બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / હવે આ દેશમાં વધી ઇન્ડિયન ટૂરિસ્ટોની સંખ્યા, ભારત-માલદીવ વિવાદ વચ્ચે આ ત્રીજા દેશને ચાંદી જ ચાંદી
Last Updated: 01:13 PM, 18 May 2024
India Maldives Sri Lanka : ભારત-માલદીવ વચ્ચે વિવાદ વિશે તો તમે સૌ જાણતા જ હશો, પણ આ મામલે એક નવી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારત અને માલદીવ વચ્ચેની લડાઈમાં ત્રીજો દેશ ફાયદો ઉઠાવી રહ્યો છે. જ્યારે ભારતીય પ્રવાસીઓએ માલદીવનો બહિષ્કાર કર્યો ત્યારે પાડોશી દેશ શ્રીલંકાને મોજ પડી ગઈ. વિગતો મુજબ માલદીવથી દૂર થયા બાદ હવે ભારતીય પ્રવાસીઓ શ્રીલંકા તરફ વળ્યા છે અને ત્યાં ઘણા પૈસા ખર્ચી રહ્યા છે. વર્ષ 2022ની સરખામણીમાં 2023માં શ્રીલંકા જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. માલદીવ સાથેના સંબંધો બગડ્યા બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.
ADVERTISEMENT
શ્રીલંકાને તો મોજ પડી ગઈ
એક રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં 3,02,844 ભારતીય પ્રવાસીઓ રજાઓ ગાળવા માટે શ્રીલંકા આવ્યા હતા, આ વર્ષ 2022ની 1,23,004ની સંખ્યા કરતાં લગભગ બમણી છે. શ્રીલંકાની સરકારનો અંદાજ છે કે, વર્ષ 2024માં લગભગ 6 લાખ ભારતીય પ્રવાસીઓ આવશે. ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકાના પ્રવાસન વિભાગે પણ એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હજુ ઘણા શહેરોમાં રોડ શો કરવાની યોજના છે.
ADVERTISEMENT
પર્યટન મંત્રી હરિન ફર્નાન્ડોએ શું કહ્યુ ?
આ તરફ શ્રીલંકાના પર્યટન મંત્રી હરિન ફર્નાન્ડોએ પોતે સ્વીકાર્યું છે કે, ભારત-માલદીવ વચ્ચેના તણાવથી તેમને ફાયદો થયો હતો. ફર્નાન્ડોએ કહ્યું કે, ભારતીય પ્રવાસીઓએ માલદીવનો બહિષ્કાર કર્યો આનો લાભ અમને મળ્યો. તેમનું કહેવું છે કે, વર્ષ 2030 સુધીમાં ભારત પ્રવાસન ક્ષેત્રે ચોથો સૌથી મોટો ખર્ચ કરનાર દેશ હશે. તેથી અમારી નજર ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ પર કેન્દ્રિત છે. માલદીવ પરિબળે અમને મદદ કરી.
શ્રીલંકામાં ભારતીય પ્રવાસીઓની સૌથી વધુ સંખ્યા
શ્રીલંકાના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં કુલ 14,87,303 પ્રવાસીઓ ત્યાં આવ્યા હતા. જેમાંથી એકલા 3,02,844 ભારતીય પ્રવાસીઓ હતા. જુલાઈ 2023થી ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં 13759, ફેબ્રુઆરીમાં 13714, માર્ચમાં 18959, એપ્રિલમાં 19915, મેમાં 23016, જૂનમાં 26830, જુલાઇમાં 23461, ઓગસ્ટમાં 30593, સપ્ટેમ્બરમાં 30063, નવેમ્બરમાં 28,222 અને નવેમ્બરમાં 30339 પ્રવાસીઓ થયા છે. ડિસેમ્બરમાં 43973 ભારતીય પ્રવાસીઓ શ્રીલંકા આવ્યા હતા.
માલદીવમાં રજાઓ માણનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા અડધી થઈ
માલદીવને ભારતની સાથે વિવાદને કારણે ભારે નુકસાન થયું. માલદીવમાં રજાઓ માણનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા હવે અડધી થઈ ગઈ છે. આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 42,638 ભારતીય પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા. જ્યારે ગયા વર્ષે આ જ 4 મહિનામાં 73,785 ભારતીય પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા હતા. માહિતી અનુસાર આ વર્ષે 15,006 ભારતીય પ્રવાસીઓ માલદીવ ગયા, ફેબ્રુઆરીમાં 11,252, માર્ચમાં 7,668 અને એપ્રિલમાં 8,712 પ્રવાસીઓ ગયા.
માલદીવની અર્થવ્યવસ્થા મુખ્યત્વે પર્યટન પર આધારિત
માલદીવ એક એવો દેશ છે જેની અર્થવ્યવસ્થા મુખ્યત્વે પર્યટન પર આધારિત છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય પ્રવાસીઓએ આમાં સૌથી મોટો ફાળો આપ્યો છે. વર્ષ 2021 અને 2022માં ભારત માલદીવનું સૌથી મોટું પ્રવાસી બજાર રહ્યું. ત્યાં જતા કુલ પ્રવાસીઓમાં એકલા ભારતનું યોગદાન લગભગ 23% હતું. વર્ષ 2021માં 2.9 લાખ પ્રવાસીઓ અને 2022માં 2.4 લાખ પ્રવાસીઓ ત્યાં ગયા હતા. 2023ના આંકડાઓ પર નજર કરીએ તો ગયા વર્ષે પણ 2.9 લાખ ભારતીય પ્રવાસીઓ રજાઓ ગાળવા માલદીવ ગયા હતા. પરંતુ જ્યારથી માલદીવના ભારત સાથેના સંબંધો બગડ્યા છે ત્યારથી તેના ગ્રહો અને નક્ષત્રો ઊંધા વળ્યા છે.
આવો જાણીએ કે ભારત-માલદીવના સંબંધો કેમ બગડ્યા?
વાસ્તવમાં થોડા મહિના પહેલા જ્યારે ચીન સમર્થિત મોહમ્મદ મુઈઝૂ માલદીવના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે ભારત વિશે નકારાત્મક નિવેદનો આપવાનું શરૂ કર્યું હતું. તે ભારતીય સૈનિકોને દેશમાંથી હાંકી કાઢવા પર અડગ બની ગયા, વારંવાર ડેડલાઈન આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ ગયા અને ત્યાંના દરિયાકિનારા અને લેન્ડસ્કેપ્સની સુંદરતા શેર કરી.
આ પછી સોશિયલ મીડિયા પર માલદીવના બૉયકોટનો ટ્રેન્ડ શરૂ થયો. લોકો કહેવા લાગ્યા કે તેમનું પોતાનું લક્ષદ્વીપ માલદીવ જેટલું સુંદર છે. આવી સ્થિતિમાં ત્યાં પૈસા ખર્ચવા નકામું છે. ઘણી પર્યટન વેબસાઇટ્સે તો માલદીવ માટે બુકિંગ કેન્સલ કરીને લક્ષદ્વીપને પ્રમોટ કરવાનું શરૂ કર્યું. તમામ ભારતીય પ્રવાસીઓએ માલદીવનો પ્રવાસ રદ કર્યો છે. ત્યારથી માલદીવ રિકવર થઈ શક્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT