જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારી સમિતિમાં ગ્રાન્ટ વેચવાનું કથિત કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું. સમિતિના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામોને મંજૂરી અપાઇ હતી. ત્યારે હવે આ વિવાદ વચ્ચે કારોબારી ચેરમેન લાલજી ડોબરીયાની પાતાપુરના સરપંચ બિજલભાઇ સાથેની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં 20 ટકા કટકી આપી ગ્રાન્ટ વેચવામાં અને લેવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કારોબારી ચેરમેન લાલજી ડોબરીયાની ઓડિયો ક્લીપ થઇ વાયરલ
પાતાપુરના સરપંચ બિજલભાઇ સાથેની વાતની ક્લીપ વાયરલ
જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારી સમિતિમાં ગ્રાન્ટનો વિવાદ વચ્ચે કારોબારી ચેરમેન લાલજી ડોબરીયા અને પાતાપુરના સરપંચ બિજલભાઇની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જેમાં ગ્રાન્ટને અન્ય સભ્યોને વેચતા હોવાની ઓડિયો ક્લીપમાં ચર્ચા થઇ રહી છે. ગ્રાન્ટની જરૂર ન હોય તો અન્ય સભ્યોને વેચતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ ઓડિયો ક્લીપમાં કારોબારી ચેરમેન લાલજી ડોબરીયા શાળામાં બ્લોક નાખવા 2.5-3 લાખની ગ્રાન્ટ વેચાતી લઇ આપવાની ચર્ચા કરે છે. તેમણે પણ ખુદ 20 લાખની ગ્રાન્ટ વેચાતી લીધી હોવાનું જણાવી રહ્યા છે. જે સભ્યોને બીજીવાર ચૂંટણી લડવી ન હોય તેઓ ગ્રાન્ટ વેચી રહ્યા છે. હવે 1 કરોડ 20 લાખની ગ્રાન્ટ પૂરી થઈ ગઈ હોવાનો કારોબારી ચેરમેન ઉલ્લેખ કર્યો છે. જોકે VTV ન્યૂઝ આ ઓડિયો ક્લીપની પુષ્ટિ નથી કરતું. પરંતુ આ કૌભાંડ વિવાદ વચ્ચે આ ઓડિયો ક્લીપ વાયરલ થતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
ત્યારે અનેક સવાલ પણ થાય છે કે, શું સરપંચ અને સભ્યો વચ્ચે મિલિભગત? સરપંચ સભ્યો મળી આચરે છે કૌભાંડ? ગ્રાન્ટની ફાળવણીમાં કોણ કરે છે કટકી?