સાઉદી અરબના તેલ ઠેકાણાઓ પર ડ્રોન હુમલા બાદ અમેરિકા એક્શનમાં છે. હુમલા માટે ઇરાનને દોષિત ગણાવી અમેરિકાએ હવે ઇરાન પર કડક પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. સાથે જ એ વિસ્તારમાં સેનાને તહેનાત કરવાને પણ મંજૂરી આપી દીધી છે.
સાઉદી અરબના તેલ ઠેકાણાઓ પર ડ્રોન હુમલા બાદ અમેરિકા એક્શનમાં
અમેરિકાએ ઇરાન પર લગાવ્યા નવા પ્રતિબંધો
ઇરાન પર પ્રતિબંધિત બે સેનાઓને અરબો ડોલર લોન આપવાનો આરોપ
પેન્ટાગનથી પ્રાપ્ત જાણકારી અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સેનાને તહેનાત કરવા માટે મંજૂરી આપી દીધી છે. પેન્ટાગને સ્પષ્ટ કર્યું છે કે રક્ષાત્મક રૂપે સેનાને તહેનાત કરવામાં આવી રહી છે અને આ મુખ્ય રૂપે વાયુ અને મિસાઇલ રક્ષા પર કેન્દ્રિત છે.
જ્યારે રાષ્ટ્રપ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર નવા પ્રતિબંધોની પણ જાહેરાત કરી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઇરાનની રાષ્ટ્રીય બેન્ક ઇરાન સેન્ટ્રલ બેન્કને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરી. એમણે કહ્યું કે આ કોઇપણ દેશ પર લગાવામાં આવેલ સૌથી મોટો પ્રતિબંધ છે.
સૈન્ય કાર્યવાહીનો કર્યો ઇનકાર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની યોજનાથી ઇનકાર કર્યો અને સંયમને શક્તિનું પ્રતીક બતાવ્યું. એમણે કહ્યું કે હું ઇરાન મામલે 15 અલગ-અલગ મોટી કાર્યવાહી કરી શકું છું. નોંધનીય છે કે, અમેરિકાએ આ પહેલા પણ ઇરાન પર પરમાણુ કાર્યક્રમના આરોપોને કારણે ઘણા પ્રતિબંધ લગાવ્યા છે.
આતંકવાદને કારણે લગાવ્યો પ્રતિબંધ
ટ્રેજરી વિભાગ અનુસાર, ઇરાન પર આ પ્રતિબંધ આતંકવાદને કારણે લગાવાયો છે. વિભાગે ઇરાન પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત બે સેનાઓને અરબો ડોલર લોન આપવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, ગત સપ્તાહે સાઉદી અરબના તેલ ઠેકાણાઓ પર હુમલા થયો હતો. અમેરિકાએ આ માટે સીધુ ઇરાનને દોષિત ઠેરાવ્યું હતું.