Alpesh Thakor was opposed with the demand of a local candidate
Gujarat Elections 2022 /
અલ્પેશ ઠાકોરનું પત્તું કાપવા ભાજપના બે ઠાકોર નેતાઓ મેદાને, સમીમાં કર્યું શક્તિપ્રદર્શન
Team VTV01:57 PM, 11 Oct 22
| Updated: 02:00 PM, 11 Oct 22
સમી તાલુકાના રણાવાડા ગામે 'જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક'ના સ્લોગન સાથે રાધનપુર વિધાનસભા અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ભાજપમાંથી અલ્પેશ ઠાકોરને બદલે સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી માંગ ઉઠી હતી.
ચૂંટણી પહેલા પાટણમાં રાજકારણ ગરમાયું
રણાવાડા ગામે યોજાયું અઢારે આલમનું મહાસંમેલન
સ્થાનિક ઉમેદવારની માંગ સાથે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે અને ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે. તેવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાધનપુર વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
રણાવાડા ગામે યોજાયું અઢારે આલમનું મહાસંમેલન
તાજેતરમાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અલ્પેશ ઠાકોરના ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. જે બાદ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવારની માંગ સાથે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરાઇ રહ્યો છે. ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં 'જીતશે સ્થાનિક હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક'ના સ્લોગન સાથે સમીના રણાવાડા ગામે રાધનપુર વિધાનસભા અઢારે આલમનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ઠાકોર, ચૌધરી, માલધારી, આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા.
સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી ઉઠી માંગ
મહાસંમેલનના સભા સ્થળે મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ સંમેલનમાં ભાજપમાંથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે એવી માંગ ઉઠી હતી. હાલ એવી અટકળો ચાલી રહી છે કે, રાધપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારી શકે છે. રાધનપુરના બે પૂર્વ ધારાસભ્ય સહિત અઢારે આલમ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ હોવાના સૂર આ વિસ્તારમાં ઉઠવા પામ્યો છે. ભાજપના નેતા નાગરજી ઠાકોર-લવિંગજી ઠાકોર જૂથ દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે અને જીતે તેવી શુભેચ્છાઃ પાટીલ
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ચાણસ્મા ખાતે શસ્ત્રપૂજનમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડે અને જીતે તેવી શુભકામનાઓ પણ પાઠવી છે. સી.આર.પાટીલે જણાવ્યું કે, 'અલ્પેશભાઈ અમારા સિનિયર આગેવાન છે, તેઓ ચૂંટણી લડે અને સીટ પર વિજયી થાય એવી શુભેચ્છાઓ આપીએ છીએ. દરેક પોત-પોતાના મત વિસ્તારમાં તૈયારીઓ કરતા હોય છે, અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે એવો અમને વિશ્વાસ છે.' આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટિકિટ આપવાનો નિર્ણય હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે.
મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારીઃ અલ્પેશ ઠાકોર
તો અલ્પેશ ઠાકોરે તાજેતરમાં રાધનપુરમાં યોજાયેલા બનાસડેરીની મહિલા જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, 'મારે અહીંયાથી પરણવું છે, પરણાવવાની જવાબદારી તમારી છે. જાન રંગેચંગે જોડાય અને તમે મુરતિયાને પરણાવો એવી વિનંતી કરું છું. મારાથી ભૂલચૂક થઇ હોય ક્યાય મનદુઃખ થયું હોય તો તમામ આગેવાનો મને માફ કરજો.'