બ્રેકિંગ ન્યુઝ
VTV / Ambulance runs out of diesel on the way, family members push for 1 km, patient dies
Vishal Khamar
Last Updated: 07:35 PM, 26 November 2022
ADVERTISEMENT
રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે બીમાર દર્દીને જિલ્લા હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોચે તે પહેલા એમ્બ્યુલન્સમાં ડીઝલ પુરૂ થઈ ગયું હતુ. બાદમાં દર્દીના સગા બાઈકની મદદથી ડીઝલ લઈને ત્યાં પહોચ્યા હતા. પરંતુ એમ્બ્યુલન્સ ચાલુ થઈ ન હતી. દર્દીના સગાઓએ પણ એમ્બ્યુલન્સ ચાલુ કરવા માટે 1 કિલોમીટર સુધી એમ્બ્યુલન્સને ધક્કો પણ માર્યો હતો. ત્યારે થાકેલા પરિવારે એમ્બ્યુલન્સ ડ્રાઈવરને હાથ જોડીને વિનંતી કરી બીજી એમ્બ્યુલન્સ બોલાવવા કહ્યું. ત્યારે 40 મિનિટ પછી બીજી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી. પરંતુ જ્યારે બીજી એમ્બ્યુલન્સ દર્દીને હોસ્પિટલ લઈને પહોંચે ત્યાં સુધીમાં દર્દીએ જીવ ગુમાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં મેડિકલ સેવાની હાલત ખૂબ જ ખરાબ થઈ જવા પામી છે. બાંસવાડાને અડીને આવેલા પ્રતાપગઢ જિલ્લાના સેલિયા વિસ્તારના સૂરજપુરામાં રહેતો તેજપાલ ગણાવા (40) તેની પુત્રીના સાસરે ભાનુપરા આવ્યો હતો. ત્યાં તેઓ તેમની પુત્રી અને પૌત્ર સાથે લગભગ ત્રણ દિવસ અહીં રહ્યા હતા. આ દરમિયાન 23 નવેમ્બરે તેજપાલ મેદાનમાં ઊભો-ઊભો પડી ગયો હતો. તેજપાલની પુત્રીએ તેના પતિ મુકેશ ને આ અંગે જાણ કરી હતી. મુકેશ બાંસવાડામાં ભાડે રૂમ લઈને REETની તૈયારી કરી રહ્યો છે.
ADVERTISEMENT
પહેલો ફોન 108 ને કર્યો હતો
તેણે એમ્બ્યુલન્સ 108 ને પહેલો કોલ કર્યો અને પોતે બાઇક લઈને ઘરે જવા નીકળી ગયો. સવારે 11 વાગે બનેલી આ ઘટનાની જાણ થતાં મુકેશ 12 વાગે તેના ગામ પહોંચી ગયો હતો. પરંતુ એમ્બ્યુલન્સ પોણા કલાક પછી આવી.એમ્બ્યુલન્સ પહેલા ઘોરી તેજપુર પીએચસી પહોંચી. ત્યાં ઈસીજી મશીન ન હોવાથી સ્ટાફે દર્દીના સંબંધીઓને છોટી સરવણ સીએચસીમાં જવાનું કહ્યું હતું. પરંતુ પરિવારે દર્દીને સીધો જ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું.
એમ્બ્યુલન્સમાં ડીઝલ પૂરૂ થઈ ગયું
એમ્બ્યુલન્સ દર્દીને લઈને રતલામ રોડ પર ટોલની સામે પહોંચી ત્યાં જ એમ્બ્યુલન્સનું ડીઝલ ખતમ થઈ ગયું. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના સગાને ડીઝલ લેવા માટે 500 રૂપિયા આપીને મોકલ્યા હતા. ત્યારે ડીઝલ લાવવામાં સમય લાગ્યો. પરંતુ ડીઝલ નાખ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ચાલુ થઇ ન હતી. આ અંગે દર્દીના સગાઓએ લગભગ એક કિલોમીટર સુધી એમ્બ્યુલન્સ ચાલુ કરવા માટે ધક્કો માર્યો પરંતું એમ્બ્યુલન્સ ચાલુ થઈ ન હતી. આ પછી, દર્દીના સંબંધીઓની વિનંતી પર એમ્બ્યુલન્સ ડ્રાઇવરે બીજી એમ્બ્યુલન્સને બોલાવી. પરંતુ તે દર્દીને લઈને હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં દર્દીનું મૃત્યુ થઈ ગયું હતું.
એમ્બ્યુલન્સને 11 વાગ્યે જાણ કરી હતી
મુકેશે જણાવ્યું કે સવારે લગભગ 11 વાગ્યે તેના સસરાની તબિયત અચાનક બગડી હતી. એમ્બ્યુલન્સ 12.15 વાગ્યે આવી હતી. આ પછી લગભગ 3 વાગ્યે એટલે કે ચાર કલાક પછી દર્દીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડોકટરોએ દર્દીને જોતા જ મૃત જાહેર કર્યો હતો. મુકેશ કહે છે કે બીજી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી તેના સસરાનું હ્રદય બંધ થઈ ગયું હતું. જો સમયસર સારવાર મળી હોત તો મારે આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.