહે જયનગરમાં જનસભા સંબોધી હતી અને મુખ્યપ્રધાન મમતા બેનરજીને પડકાર આપતા કહ્યું હતું કે મમતા દીદી કહે છે કે બંગાળમાં જય શ્રીરામ ન બોલી શકાય. હું આ મંચથી જય શ્રીરામ બોલી રહ્યો છું અને અહીંથી કોલકાતા જવાનો છું. મમતા દીદી હિંમત હોય તો મારી ધરપકડ કરજો.
જાધવપુરમાં રેલી રદ થવા પર અમિત શાહે કહ્યું હતું કે અહીં મારી ત્રણ રેલીઓ થવાની હતી. જયનગરમાં તો હું આવી ગયો, પરંતુ બીજી જગ્યાએ મમતા દીદીના ભત્રીજાની સીટ હતી ત્યાં અમારા જવાથી મમતાજી ડરતાં હતાં. ભાજપવાળા એકઠા થશે તો ભત્રીજાનું પાસું ઊલટું પડશે. તેથી તેમણે સભાની પરવાનગી ન આપી.
પશ્ચિમ બંગાળમાં યોગી આદિત્યનાથની સભાઓની અનુમતી પણ રદ કરી દેવાઈ છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સોમવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ૧૫ મેના રોજ યોગી દક્ષિણ, પશ્ચિમ કોલકાતામાં બેહાલા વિસ્તારમાં જેમ્સલોગ સારાનીમાં જનસભા કરવાના હતા. પ્રશાસને પહેલા આ માટે અનુમતી આપી હતી, પરંતુ સોમવારે તે પાછી લેવાઈ હતી. યોગીને આજ દિવસે ઉત્તર ૨૪ પરગના જિલ્લા હાવરામાં એક અને ઉત્તર કોલકાતાના ફુલબાગાનમાં એક રેલી સંબોધિત કરવાની હતી. રાજ્યમાં લોકસભાની ચૂંટણીઓના અંતિમ તબક્કામાં ૧૯ મેના રોજ વોટિંગ થશે.