Team VTV11:52 PM, 24 Feb 22
| Updated: 11:55 PM, 24 Feb 22
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૪૪૧ કોમર્શિયલ મિલકતને ર૩ દિવસમાં સીલ મારી તંત્રે ડિફોલ્ટર્સને દોડતા કર્યા, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગની નબળી કામગીરી
કરદાતાઓ માટે ત્રણ મહિનાની રિબેટ યોજના અમલમાં
તો બીજી તરફ ટેક્સ ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરી
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગની નબળી કામગીરી
મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવકના એકમાત્ર સ્રોત એવા પ્રોપર્ટી ટેક્સમાં વધુ આવક મેળવવા માટે અત્યાર સુધીની સૌથી લાંબી એવી ત્રણ મહિનાની રિબેટ યોજના અમલમાં મુકાઈ છે. એક તરફ વધુ કરદાતાઓ તેમનો બાકી ટેક્સ ભરી જાય તે માટે ખાસ રિબેટ યોજના છે તો બીજી તરફ ગત તા. ૧ ફેબ્રુઆરીથી સત્તાવાળાઓએ ટેક્સ ડિફોલ્ટર્સ સામે લાલ આંખ કરી છે. રૂ.એક લાખ કે તેથી વધુ ટેક્સ બાકી હોય તેવા ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને તાળાં મારીને કાયદાના સાણસામાં લઈ રહ્યા છે. શહેરના સાતેસાત ઝોનમાં સીલિંગ ઝુંબેશ ચાલુ છે, જોકે બોડકદેવ, ગોતા, થલતેજ જેવા પોશ વિસ્તાર ધરાવતા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગની કામગીરી નબળી હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રોજની સરેરાશ ૩૦ મિલકતને સીલ
મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ગત તા. ૧ ફેબ્રુઆરીથી હાથ ધરાયેલી બાકી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ ગઈ કાલ તા. ર૩ ફેબ્રુઆરી સુધીમાં જે તે ઝોનમાં લગાવાયેલા સીલની વિગત તપાસતાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી ૬૭૦ મિલકતને તાળાં મરાયાં છે. આ ઝોનમાં અગમ્ય કારણસર સ્થાનિક ટેક્સ વિભાગ દ્વારા ડિફોલ્ટર્સ સામે કડક કાર્યવાહી કરાઈ નથી. છેલ્લા ર૩ દિવસ પૈકી ચાર દિવસ એક પણ મિલકતને સીલ કરાઈ નહોતી. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રોજની સરેરાશ ૩૦ મિલકતને સીલ કરાતી હોઈ આ બાબત ચર્ચાસ્પદ બની છે. સીલિંગ ઝુંબેશથી ડિફોલ્ટર્સ પાસેથી રૂ. પપ.૯પ લાખ વસૂલાયા તંત્રે મધ્ય ઝોનમાંથી સૌથી વધુ રૂ. ૧૭.પ૬ લાખ, ઉત્તર ઝોનમાંથી રૂ. ૧પ લાખ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રૂ. ૮.૯૪ લાખ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી રૂ.પ.પ૮ લાખ, પૂર્વ ઝોનમાંથી રૂ. પ.૩૪ લાખ, પશ્ચિમ ઝોનમાંથી રૂ. ર.૩૯ લાખ અને દક્ષિણ ઝોનમાંથી રૂ. ૧.૧૪ લાખ મળીને ગઇ કાલના એક જ દિવસમાં સીલિંગ ઝુંબેશ અન્વયે ડિફોલ્ટર્સ પાસેથી રૂ. પપ.૯પ લાખની વસૂલાત કરી હતી.
છેલ્લા ર૩ દિવસમાં કુલ ૬૯૯૪ મિલકતને તાળાં માર્યા
જ્યારે પ્રોપર્ટી ટેક્સની આવકના મામલે વર્ષો સુધી અવલ રહેનાર પશ્ચિમ ઝોને છેલ્લા ર૩ દિવસમાં કુલ ૧૪૪૧ મિલકતને તાળાં મારીને ડિફોલ્ર્ટર્સમાં દોડધામ મચાવી દીધી છે. સીજીરોડ, નવરંગપુરા, નારણપુરા, રાણીપ સહિતના વોર્ડમાં તંત્રની લાલ આંખથી ડિફોલ્ટર્સમાં ભારે ગભરાટ ફેલાયો છે. તા.ર૧ ફેબ્રુઆરીએ પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગે સૌથી વધુ રપ૩ મિલકતને સીલ કરી હતી. ઉપરાંત તા.૧૮ ફેબ્રુઆરીએ પણ ર૧૮ મિલકતને તંત્રનાં તાળાં લાગ્યાં હતાં. પશ્ચિમ ઝોન બાદ મધ્ય ઝોનમાં સીલિંગ ઝુંબેશની કામગીરી પ્રશંસનીય રહી છે. મધ્ય ઝોનમાં કુલ ૧૩૯૦ મિલકતને તંત્રનાં સીલ લાગી ચૂક્યાં છે, જેમાં તા.૧૧ ફેબ્રુઆરીએ ૧૦૦ મિલકત, તા.૧૯ ફેબ્રુઆરીએ સૌથી વધુ ૧૩૯ મિલકત અને છેલ્લા ત્રણ દિવસથી ૯ર-૯ર અને ૯૬ મિલકતને તાળાં મારીને ટેક્સ વિભાગે ડિફોલ્ર્ટર્સને દોડતા કરી દીધા છે.
કયા ઝોનમાં કેટલી મિલકત સીલ
અન્ય ઝોનમાં સીલિંગ કામગીરી તપાસતાં દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કુલ ૮૩૪ મિલકત, પૂર્વ ઝોનમાં કુલ ૭૬૭ મિલકત અને દક્ષિણ ઝોનમાં ૭૧૦ મિલકતનો સમાવેશ થાય છે. તા. ૧ થી ર૩ ફેબ્રુઆરી સુધીની સીલિંગ ઝુંબેશ દરમિયાન તા.ર૧ ફેબ્રુઆરીએ સૌથી વધુ ૬૧૧ મિલકતને તંત્રે તાળાં માર્યાં હતાં. તા.૧૮ ફેબ્રુઆરીએ પપ૧ અને ગઈ કાલ તા.ર૩ ફેબ્રુઆરીએ કુલ પ૧પ મિલકતને તંત્રે સીલ કરી હતી. છેલ્લા ર૩ દિવસમાં મ્યુનિસિપલ ટેક્સ વિભાગ દ્વારા કુલ ૬૯૯૪ મિલકતને સીલ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
બુધવારે પશ્ચિમ ઝોનના કૃષ્ણ કોમ્પ્લેક્સ, આંબાવાડી, ચંદ્રનગર, નવરંગપુરા, નારણપુરા, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મેમનગર, ગોતા, એસપી રિંગરોડ, સોલા, ગણેશ મેરીડિયન, પ્રીવિલોન કોમ્પ્લેક્સ, એસજી હાઇવે, ચાંદલોડિયા, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ગ્રીનવૂડ એવન્યૂ, સાંગ્રીલા, સંકલિતનગર, મહાલક્ષ્મી એસ્ટેટ, શાંતિપુરા સર્કલ, મધ્ય ઝોનમાં પાંચકૂવા, રેવડી બજાર, ઢાળની પોળ, પટવા શેરી, તાજપુર, ઘીકાંટા, ટંકશાળ અને સાંકડી શેરી વગેરે વિસ્તારમાં તંત્ર ત્રાટક્યું હતું.