Thursday, August 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

પક્ષપલટો / હું નરેન્દ્રભાઇ અને અમિતભાઇના નેતૃત્વથી પ્રભાવિત થઇ ભાજપમાં જોડાયોઃ અલ્પેશ ઠાકોર

હું નરેન્દ્રભાઇ અને અમિતભાઇના નેતૃત્વથી પ્રભાવિત થઇ ભાજપમાં જોડાયોઃ અલ્પેશ ઠાકોર

છેલ્લા એક મહિનાથી પક્ષ વગર લટકતાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા અંતે આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે જીતુ વાઘાણીની હાજરીમાં બન્ને નેતાઓ ભાજપમાં જોડાયા છે. બન્ને આગેવાનોએ સમર્થકો સાથે ભાજપનો ખેસ પહેર્યો છે.

આજે સત્તાવાર રીતે અલ્પેશ અને ધવલસિંહ ઝાલાએ કેસરી ખેસ ધારણ કરી લીધો છે. કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ઠાકોર સમાજના લોકો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા આપ્યું નિવેદન

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અલ્પેશ-ધવલસિંહને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સમગ્ર દેશના લોકો રાષ્ટ્રવાદી નેતૃત્વ પર ભરોસો છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇના નેતૃત્વથી પ્રભાવિત થયો છું. ભાજપમાં જોડાવા પાછળના કારણો તમામ લોકો જાણે છે. કોંગ્રેસમાં ગરીબોની સેવા કરવાની ભાવનાની ઉણપ છે. કોંગ્રસેના જૂથવાદથી તમામ લોકો વાકેફ છે. રાજનીતિનો મૂળ ગુણધર્મ લોકહિત છે. સ્વાર્થ અને વ્યક્તિગત ઘેલછા કોંગ્રેસમાં છે. આ કોઇ ટિકિટ માટેની લડાઇ નથી. લોકોએ સાથે મળીને દારૂબંધી સામે કામ કરવું પડશે.

જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું 

જીતુ વાઘાણીએ અલ્પેશ અને ધવલસિંહને ભાજપમાં આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ કહ્યું કે, ઠાકોર સમાજના સેવાના ભાવ સાથે કોંગ્રેસના પદનો ત્યાગ કરીને ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવે છે. તેમની આવડત તેમના અને બક્ષીપંચ સમાજને પણ ઉપયોગી થશે. 

ઠાકોર સેના અને સમર્થકોનો જમાવડો

ઠાકોર સેના ભાજપમાં જોડાતા સમાજના લોકોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સમાજના લોકોએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા અને સાબરકાંઠાના અનેક ગામડાઓમાંથી સમર્થકો આવ્યા હતા.

 


રાજનીતિમાં કોઇ કાયમી દોસ્ત નહીં કોઇ કામયી શત્રુ નહીં

રાજનીતિમાં કોઈ ક્યારેય કાયમી દોસ્ત કે કોઈ કાયમી શત્રુ હોતુ નથી. જ્યા સ્વાર્થ ત્યા સંબંધ એ જ રાજનીતિનું સુત્ર છે. વિચારધારાને નૈતિકતાની વાતો કરતા નેતાઓ સમય અને સંજોગોમાં પોતાની અનુકુળતા મુજબ વિચારધારા બદલતા રહે છે. આ એ જ અલ્પેશ ઠાકોર જેમણે સમાજિક આંદોલનમાંથી રાજનીતિમાં ઝંપલાવ્યું હતું અને 2017માં કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા રહી ચુકેલા રાહુલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં પ્રવેશની સાથે જ હોદ્દાઓની લ્હાણી કરવામાં આવી અને તેમને એ તમામ પદ આપ્યા જે એક સિનિયર નેતાને મેળવવા માટે વર્ષોનો સંઘર્ષ કરવો પડે છે.

જોકે, જ્યારે મહત્વકાંક્ષા અપાર હોય ત્યારે નિર્ણયો કઈક જુદા જ હોય છે. તેવી જ રીતે 2019ની ચૂંટણી જંગમાં અધવચ્ચે જ પાર્ટીને એકલી મુકીને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો છેડો ફાડ્યો. લોકસભાની ચૂંટણી બાદ રાજ્યસભામાં પણ ક્રોસ વોટિંગ કર્યું અને અંતે જેનો વર્ષોથી વિરોધ કરતા હતા તે પાર્ટીમાં જોડાયા. પણ અહીં એ ભેદ સ્પષ્ટ દેખાય છે કે, જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ તેના સ્વાગત માટે આવ્યું હતું. જ્યારે આજે અલ્પેશ ઠાકોર સામેથી કમલમ પહોંચ્યા છે. ત્યારે માત્ર પ્રદેશ નેતૃત્વ હાજર છે. પ્રદેશ અધ્યક્ષને બાદ કરતા કોઈ પણ મોટા પ્રદેશના નેતાઓ પણ ઉપસ્થિત નથી. આ કદાચ મહત્વકાંક્ષાના અતિરેકનું જ પરિણામ હોય શકે છે.

તો અલ્પેશને લડવી પડશે ચૂંટણી?

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા છે. તો હવે અલ્પેશ ઠાકોરને રાજ્ય સરકારમાં મળી શકે છે મંત્રી પદ. આ સાથે જ અલ્પેશ ઠાકોરને ફરીથી વિધાનસભાની ચૂંટણી લડવી પડશે અને તે રાધનપુર બેઠક પરથી ધારાસભ્યની ચૂંટણી લડી શકે છે. તો આ સાથે જ રાજ્યસભામાં જવાની પણ અલ્પેશ ઠાકોરને છે આશા. તો તેને સંગઠનમાં મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે. અલ્પેશ ઠાકોર પેરાશૂટ મંત્રી બને તો ભાજપના સિનિયર ધારાસભ્યો નારાજ થવાની પણ શક્યતા રહેલી છે.

હાર્દિક પટેલનું નિવેદન

પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે. ત્યારે હાર્દિક પટેલે બન્ને નેતા મંત્રીપદની લાલસામાં ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. હાર્દિકે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી. કોંગ્રેસમાં કોઈ અન્યાય થતો નથી. વિધાનસભામાં કોંગ્રેસની હાર થઈ છે. જેથી હવે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપ પણ રાજકારણ ખરાબ કરવાનું કાર્ય કરી રહ્યું છે.

અશ્વિન કોટવાલના અલ્પેશ પર પ્રહાર

અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવવા મામલે અશ્વિન કોટવાલે પ્રતિક્રિયા આપી હતી કે, પહેલા કોંગ્રેસમાં હતા તો ભાજપને અપશબ્દો કહેતા હતા. ત્યારે હવે સત્તાની લાલચ માટે તેઓ ભાજપમાં જોડાયા છે. આ પહેલા તેઓ પીએમ, સીએમ અને ભાજપ અધ્યક્ષને અપશબ્દો પણ કહી ચૂક્યા છે. હવે ભાજપમાં જોડાયા બાદ તેઓ કોંગ્રેસ સામે પડ્યા છે.
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ