આધુનિક ટેકનોલોજી હોવાના કારણે યુવાનો પોતાની કલાને ઉજાગર કરી શકે છે ત્યારે મોરબીની અમીષાએ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર મુકીને પ્રખ્યાત થઈ છે. ત્યારે કોણ છે અમીષા અને નાની ઉમરમાં કેટલી સિદ્ધિઓ મળી છે. તે જુઓ આ ખાસ અહેવાલમાં.
મોરબીના માણેક સોસાયટીમા રહેતી 18 વર્ષીય અમીષા રાચ્છ પોતાના ડાન્સને લઈને પ્રખ્યાત થઈ છે. પોતાના ડાન્સના કારણે અમીષા જિલ્લામાં જ નહી પરંતુ રાજ્યમાં પ્રખ્યાત થઈ છે. અમીષાને નાનપણથી ડાન્સ કરવાનો શોખ હતો પાંચ વર્ષની ઉમરમાં ડાન્સની તાલીમ લીધા બાદ અમીષાએ ડાન્સની શરૂઆત કરી હતી.
ડાન્સમાં પ્રસિદ્ધિ મેળવ્યા બાદ અમીષાએ ભરતનાટ્યમની તાલીમ લીધી હતી. અને હાલના સમયમા પણ અમીષા ભરતનાટ્યમ કરી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં ગોવિંદા અને નિલમના ગીત પર ડબ્બૂ અંકલ ડાન્સ સ્ટેપ કરતા જોવા મળે છે ડબ્બૂ અંકલને જોઈને અમીષાએ પણ ડબ્બૂ અંકલ અને પોતાનો વીડિયો સાથે જોડીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યાના 7 દિવસમાં વીડિયોને 4 લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા.
અમીષા નાનપણથી ડાન્સ કરી રહી છે જેના કારણે તેના પરિવારજનો પણ તેને સમર્થન આપે છે. પરિવારનો સાથ મળતા અમીષાએ પોતાનુ નામ રાજ્યમા રોશન કર્યુ છે અને પોતાની કળાને લોકો સમક્ષ મૂકી હતી.
અમીષાની ડાન્સ સ્ટાઈલના ઘણા મોટા કલાકારો પણ તેના વખાણ કરી ચૂક્યા છે. અમીષા અલગ-અલગ પ્રકારના ડાન્સ કરવા માટે પ્રખ્યાત છે. મહત્વનુ છે કે અમીષા છેલ્લા ઘણા સમયથી ડાન્સ કરી રહી છે અમીષાને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. અમીષાએ DID લીટ્લ માસ્ટર અને ઘણા પ્રકારના શોમાં ભાગ પણ લીધો છે.