બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Budget 2025-26 / Secretariat / એજ્યુકેશન, કૃષિ ક્ષેત્ર, હેલ્થ સેક્ટર સહિત વિવિધ વિભાગોને લઇ ગુજરાત બજેટમાં કરોડોની ફાળવણી, કોને સૌથી વધારે ફાયદો
Last Updated: 03:58 PM, 20 February 2025
ક્લાઇમેટ ચેન્જ વિભાગ
ADVERTISEMENT
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂપિયા 419 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ અને આબોહવા પ્રતિરોધક રાજ્ય બનવાની સાથે સાથે વર્ષ ૨૦૪૭માં ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંક સિદ્ધ કરવા આગળ વધી રહ્યું છે. રાજ્યની સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે ₹૨૫૫ કરોડની જોગવાઇ. ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને રાજ્યમાં કલાઇમેટ ચેન્જ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત કલાઇમેટ ચેન્જ ફંડની સ્થાપના માટે ₹૨૫ કરોડની જોગવાઇ, ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે ૭૦ જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે ₹૧૨ કરોડની જોગવાઇ, ટ્રાયબલ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓ તથા સરકારી છાત્રાલયોમાં સોલાર વોટર હિટીંગ સિસ્ટમ બેસાડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિકોમાં મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા માટે ₹૩૩ કરોડની જોગવાઇ કરાઇ હતી.
ગુજરાત બજેટ 2025: ઘરના ઘરની સહાય વધી, 1.20 લાખના બદલે 1.70 લાખ કરવામાં આવી#GujaratBudget #GujaratBudget2025 #Budget #Budget2025 #Gujarat #budgetsession #gujaratbudgetsession #budgetsession2025 #Kanudesai #gandhinagar #gandhinagarnews #Gujaratcm #gujaratinews #vtvgujarati pic.twitter.com/43Po3Yjc6k
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 20, 2025
ADVERTISEMENT
વન અને પર્યાવરણ વિભાગ
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹૩૧૪૦ કરોડની કુલ જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય સરકાર પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર માટે વન અને વન્યજીવના સંરક્ષણ સાથે નેટ ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ છે. વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે. રાજ્યમાં વન કવચ હેઠળ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણમાં ખૂબ જ સારી સફળતા મળેલ છે. ગુજરાત રાજ્યની અસ્મિતા એવા એશિયાઇ સિંહના સંવર્ધન માટે એક સમગ્ર અને સંકલિત કાર્યયોજના અમલમાં મૂકવામાં આવેલ છે. વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹૬૫૫ કરોડની જોગવાઇ, વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે ₹૫૬૩ કરોડની જોગવાઇ, વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹૪૧૬ કરોડની જોગવાઇ, વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹૩૭૨ કરોડની જોગવાઇ, વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ ₹૨૨૫ કરોડની જોગવાઇ, હરિત વન પથ યોજના તેમજ મોટા રોપાઓ દ્વારા વૃક્ષારોપણ માટે ₹૯૦ કરોડની જોગવાઇ, શહેરી વિસ્તારને સુશોભિત કરી હરિયાળુ બનાવવા વન કવચ મોડલ દ્વારા વાવેતર કરવા ₹૫૦ કરોડની જોગવાઇ, એક જ પ્લેટફોર્મ પરથી વન વિભાગની પ્રવૃતિઓથી માહિતગાર થવા, ITના માધ્યમથી રેલ્વે ટ્રેક પર થતા સિંહના અકસ્માત નિવારવા તથા દક્ષિણ ગુજરાતમાં થતા વન્યપ્રાણી-માનવ વચ્ચે ઘર્ષણ ઘટાડવા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની સ્થાપના કરવામાં આવશે. જે માટે ₹૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાજિક વનીકરણ ક્ષેત્રે ખાતાની નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા માટે ₹૩૮ કરોડની જોગવાઇ, રાજ્યના દરિયાકાંઠાને ગ્રીન વોલ થકી સુરક્ષિત કરવાના હેતુથી શરુ કરાયેલ ‘મિષ્ટી કાર્યક્રમ’(મેન્ગ્રોવ વાવેતર)ના અમલીકરણમાં ગુજરાત પ્રથમ ક્રમે રહેલ છે. જે માટે ₹૧૦ કરોડની જોગવાઇ, ઇકો સેન્સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે ₹૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તથા પડાલા બેટ, કોરીક્રીક વિસ્તારને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા તેમજ બેટ દ્વારકા ડેવલપમેન્ટ માટે અને કચ્છ વિસ્તારના ચાડવા રખાલ ખાતે હેણોતરો(Caracal) કેપ્ટિવ બ્રિડીંગ સેન્ટર અને ડીસા ખાતે નવીન પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત બજેટ 2025: મહિલાઓ માટે 5 મોટી જાહેરાત#GujaratBudget #GujaratBudget2025 #Budget #Budget2025 #Gujarat #budgetsession #gujaratbudgetsession #budgetsession2025 #Kanudesai #gandhinagar #gandhinagarnews #Gujaratcm #gujaratinews #vtvgujarati pic.twitter.com/yPrMEnbsAF
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 20, 2025
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ ₹૬૭૫૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં રિન્યુએબલ ઊર્જામાં નવીનતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપીને ઊર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. પી.એમ. સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત ૪૦%ના યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગ્લોબલ RE ઇન્વેસ્ટ સમિટ-૨૦૨૪માં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા બદલ અલગ અલગ કેટેગરીમાં હાઇએસ્ટ અચિવર સ્ટેટ તરીકેનો પુરસ્કાર મળેલ છે. જે સાબિત કરે છે કે ગુજરાતે પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹૨૧૭૫ કરોડની જોગવાઇ, આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૯૮૭ કરોડની જોગવાઇ, સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે ₹૧૩૨ કરોડ અને નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ, રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(EV) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે ₹૫૦ કરોડની જોગવાઇ, રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે ₹૯૩૬ કરોડની જોગવાઇ, આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે ₹૧૬૦ કરોડની જોગવાઇ, મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ ₹૨૪૫ કરોડની જોગવાઇ, પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે ₹૧૦૩ કરોડની જોગવાઇ, દરિયાકાંઠાના વિસ્તારોમાં આપત્તિ પ્રતિરોધક વીજ માળખું ઊભું કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ, હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ, ગુજરાતમાં એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ, રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્સમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફટીંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે ₹૯૫ કરોડની જોગવાઇ તથા વીજળીની સલામતી અંગે જાગૃતિ ફેલાવવા, ગ્રીન એનર્જી ડેટા સેન્ટરના વિકાસ, એનર્જી ટ્રાન્ઝિશન અને ગ્રીન જોબ્સ માટે ક્ષમતા વિકાસ, પાયલટ પ્રોજેક્ટ, શક્યતા અધ્યયન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ₹૨૬ કરોડની જોગવાઇ, ગુજરાતમાં ગ્રીન ફીડર્સ પાયલટ પ્રોજેક્ટ માટે, ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સ્થાપવા અર્થે અનુકૂળ સ્થળો માટે પ્રાથમિક પરીક્ષણ હાથ ધરવા, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન માટે કોમન ટ્રાન્સમિશન કોરીડોર તથા બાયો-ફ્યુઅલ ઉદ્યોગના વિકાસ માટે ₹૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ વિભાગ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ₹૩૬૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહે તે ઉદ્દેશ સાથે મારી યોજના પોર્ટલનું સુશાસન દિવસ-૨૦૨૪ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં રાજ્ય સરકારની પ્રજાલક્ષી ૬૮૦ જેટલી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. સરકારની વિવિધ યોજનાઓની માહિતી, તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ, ડી.ડી.ઓ કચેરીઓ તથા મહાનગરપાલિકા કચેરીઓ ખાતે ‘ડિજિટલ ડિસ્પ્લે કમ એક્ઝિબિશન’થી મૂકવા ₹૨૨ કરોડની જોગવાઇ, સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના વ્યકિત સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડવા દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ ઊભું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૃહ વિભાગ
ગૃહ વિભાગ માટે કુલ ₹૧૨૬૫૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે. રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે ૧૧૮૬ નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹૨૯૯ કરોડની જોગવાઇ, રાજ્યની વિશિષ્ટ પોલીસ ટૂકડીઓ જેમકે BDDS (Bomb Detection and Disposal Squad) ટીમો, QRT(Quick Response Team) ટીમો, SDRF (State Disaster Response Force)કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹૬૩ કરોડની જોગવાઇ, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિઝનની ઉજવણી માટે ₹૧૦ કરોડની જોગવાઇ, રાજ્યના તમામ બાકી રહેતા ૨૪ જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ, એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે ₹૨૩ કરોડની જોગવાઇ, રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ માટે ₹૪૪ કરોડની જોગવાઇ, રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા ૧૩૯૦ નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹૬૩ કરોડની જોગવાઇ, રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે ₹૯૮૨ કરોડની જોગવાઇ, વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે ₹૨૧૭ કરોડની જોગવાઇ, વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.
મહેસૂલ વિભાગ
મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૪૨૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તેવો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે. રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૭૨૨૧ ગામોના ૧૨ લાખથી વધુ મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી સમગ્ર દેશમાં ફેઝ-૨ માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે નવી કલેક્ટર કચેરી અને વેરાવળ, પોરબંદર, દ્વારકા, ભચાઉ, વઢવાણ, બાયડ, આંકલાવ, સોજીત્રા, નડિયાદ, લુણાવાડા, જલાલપોર, સાગબારા અને ઉમરપાડા ખાતે નવા મહેસૂલી ભવનોના બાંધકામ, અંજાર-કચ્છ અને ઊંઝા-મહેસાણા ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની નવી કચેરીઓના બાંધકામ અને અમદાવાદ શહેર, સાણંદ, દેત્રોજ, રાધનપુર, રાજકોટ શહેર, લોધિકા, મોરબી, અંકલેશ્વર અને ઉમરગામ ખાતે નવી સબ-રજીસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટે ₹૬૬ કરોડની જોગવાઇ, ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન અને આઇ.ટી. સાધન-સામગ્રીની ખરીદી માટે ₹૮૭ કરોડની જોગવાઇ, નાગરિકોને મહેસૂલી સેવાઓ ઝડપી પૂરી પાડવા વિવિધ કચેરીઓ માટે ૨૩૦ નવી જગ્યાઓ ઊભી કરવા ₹૧૫ કરોડની જોગવાઇ, રાજ્ય આપત્તિ શમન નિધિમાંથી ઇમરજન્સી રિસ્પોન્સ માટે પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ₹૪૨૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
સામાન્ય વહીવટ વિભાગ
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૧૯૯૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં “સેવા સેતુ” અંતર્ગત વિવિધ શહેરો અને ગામોમાં યોજાયેલ કાર્યક્રમોમાં નાગરિકોની ૩ કરોડ ૭ લાખથી વધારે અરજીઓનો તત્કાલ સ્થળ ઉપર નિકાલ થયેલ છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹૧૩૧૧ કરોડની જોગવાઇ, એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અંતર્ગત ૧૦ જિલ્લાના ૧૩ તાલુકાઓમાં શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે પ્રતિ વર્ષ તાલુકાવાર ₹૧ કરોડ એમ કુલ ₹૧૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૨૪૯૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં પાક કૃષિ વ્યવસ્થા, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્યનો અન્નદાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે. Farmer Registry પ્રોજેકટ હેઠળ ૩૪ લાખથી વધુ ખેડૂતોના ફાર્મર આઇડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખેડૂતોને વીજ સહાય માટે ₹૧૦૬૧૩ કરોડની જોગવાઇ, કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ, કૃષિ યાંત્રિકીકરણની મીની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે ₹૧૨૨ કરોડની જોગવાઇ, કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹૫૯૦ કરોડની જોગવાઇ, કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે ₹૮૨ કરોડની જોગવાઇ, નેનો ખાતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે ₹૭૩ કરોડની જોગવાઇ, ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત ₹૪૦ કરોડની જોગવાઇ, આદિજાતિ વિસ્તારના ૫૩ તાલુકાઓમાં ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી ખેતરની મુલાકાત લઇ પાકનું સ્વાસ્થ્ય જાળવવા અને ઉત્પાદકતા વધારવા ખેડૂત સુવિધા રથ માટે ₹૧૯ કરોડની જોગવાઇ, જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનીક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ₹૧૦ કરોડની જોગવાઇ, ૧૩ એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી-ફિઝીબિલિટી રીપોર્ટ તૈયાર કરવાનું આયોજન, કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન, બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૬૦૫ કરોડની જોગવાઇ, બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય/જૂથ કક્ષાના કલેકશન એકમ તથા સોલાર કોલ્ડ રૂમ એકમો ઊભા કરવા ₹૩૦ કરોડની જોગવાઇ, વનબંધુ માટે કોલ્ડસ્ટોરેજ ક્ષમતા વધારવા ₹૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
₹૩૧૬ કરોડની જોગવાઇ
આ ઉપરાંત કૃષિ શિક્ષણ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ ઇજનેરી કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે કુલ ₹૧૦૦૦ કરોડની જોગવાઇ, પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃતિઓ માટે ₹૩૧૬ કરોડની જોગવાઇ, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે ₹૯૦ કરોડની જોગવાઇ, રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગૌ આધારિત બાયો ઈનપુટ યોજના હેઠળ ₹૧૦ કરોડની જોગવાઇ, પશુપાલન સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે, દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ માટે કેટલ શેડ અને ખાણદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો મેળવે છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત કુલ ₹૪૭૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં ગૌચરના રક્ષણ માટે ફેન્સીંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઇ શકે તે માટે ડ્રીપ ઇરીગેશન વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે.
૧૮ હજારથી વધુ કેમ્પનું આયોજન
રાજ્યની ૨૦૮૯ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતેથી વિનામૂલ્યે પશુ સારવાર પૂરી પાડવા મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઇ, રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવા ૨૫૦ સ્થાયી પશુ દવાખાના અને નવા ૧૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે કુલ ₹૩૪ કરોડની જોગવાઇ, ગીર ગાયના આનુવાંશિક ઓલાદ સુધારણા, સંવર્ધન અને સંરક્ષણ માટે પોરબંદરના ધરમપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવા ₹૨૩ કરોડની જોગવાઇ, રાજ્યમાં પશુઓમાં વ્યંધત્વની સારવાર માટેના ૧૮ હજારથી વધુ કેમ્પનું આયોજન કરવા કુલ ₹૧૩ કરોડની જોગવાઇ, પશુના જન્મ બાદ બે વર્ષ સુધી પાડી-વાછરડીનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવા પશુપાલકોને સહાયરૂપ થવા કુલ ₹૧૨ કરોડની જોગવાઇ, મત્સ્ય ઉદ્યોગ રાજ્યના નોટીફાઈડ ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે ₹૩૫૩ કરોડની જોગવાઇ, ડીઝલ સબસીડી ચૂકવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ, દરીયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ અન્ય બાબત માટે ₹૧૪૪ કરોડની જોગવાઇ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે ₹૬૨ કરોડની જોગવાઇ, એક્વા કલ્ચર ક્ષેત્રે આગામી ત્રણથી પાંચ વર્ષમાં ઝીંગા ઉત્પાદન બમણુ કરવા વિશેષ પેકેજ માટે ₹૫૦ કરોડની જોગવાઇ, દરિયાઈ માછલીના ઉત્પાદનોની સ્વચ્છ પરિસ્થિતિમાં જાળવણી માટે બ્લાસ્ટ ફ્રીઝર કોલ્ડ રૂમ માટે ₹૫૦ કરોડની જોગવાઇ, આદિજાતિ વિસ્તારમાં મત્સ્ય ખેડૂતોને કેજ કલ્ચરના ઈનપુટ ઓપરેશનલ ખર્ચ માટે ₹૩૨ કરોડની જોગવાઇ, ભાંભરા પાણીમાં કેજ કલ્ચર માટે ₹૩૦ કરોડની જોગવાઇ, ફીશરીઝ બાયપ્રોડક્ટ પ્રોસેસીંગ યુનિટ માટે ₹૨૫ કરોડની જોગવાઇ અને સહકાર કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹૩ લાખથી વધારી ₹૫ લાખ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ૪% વ્યાજ રાહત આપવા માટે ₹૧૨૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઉદ્યોગ અને ખાણ વિભાગ
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૧૧૭૦૬ કરોડની જોગવાઇ કરવામા આવી છે. જેમાં પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹૨૭૪૮ કરોડની જોગવાઇ, પ્રવાસન ક્ષેત્રે ‘ગુજરાત ટૂરિઝમ પોલિસી’, ‘હેરિટેજ ટૂરિઝમ પોલિસી’ તેમજ ‘ગુજરાત હોમસ્ટે પોલિસી’ જેવી અનેક નવી પહેલને લીધે ગુજરાતે ઉત્તમ યજમાન તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરેલ છે. આ સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જીલ્લાઓમાં જીલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે ₹ર૧૫ કરોડની જોગવાઇ, ઉડ્ડયન ક્ષેત્રે દાહોદ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા ખાતેનાં હયાત એરપોર્ટનાં વિસ્તરણ માટે ₹૨૧૦ કરોડની જોગવાઇ, સુરત ઇકોનોમિક રીજીયન ખાતે હોટેલ અને બીચ રિસોર્ટ, પારસી સર્કીટ, ક્રુઝ ટુરિઝમ, બીચ હોટેલ્સ, થીમ પાર્ક, ઇકો-ટુરિઝમ એક્ટીવિટી માટે ₹૫૦ કરોડની જોગવાઇ, નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઇ, ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”(ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ, પ્રવાસન સ્થળોએ વિવિધ નવી સર્કિટ તથા વે સાઇડ પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા ₹૧૫ કરોડની જોગવાઇ, ઉદ્યોગ અને ખાણ માટે ₹૮૯૫૮ કરોડની જોગવાઇ, ગુજરાતે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથોસાથ રોકાણકારોને આકર્ષિત કરવા MSME, મેન્યુફેકચરીંગ અને સ્ટાર્ટઅપ માટે નવી નીતિઓ અમલમાં મૂકી છે. જેને કારણે આજે ધમધમતુ અર્થતંત્ર એ ગુજરાતની ઓળખ બની ગયેલ છે. ખાસ આર્થિક ઝોન અને નાણાકીય હબ દ્વારા વૈશ્વિક રોકાણને આકર્ષવા, ઇન્ડ્રસ્ટીયલ પાર્ક, ક્લસ્ટર ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારણા તેમજ રોજગારી અને સ્કીલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રમાં સરકાર સતત આગળ વધી રહી છે.
૫૧૫ કરોડની જોગવાઇ
આ ઉપરાંત અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેના નવા ડીપ-સી પ્રોજેક્ટ માટે ₹૭૮૫ કરોડની જોગવાઇ, ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવા માટે ₹૨૯૦ કરોડ તેમજ ૪૨ કી.મી. લાંબી પાઈપલાઈન થકી રો વોટર સપ્લાય માટે ₹૨૨૫ કરોડ એમ કુલ ₹૫૧૫ કરોડની જોગવાઇ, પી.એમ.મિત્ર પાર્ક હેઠળ ભારત સરકાર સાથે નવસારી ખાતે PPPના ધોરણે આસિસ્ટન્ટ્સ ફોર રો વોટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ, ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન ખાતે ઇન્ટીગ્રેટેડ રેસીડેન્સીયલ ટાઉનશીપ તેમજ સામાજીક માળખાગત સુવિધાઓ જેવી કે; હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન માટે અંદાજિત ₹૨૦૦ કરોડની જોગવાઇ, ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીકસ અને લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના-૨૦૨૧ અંતર્ગત ₹૨૫ કરોડની જોગવાઇ, કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹૮૯૦ કરોડની જોગવાઇ, કુટિર, ગ્રામોદ્યોગ, હાથશાળ-હસ્તકલા અને ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલા કારીગરો માટે સ્વરોજગારીની તેમજ આજીવિકાની તકો ઊભી કરી તેમની આવક અને જીવનધોરણમાં સતત સુધારો કરી વોકલ ફોર લોકલને આગળ ધપાવવા રાજ્ય સરકાર સક્રીય રીતે કામ કરી રહી છે.
૫૧ કરોડની જોગવાઇ
હસ્તકલા અને હાથશાળની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી સહકારી મંડળીઓને પેકેજ યોજના અંતર્ગત ₹૭૬ કરોડની જોગવાઇ, ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલ કારીગરો તેમજ સંસ્થાઓને ખાદી ઉત્પાદન પર સહાય માટે ₹૫૧ કરોડની જોગવાઇ, માનવ કલ્યાણ યોજના અન્વયે ઇ-વાઉચર મારફત લાભાર્થીઓને ટુલકીટ સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા ₹૨૫ કરોડની જોગવાઇ, ઇકોફ્રેન્ડલી માટીની મૂર્તિઓને પ્રોત્સાહન આપવા માટીકામ સાથે સંકળાયેલ તથા અન્ય રોજગારલક્ષી તાલીમો માટે ₹૧૩ કરોડની જોગવાઇ, દેશભરના હાથશાળ અને હસ્તકલાના કારીગરોને કાયમી ધોરણે માર્કેટીંગ માટેનો મંચ પૂરો પાડવા વડોદરા અને ડીસા ખાતે અર્બન હાટ સ્થાપવાનું આયોજન. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૫૩૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ભારતનેટ ફેઝ-૩ માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદ્રઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલીના વિકાસ માટે ₹૧૦ કરોડની જોગવાઇ, સાયન્સ સીટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી, એવિએશન એન્ડ ડિફેન્સ ગેલેરી, સાયન્સ એક્સપ્લોરેશન ઝોન, ડિજિટલ ફ્યુચર ગેલેરી જેવા વિવિધ આકર્ષણોના નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ ઉપરાંત ધોલેરા(SIR) અને સાણંદ ખાતે માળખાકીય સુવિધા પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજી આધારિત ઉકેલ શોધવા માટે ફ્લેગશિપ કાર્યક્રમ માટે ₹૩ કરોડની જોગવાઇ કરાઇ છે.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪૨૮૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં સરકાર લોકોને ઝડપી, સુરક્ષિત, પર્યાવરણને અનુકૂળ તેમજ સુવિધાયુક્ત વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સતત કાર્યરત છે. ત્યારે આધુનિક ટેકનોલોજી ધરાવતી ૧૪૫૦ ડીલક્ષ અને ૪૦૦ મીડી બસ એમ કુલ ૧૮૫૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવા માટે ₹૭૬૬ કરોડની જોગવાઇ, મુસાફરોની સગવડતાને ધ્યાને લઇ ૨૦૦ નવી પ્રીમિયમ AC બસો અને ૧૦ કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી ૨૫ પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹૩૬૦ કરોડની જોગવાઇ, નવીન ડેપો-વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે ₹૨૯૧ કરોડની જોગવાઇ, સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ માટે કુલ ₹૧૮૫ કરોડની જોગવાઇ, મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવા એક્સપ્રેસ બસોમાં સંભવિત આકસ્મિક ઘટના પહેલા ડ્રાઇવરોને રીયલ ટાઇમ ઓડીયો-વિઝયુઅલ એલર્ટ આપવા પ્રથમ તબક્કામાં Advanced Driver Assistance System & Driver Monitoring System માટે ₹૧૩ કરોડની જોગવાઇ, નિગમ ખાતે ડ્રાઈવર – કંડકટર – મિકેનિક તથા ક્લાર્કની કક્ષામાં કુલ મળી ૧૧ હજારથી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં છે. આ ઉપરાંત બંદરો પ્રભાગ ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે ૫૯૮ મિલિયન મેટ્રિક ટન છે. તેને ૨૦૪૭ સુધીમાં ૨૦૦૦ મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે. તથા નવલખી અને મગદલ્લા બંદરોના વિકાસ માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ અને રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે. આ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ હતી.
આ પણ વાંચો : શિષ્યવૃત્તિથી લઇને ગણવેશ સહાય, વિદ્યાર્થીઓને લઇ ગુજરાત બજેટમાં કરોડોની જોગવાઇ
ગૃહ વિભાગ
ગૃહ વિભાગ માટે કુલ ₹૧૨૬૫૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદા વિભાગ માટે કુલ ₹૨૬૫૪ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ₹૩૦૮ કરોડની જોગવાઈ, ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકના મકાનો માટે ₹૧૬૫ કરોડની જોગવાઈ, હાઇકોર્ટના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઈઝેશન માટે ₹૨૮ કરોડની જોગવાઇ કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.