allegations against the Congress in Hardik Patel resign letter
ગંભીર આક્ષેપ /
હાર્દિક પટેલ: હું મળવા જઉં તો હાઈકમાન્ડનું ધ્યાન ફોનમાં રહેતું, નેતાઓને ચિકન સેન્ડવીચની ચિંતા વધારે હતી
Team VTV12:16 PM, 18 May 22
| Updated: 12:21 PM, 18 May 22
હાર્દિક પટેલે પોતાના રાજીનામા પત્રમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 'હું જ્યારે પણ હાઇકમાન્ડને મળ્યો ત્યારે તેમનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ હતું.'
સમસ્યાઓ કરતા નેતાઓનું ધ્યાન મોબાઈલમાં વધુ હોય છે: હાર્દિક
કોંગ્રેસ ગુજરાતની જનતા માટે સારૂ કરવા જ ઈચ્છતી નથી: હાર્દિક
કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દામાં ગંભીરતાની ઉણપ: હાર્દિક
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય દિવસોથી ચાલી રહેલી અટકળોનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે.
હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, 'CAA-NRC, ધારા-370, રામ મંદિર જેવા મુદ્દામાં કોંગ્રેસ માત્ર બાધા બની છે. હું જ્યારે પણ હાઇકમાન્ડને મળ્યો ત્યારે તેમનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ હતું. હાઇકમાન્ડને ગુજરાત અને ગુજરાતીઓથી નફરત છે. ગુજરાતનાં નેતાઓ દિલ્હીથી આવેલા નેતાને ચિકન સેન્ડવીચ ટાઈમ પર મળી કે નહીં તેની પર જ ધ્યાન આપે છે.'
કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા: હાર્દિક
વધુમાં હાર્દિકે પત્રમાં કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ. કોગ્રેસ દરેક મુદ્દા પર કેન્દ્ર સરકારના વિરોધ સીમિત રહી ગઈ. કોંગ્રેસનું નેતૃત્વ પાયાનો રોડમેપ પણ જનતા સમક્ષ પ્રસ્તુત ન કરી શક્યું. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દામાં ગંભીરતાની ઉણપ રહેલી છે. સમસ્યાઓ કરતા નેતાઓનું ધ્યાન મોબાઈલમાં વધુ હોય છે. જ્યારે દેશને કોંગ્રેસની જરૂર હતી ત્યારે નેતા વિદેશમાં હતા. કોંગ્રેસે યુવાઓના વિશ્વાસને તોડ્યો છે. કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા. કોંગ્રેસના નેતાઓએ આર્થિક ફાયદાઓ ઉઠાવ્યા. કોંગ્રેસના નેતાઓનું વેચાઈ જવું એ જનતા સાથે દગો છે. કોંગ્રેસ ગુજરાતની જનતા માટે સારૂ કરવા જ ઈચ્છતી નથી. જ્યારે મે ગુજરાતનું સારૂ ઈચ્છ્યું ત્યારે કોંગ્રેસે મારો તિરસ્કાર કર્યો. આજે હું મોટી હિમંત કરીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપુ છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ મારા નિર્ણયનું સ્વાગત કરશે.'
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
મે ક્યારેય વિચાર્યું ન હોતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા રાજ્ય પ્રત્યે આટલો દ્રેષ રાખે છે: હાર્દિક
આ સાથે હાર્દિકે કહ્યું કે, 'આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઇને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળો પાડ્યો છે અને તેના બદલામાં પોતે જ મોટો આર્થિક ફાયદો ઉઠાવ્યો છે. રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે. મે ક્યારેય વિચાર્યું ન હોતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા રાજ્ય, અમારા સમાજ અને ખાસ કરીને યુવાનો પ્રત્યે આટલો દ્રેષ પોતાના મનમાં રાખે છે.'
અગાઉ હાર્દિકે કહ્યું હતું કે, 'અમે હંમેશા કોંગ્રેસને અમારા 100 ટકા આપ્યા છે'
હાર્દિકે કહ્યું હતું કે, 'જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ઉદયપુરની (કોંગ્રેસ) બેઠકમાં જઇને શું કરું. અમે લોકોએ પાર્ટીને આપ્યું છે, પાર્ટી જોડેથી અમે લોકોએ આજ દિન સુધી કંઇ લીધુ નથી. 2015 હોય, 2017 હોય કે પછી એના પછીનો સમય હોય, અમે હંમેશા કોંગ્રેસને અમારા 100 ટકા આપ્યા છે. ગુજરાતની જનતાની અંદર જાગૃતિ લાવીને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કર્યું છે. નારાજગી કરતા પણ વધારે પાર્ટી ફોરમમાં સ્વતંત્રતાની રીતે સાચી વાત મૂકવી ખૂબ જરૂરી હોય છે.'